ચૂંદડી ભાગ 1/94.સોનલા ઈંઢોણી
જ્યાં અતિ સ્નેહ, ત્યાં અનિષ્ટની શંકા પણ સહેજ પડી જાય. નવવધૂના કાનમાં ભણકારા બોલ્યા કે તારો સ્વામી તો નવી વહુ પરણી લાવે છે : તું એને નથી ગમતી! હાંસીને સાચી સમજી વહુએ બહાર જતા સ્વામીનો છેડો ઝાલ્યો : સાચું કહો, ફરી પરણવું છે? અરે, એવું કોણે કહ્યું? પવને કહ્યું. પણ કહો સાચું, હું શીદને ન ગમી? મારામાં શી ઊણપ દીઠી? સ્વામીએ મીઠી મજાક કરી, કલ્પી લેવાયેલાં અણગમાનાં ગમ્મતભર્યાં બહાનાં કાઢ્યાં! સ્નેહનો થોડો વિનોદ કરી લીધો :
સોના ઈંઢોણી રૂપા બેડલું રે પાલવ છોડજો!
પાણીડાં ગઈ’તી તળાવ
નવજાદી! નવ પાલવ છોડજો!
[અહીં કંઈક તૂટ્યું જણાય છે.]
કોણે કીધું ને કોણે સાંભળ્યું રે પાલવ છોડજો!
કોણે ઉડાડી છે વાત
નવજાદી! નવ પાલવ છોડજો!
ચાંદે કીધું ને સૂરજે સાંભળ્યું રે પાલવ છોડજો!
વાયે ઉડાડી છે વાત
નવજાદી! નવ પાલવ છોડજો!
તમારું તે મૈયર ગોરી વેગળું રે પાલવ છોડજો!
ઢૂંકડા સાસરિયાની ખાંત
નવજાદી! નવ પાલવ છોડજો!
તમારો તે વીરો ગોરી એકલા રે પાલવ છોડજો!
સાત સાળાની છે ખાંત
નવજાદી! નવ પાલવ છોડજો!
તમારા તે પૉંચા ગોરી શામળા રે પાલવ છોડજો!
ગોરા પૉંચાની છે ખાંત
નવજાદી! નવ પાલવ છોડજો!
તમારાં છોરુડાં ગોરી ગોબરાં રે પાલવ છોડજો!
ખોળે બેસાર્યાંની છે ખાંત
નવજાદી! નવ પાલવ છોડજો!