ચૂંદડી ભાગ 1/96.શ્રી રામ! ધોળું નગર ધોળું ઘોળકું (ગૃહ-શાંતિ કરવાનું)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


96

કર્તવ્યના પાઠ શીખીને બંને જણા સંસારી જીવનનો યજ્ઞ સંગાથે મળી રોજ રચ્યા કરે છે. ઉચ્ચ કે નીચ, એવા કોઈ ભેદ ગૃહકાર્યમાં એ દંપતીએ નથી રાખ્યા. ગોપ-જીવનમાં તો ચાહે તે ગૃહકાર્ય સદાય સરખી રીતે ગૌરવવંતું છે 

શ્રી રામ! ધોળું નગર ધોળું ધોળકું રે શોભા!
શ્રી રામ! ધોળી ધોળકિયાની વાત રે શોભા!
શ્રી રામ! વાવે તે તાળું રે ત્રાંબા તણા શોભા!
શ્રી રામ! મોતીડાવરણાં જળ ભર્યાં રે શોભા!
શ્રી રામ! વાવે તે કચરો કંકુ તણો રે શોભા!
શ્રી રામ! શીંદોરિયા તે શેવાળ રે શોભા!
શ્રી રામ! પગથિયે પગથિયે પૂતળી રે શોભા!
શ્રી રામ! રૂપા માછલીની હાર રે શોભા!
શ્રી રામ! સાવ રે સોનાનો બાજોઠિયો રે શોભા!
શ્રી રામ! ત્યાં બેસી શ્રી કૃષ્ણ ના’યા રે શોભા!
શ્રી રામ! નાહી ધોઈને ઊભા રિયા રે શોભા!
શ્રી રામ! ત્યાં આવ્યાં લક્ષ્મીજી નાર રે શોભા!
શ્રી રામ! શ્રી કૃષ્ણે* ખીલા ખોડિયા રે શોભા!
શ્રી રામ! લક્ષ્મીજીએ બાંધી ગાય રે શોભા!
શ્રી રામ! શ્રી કૃષ્ણે વાછરું વાળિયાં રે શોભા!
શ્રી રામ! લક્ષ્મીજીએ દોઈ ગાય રે શોભા!
શ્રી રામ! શ્રી કૃષ્ણે ગોરસ મેળિયાં રે શોભા!
શ્રી રામ! લક્ષ્મીજીએ ઘૂમ્યાં મહી રે શોભા!
શ્રી રામ! શ્રી કૃષ્ણે માખણ ઉતાર્યાં રે શોભા!
શ્રી રામ! લક્ષ્મીજીએ તાવ્યાં ઘીય રે શોભા!
શ્રી રામ! શ્રી કૃષ્ણે જવતલ હોમિયા રે શોભા!
શ્રી રામ! ધુંવાડા ચડ્યા છે આકાશ રે શોભા!
શ્રી રામ! આ કુળ કેણે અજવાળિયાં રે શોભા!
શ્રી રામ! વાસુદેવનો મોભી શ્રી કૃષ્ણ રે શોભા!
શ્રી રામ! આ કુળ એણે અજવાળિયાં રે શોભા!