ચૂંદડી ભાગ 1/90.હું સૂતી રે મારા રંગ રે મૉલમાં (પ્રભાતિયું)
પતિ-પ્રેમની આછી પછેડીની સોડમાં પોઢી ગયાં. અને એ સુખનિદ્રામાં એણે કેવાં મધુર, કેવાં ગહન સ્વપ્નો દીઠાં! પતિ પોતે જ તેના અર્થો કરી આપે છે :
હું સૂતી રે મારા રંગ રે મૉલમાં
સૂતાં તે સપનાં લાગિયાં જી રે!
ઊંડાં ઝળહળ રે મેં તો સપનામાં દીઠાં
માનસરોવર ભર્યાં દીઠાં જી રે!
આંગણે હસ્તી રે મેં સપનામાં દીઠા
કુંભ કળશ ત્યાં ભર્યા દીઠા જી રે!
આંગણે આંબલો રે મેં તો સપનામાં દીઠો
જાય2 જાવંત્રી ઢુંગે ઢુંગે3 જી રે!
મોતીના ચૉક રે મેં તો સપનામાં દીઠા
લીલી હરિયાળી ત્યાં બહુ ફળી જી રે!
મેડીએ દીવડો રે મેં તો સપનામાં દીઠો
કંકુ કેસર કેરાં છાંટણાં રે જી રે!
સૂતા જાગો રે મારી નણદીના વીરા
સપનાના અરથ ઉકેલજો જી રે!
ઊંડાં ઝળહળ રે, ગોરી, મૈયર તમારું
માનસરોવર તારું સાસરું જી રે!
આંગણે હસ્તી રે, ગોરી, વીરો તમારો
કુંભ કળશ તારાં કુળનાં જી રે4
આંગણે આંબલો રે, ગોરી, સસરો તમારો
જાય જાવંત્રી સાસુ તારી જી રે!
મોતીના ચૉક રે ગોરી, કંથ તમારો
લીલી હરિયાળી નણંદ તમારી જી રે!
મેડીએ દીવડો રે, ગોરી, કુંવર તમારો
કંકુ કેસરિયાં વવારું તમારાં જી રે!
ઘણું જીવજો રે, મારી નણદીના વીરા,
સપનાના અરથ ભલા કર્યા જી રે!
અન્ય પુસ્તકમાં એક સ્વપ્નું વધુ બોલાય છે :
મેં તો જાણ્યું રે ઘર વચ્ચે ગહુંળી શી પૂરી
લીલુડાં તોરણ બંધાઈ રહ્યાં રે
ઘર વચ્ચે ગહુંળી તે ગોરી દીકરી તમારી
લીલુડાં તોરણ જમાઈ તારો રે