zoom in zoom out toggle zoom 

< ચૂંદડી ભાગ 1

ચૂંદડી ભાગ 1/6.એક તે રાજ દ્વારમાં રમતાં (પ્રભાતિયું)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


6

અંતરનો સંકલ્પ હવે તો પ્રગટ થયો. રોજ રોજ રાતીમાતી થઈને રમનારી હસમુખી દીકરીના અંગ ઉપર આજે પિતાએ દુર્બલતા દીઠી, આંખમાં આંસુ દીઠાં, પૂછપરછ થઈ. કન્યાએ ઉદાસીનું કારણ કહ્યું. હજુ સ્પષ્ટ નિર્દેશ કરીને નથી કહેતી કે પોતે કયો સ્વામી નક્કી કરી લીધો છે. એટલું મોઘમ જ કહે છે કે વરની પસંદગી કરવામાં, ઓ પિતા, આટલી વાતો ભૂલશો મા! બધી વાતે મધ્યમ કોટિનો જ પુરુષ મારે માટે ગોતી લેજો. શા માટે ઉત્કૃષ્ટ નહિ? કેમ કે એ તો કદાચ મારાથી સંતોષ ન પામે. એને તો પોતાની ઉચ્ચતાનું મિથ્યાભિમાન રહે.

એક તે રાજ દ્વારમાં રમતાં,
બેનીબા દાદે તે હસીને બોલાવિયાં;
કાં કાં રે દીકરી તમારી દેહ જ દૂબળી!
આખંડલી રે જળે ભરી!
નથી નથી રે દાદા મારી દેહ જ દૂબળી,
નથી રે આંખડલી જળે ભરી!
એક ઊંચો તે વર નો જોશો રે દાદા,
ઊંચો તે નત્ય નેવાં2 ભાંગશે!
એક નીચો તે વર નો જોશો રે દાદા,
નીચો તે નત્ય ઠેબે3 આવશે!
એક ધોળો તે વર નો જોશો રે દાદા,
ધોળો તે આપ4 વખાણશે!
એક કાળો તે વર નો જોશો રે દાદા,
કાળો તે કટંબ લજાવશે!
એક કડ્ય રે પાતળિયો ને મુખ રે શામળિયો
તે મારી સૈયરે વખાણિયો.
એક પાણી ભરતી તે પાણીઆરીએ વખાણ્યો,
ભલો રે વખાણ્યો મારી ભાભીએ.

સહિયરે વખાણ્યો, ભાભીએ વખાણ્યો, પનિહારીએ પસંદ કર્યો, પછી એ મૂરતિયામાં શી મોળપ રહી? એ ત્રણેયના જેવી રસિક તેમ જ વિવેકી દૃષ્ટિ બીજા કોની હોઈ શકે? મર્મમાં દીકરીએ પિતાને સારી પેઠે પોતાના મનોભાવ સમજાવી નાખ્યા કે, હે પિતાજી! મારી મોહવશ આંખ તો કદાચ ભૂલ કરે, તેથી તો આ બીજાં આપ્તજનો કને મેં મારી પસંદગીની કસોટી કરાવી છે.