ચૂંદડી ભાગ 1/8.કુંવારી ચડી કે કમાડ (માળા નાખતી વખતે)
પછી જાણે કે વડીલોએ પુછાવ્યું : ઓ બહેન! તારું અંતર ક્યાંય ઠરેલું છે? તેં વર્ણવ્યા પ્રમાણેનો કોઈ વર ક્યાંયે દીઠો છે? અથવા તું જોઈ રાખીશ? દીકરી પોતાનો કંથ પસંદ કરવાને મિષે ઓરડાને બારણે ચડી ઊભી ઊભી નિહાળે છે. એણે તો જાણી મૂક્યો હતો તે જ જોયો. એ ‘વહેવારિયા’ અર્થાત્ પ્રવીણ વરની વાતો ચલાવી : શામાં શામાં પ્રવીણ? રમતમાં પ્રવીણ : ‘સ્પોર્ટ્સમૅન’ : અટપટી બજારમાંથી પણ ગેડી વડે દડો કાઢી જાય! ભણતરમાં પ્રવીણ : સુંદર મરોડદાર અક્ષરો કાઢનારો. જમવામાં ચતુર; ગંદો, ગોબરો કે, અકરાંતિયો નહિ. પ્રિયદર્શી : સરોવરમાં સ્નાન કરતાં જેના માથાની સુંવાળી કાળી ચોટલી શોભી ઊઠેલી. અને લક્ષ્મીનાં લેખાં કરવામાં પ્રવીણ, વેપારી : એવો સુલક્ષણો સ્વામી મને પરણાવજો!
કુંવારી ચડી રે કમાડ સુંદર વરને નીરખવા રે!
દાદા મોરા, એ વર પરણાવ, એ વર છે વેવારિયો રે!
ધીડી મોરી, ક્યાં તમે દીઠા ને ક્યાં તમારાં મન મોહ્યાં રે!
રમતો’તો બવળી3 બજાર, દડુલે મારાં મન મોહ્યાં રે!
કુંવારી ચડી રે કમાડ, સુંદર વરને નીરખવા રે
વીરા મોરા, એ વર જોજો, એ વર છે વેવારિયો રે
બેની મોરી, ક્યાં તમે દીઠા, ને ક્યાં તમારાં મન મોહ્યાં રે
ભણતો’તો ભટની નિશાળે, અક્ષરે મારાં મન મોહ્યાં રે
કુંવારી ચડી રે કમાડ, સુંદર વરને નીરખવા રે
કાકા મોરા, એ વર જોજો, એ વર છે વેવારિયો રે
ભત્રીજી મોરી, ક્યાં તમે દીઠા? ને ક્યાં તમારાં મન મોહ્યાં રે
જમતો’તો સોનાને થાળે, કોળીડે3 મારાં મન મોહ્યાં રે