ચૂંદડી ભાગ 1/69.કણ કણ કાંકણિયાળી ચૂડી રે (જાન પાછી વળતાં)
ગોત્રીજની સન્મુખ દૂધભરી થાળીની અંદર દંપતી કોડીની રમત રમે છે, એ બધી વિધિઓ પોતે જ કાવ્યભરી, ભાવનાભરી ને અર્થભરપૂર છે : પરંતુ કોણ જાણે શા કારણે એનું વર્ણન આલેખનારાં ગીતો આ સાહિત્યમાં જૂજજાજ જ મળી આવે છે. ફક્ત બંને પરણનારાંનાં આ સહભોજન, સહક્રીડા — જે કહો તે — એનું એક જ સાદું રમતિયાળ ચિત્ર મળે છે :
કણ કણ કાંકણિયાળી ચૂડી રે
લાડા પાસે લાડડી દીસે રૂડી રે
કહોને લાડી એવડાં તે તપ શાં કીધાં રે
ગઢડામાં ગોપીનાથ પૂજવા ગ્યાં’તાં રે
તેને તપે…ભાઈ સસરો પામ્યાં રે
કહોને લાડી એવડાં તે તપ શાં કીધાં રે
મૂળીમાં માંડવરાય પૂજવા ગ્યાં’તાં રે
તેને તપે…બાઈ સાસુ પામ્યાં રે
વાંકાનેરમાં જડેશ્વર પૂજવા ગ્યાં’તાં રે
પાલીતાણે આદીશ્વર પૂજવા ગ્યાં’તાં રે
કએવાં એવાં તપોના પુણ્ય-સંચયને પરિણામે જ જાણે કે રૂડું સાસરું જડ્યું. લગ્ન એટલે જાણે કે તપોવન; એ મુજબ જુદાં જુદાં તમામ તીર્થધામો અને તીર્થદેવતાઓનાં નામો મૂકી આ ગીતની પંક્તિઓ પુનરાવર્તન પામતી જાય છે.