zoom in zoom out toggle zoom 

< ચૂંદડી ભાગ 1

ચૂંદડી ભાગ 1/62.સીતાને તોરણ રામ પધાર્યા (પોંખતી વેળા)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


62

પરણતો પુરુષ કન્યાના પિયરને દ્વારે તોરણ છબવા આવે છે. દ્વાર પર આસોપાલવનાં પાંદડાંનાં લીલાં તોરણ ઝૂલે છે. પુરુષ ‘હું આવ્યો છું’ એ નિશાની રૂપે તોરણનું પાંદડું તોડે છે અને કન્યાની માતા એને પૉંખે છે : પ્રોક્ષણ સિંચન કરે છે : પૉંખે છે શી શી વસ્તુઓ વડે? રવાઈ, ત્રાક, ઘોંસરા અને પીંડી વડે : જગતના જીવન-આધારની ચારેય પવિત્ર વસ્તુઓ : હે કુમાર! તારા ગૃહસંસારમાં પણ એ ચારેય સામગ્રીઓ — એ દૂધ, ઘી, ખાદીનાં વસ્ત્રો, ખેતીવાડીનું ધાન્ય, તે તને સાંપડજો! પરણનારને એની પવિત્રતા સ્મરાવવા આંહીં પણ સીતારામનું જ સંબોધન થાય છે :

સીતાને તોરણ રામ પધાર્યા
લેજે પનોતી પૅ’લું પૉંખણું
પૉંખતાં રે વરની ભ્રમર ફરકી
આંખલડી રતને જડી.

રવાઈએ એ વર પૉંખો પનોતાં
રવાઈએ ગોળી સોહામણાંય

સીતાને તોરણ રામ પધાર્યા
લેજે પનોતી બીજું પૉંખણું!

ધોંસરીએ એ વર પૉંખો પનોતાં
ધોંસરીએ ધોરી સોહામણા.

સીતાને તોરણ રામ પધાર્યા
લેજે પનોતી ત્રીજું પૉંખણું!

તરાકે એ વર પૉંખો પનોતાં
તરાકે રેંટીડા સોહામણા.
સીતાને તોરણ રામ પધાર્યા
લેજે પનોતી ચોથું પૉંખણું!

પીંડીએ એ વર પૉંખો પનોતી
પીંડીએ હાથ સોહામણા.

પનોતી એટલે પુણ્યવતી સાસુજીએ વિશ્વનાં એ ચાર સર્વોત્તમ પુષ્પો વડે વધાવીને આશિષો છાંટી, અને પડદો રાખેલો તેની અંતરાલે આવીને કન્યાએ પોતાના મુખની તાંબુલની પિચકારી લગાવી. તાંબુલના રંગે પતિને જાણે કે સમસ્યા કરી કે હું આ આત્માના રાગ વડે તારું સ્વાગત કરું છું.