ચૂંદડી ભાગ 1/67.પે’લું તે મંગળ વરતીયું (હસ્તમેળાપ)
હસ્તમેળાપ વાટે પરસ્પર સ્નેહ-વિદ્યુતનો સંચાર થઈ રહ્યો. સામસામા કૉલ દેવાયા, પરંતુ દેવતાની સાક્ષી નોંધાયા વિના એ કૉલ અધૂરા જ તો. માટીનાં (અથવા ત્રાંબાં-પિત્તળનાં) માટલાંને ચાર સ્થંભાકારે ગોઠવી ચૉરી (સં. ચત્વારિ) રચાવી છે ત્યાં બંને જણાં ચાર મંગલફેરા ફરે છે : અને રંગોની પસંદગી વિશે વરરાજાની રસદૃષ્ટિ માપવા માટે જાણે કે કન્યા પ્રત્યેક મંગલ વર્તતી વેળા પ્રશ્ન કરે છે, પતિ એનો રમ્ય ઉત્તર આપે છે. રંગોની ભભક વડે કલ્પના ભરપૂર બને છે :
પૅ’લું તે મંગળ વરતીયું, સખી, સામો દિયો શ્રીરામ,
ઘરમાં તે લીલું શું વખાણીએ, ઉત્તર દિયો, વરરાજ!
લીલા તે પોપટ પાંજરે, લીલી તો નાગરવેલ,
લીલી તે ચૉરી ચોગણી, લીલા ચૉરીના થંભ!
બીજું તે મંગળ વરતિયું, સખી, સામો દિયો શ્રીરામ,
ઘરમાં તે પીળું શું વખાણીએ, ઉત્તર દિયો, વરરાજ!
પીળાં તે પીતાંબર ધોતિયાં, પીળી ચણાની દાળ
પીળા તે વરરાજાના વાંકડાં2, પીળી કન્યાની ઝાલ2!
ત્રીજું તે મંગળ વરતીઉં, સખી સામો, દિયો શ્રીરામ
ઘરમાં તે રાતું શું વખાણીએ, ઉત્તર દિયો વરરાજ!
રાતા તે રંગત ચૂડલા, રાતા કન્યાના દાંત
રાતાં તે વરરાજાનાં મોળિયાં, રાતા કંકુના થાળ!
ચોથું તે મંગળ વરતીઉં, સખી, સામો દિયો શ્રીરામ
ઘરમાં તે ધોળું શું વખાણીએ, ઉત્તર દિયો, વરરાજ!
ધોળા તે ધમળા3 વખાણીએ, ધોળા તે ભાર કપાસ,
ધોળાં તે ધોબી ધોવે ધોતિયાં, ધોળી બગલાની પાંખ!
પાંચમું તે મંગળ4 વરતીઉં, સખી, સામો દિયો શ્રીરામ
ઘરમાં તે કાળું શું વખાણીએ, ઉત્તર દિયો, વરરાજ!
કાળા તે ગેમર હાથીડા, કાળી તે કાજળ રેખ
કાળાં તે કોયલડીનાં બચળાં, કાળા મેઘ મલાર!