ચૂંદડી ભાગ 1/73.મેં તો ડુંગર કોરીને ઘર કર્યાં રે (પરણી ઊતર્યા બાદ)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


73

આછાં કંકુડાં ઘોળીને કન્યાએ કપાળ પર પીળ્ય તો કાઢી, બચકાં બાંધ્યાં, વેલડી દ્વારે આવીને ઊભી રહી; પણ કન્યાને જુદાઈની પળ અત્યંત વસમી લાગી છે. આછા ઘૂંઘટમાં એ આંસુ પાડે છે. લગ્નજીવનના તમામ લહાવાની મીઠાશ માવતરના ખોળા છોડવાની છેલ્લી ઘડી આવતાં કડવી ઝેર બની જાય છે. અને પતિની મૂંઝવણ દાખવતું આ ગીત ગવાય છે :

મેં તો ડુંગર કોરીને ઘર કર્યાં રે
મેં તો કાચનાં જડિયાં કમાડ રે, હો લાડડી!
હજી રે સમજ, મારી કોયલડી

મેં તો દાદા મારાને દુભવ્યા રે
તારા આછા ઘૂંઘટડાને કારણ, હો લાડડી!
હજી રે સમજ, મારી કોયલડી!

મેં તો કાકા મારાને કોચવ્યા રે
તારા નવલા ઘૂંઘટડાને કારણ, હો લાડડી!
હજી રે સમજ, મારી કોયલડી!

ઓ મારી કોયલ, હવે તો સમજ! મેં તારી સાથે પાણિગ્રહણ કરવામાં કેટલી જહેમત ઉઠાવી : મેં તારા આછા ઘૂંઘટડાને કારણ મારા પિતાનું, મામાનું — તમામ સ્વજનોનાં — દિલ કોચવ્યાં. સહુની પસંદગી વિરુદ્ધ હું તને પરણ્યો, ને તું હવે રડવા બેઠી છે!