ચૂંદડી ભાગ 1/60.કન્યા ચડ્યાં રે દાદાજીની મેડીએ (સામૈયા સમયે)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


60

ધ્રૂસકતે ઢોલ-નગારે, ગુંજતી શરણાઈએ, ગાજતી બંદૂકે અને બળતી મશાલે જાન ગામની ભરી બજારે ધીરે પગલે ચાલી આવે છે. અને ‘અગન ગગન પગ માંડતી’ ઘોડી પર શોભતા કેસરભીના કંથને નજીકથી, વધુ ને વધુ નજીકથી જોઈ રહેલી એકલવાયી કન્યા મેડીને ગોખે બેસીને મનમાં મનમાં જાણે વડીલોને કંઈક કહી રહી છે : એ કહી રહી છે કે તમ સહુથી મારી દૃષ્ટિ ન્યારી છે. તમે એનાં રૂપ, તેજ કે લાડ જુઓ છો, પણ હું તો ફક્ત એક જ વાત જોઈ રહી છું :

કન્યા ચડ્યાં રે દાદાજીની મેડીએ
રાયવર આવ્યા દાદાજીની શેરીએ
દાદા, તમે રે જોયા વર રાજિયા
દાદા, અમે જોયા ચતુર સુજાણ,          છત્રીસ વાજાં વાગિયાં.

કન્યા ચડ્યાં રે કાકાજીની મેડીએ
રાયવર આવ્યા કાકાજીની શેરીએ
કાકા, તમે રે જોયા વર લાડકા
કાકા, અમે જોયા ચતુર સુજાણ,          છત્રીસ વાજાં વાગિયાં.

કન્યા ચડ્યાં રે મામાજીની મેડીએ
રાયવર આવ્યા મામાજીની શેરીએ
મામા, તમે રે જોયા વર રૂપલા
મામા, અમે જોયા ચતુર સુજાણ,          છત્રીસ વાજાં વાગિયાં.

કન્યા ચડ્યાં રે વીરાજીની મેડીએ
રાયવર આવ્યા વીરાજીની ડેલીએ
વીરા, તમે રે જોયા વર હોંસીલા
વીરા, અમે જોયા ચતુર સુજાણ,          છત્રીસ વાજાં વાગિયાં.

એની આંખોમાં તો માત્ર એક જ ગુણ વસ્યો છે : માત્ર ચતુર સુજાણપણું. એની પસંદગી નથી રાજરિદ્ધ પર ઊતરી કે નથી રૂપ ઉપર : વારે વારે, એક પછી એક ગીતમાંયે એ નિરનિરાળી રીતે કહ્યા કરે છે કે હું તો એની ચાતુરી પર મોહી છું, અન્ય કશા ઉપર નહિ. અને એ તો પતિરાજને જોતાં ધરાતી જ નથી. શેરીએ શેરીએ જઈને, છૂપી છૂપી, ઊંચી મેડીએથી નિહાળે છે : દૂરથી, નજીકથી, આજુબાજુથી દશેય દિશાએથી કોઈ ચિત્રકાર પોતાના ચિત્રની આકૃતિની જુદી જુદી છટા અને અવનવા મરોડ જેમ જોયા કરે, તેમ જ આ ચિત્રઘેલી કલાધરી એના સંગાથીનું સર્વાંગી સૌંદર્ય ધારી ધારીને નીરખી રહી છે.