ચૂંદડી ભાગ 2/લોકગીતોની પ્રવાહિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લોકગીતોની પ્રવાહિતા

લોકસાહિત્યનું મોટામાં મોટું બળ તે એની સાર્વજનિકતા છે. એ સાર્વજનિકતા જન્મે છે એની પ્રવાહિતામાંથી. યુરોપનું એક લોકગીત દસ-દસ ને પંદર-પંદર પાઠાન્ત્તરો દ્વારા ત્યાંના દેશદેશની ભાષામાં ઊતરી ગયું છે. આપણા ગુજરાતમાં પણ અક્કેક લગ્નગીતે પ્રાંતે પ્રાંતે ભમીને ભિન્ન ભિન્ન પાઠાન્ત્તરો જન્માવ્યાં છે. આપણે પ્રજાજીવનમાં ‘રિધમ’ (તાલબદ્ધતા) માગીએ છીએ. આપણો અંતરતમ પ્રાણ એક તાલે ધબકતો નથી. પણ એકસૂરીલા આંતરજીવનની સામગ્રી તો આપણું લોકસાહિત્ય પૂરી પાડે છે. એકનું એક ગીત, એકની એક જ કલ્પના, સ્વર અને શબ્દોના વૈવિધ્ય વડે વિભૂષિત બનીને પ્રાંતે પ્રાંતમાં પોતાના પડઘા જગાવે, અને કંઈક શતકો સુધી એ પડઘા શમે જ નહિ, એ દૃશ્ય આપણા ઊંડા બળની સાક્ષી પૂરે છે. એવું કહેવાય છે કે આજે ‘ડેડ સી’ (મૃત સમુદ્ર) પોતાનાં નીરમાં એટલી બધી કડક ખારાશ ધારણ કરી બેઠો છે કે એમાં જીવનને સ્થાન નથી — નાનું-શું જંતુ પણ એમાં જીવતું નથી. આવડી બધી કડકાઈનું, આટલી બધી અક્કડ પ્રકૃતિનું એક કારણ એ મનાય છે કે મૃત સમુદ્રને પોતાની છોળો બહાર રેલાવવાનું કશું ‘આઉટલેટ’ (દ્વાર) નથી. એના પ્રવાહો શી રીતે વહે? આડે ઊભા છે પહાડોના ખડકો. મૃત સમુદ્રને ખડકો રુંધે છે. એના જીવનને ગૂંગળાવી મારે છે. એની કડકાઈનું અભિમાન બેશક પોષાય છે, એનું વ્યક્તિત્વ આજે જગતના સર્વે સમુદ્રોથી હરગિજ જુદું છે. પરંતુ એ વ્યક્તિત્વમાં ગૌરવ તો છે કેવળ મૃત્યુનું, જીવનનું નહિ. એ જ દશા થાય છે પ્રવાહહીન સાહિત્યની. લોકસાહિત્ય એ સ્થિતિમાંથી મુક્ત રહી શક્યું છે કેમ કે પોતાના વ્યક્તિત્વને ભોગે પણ પ્રવાહીપણાનું તત્ત્વ એણે જાળવી રાખ્યું છે. એ કોઈ ઉત્તમ ચિત્રકારના ચિત્ર જેવું નથી, પણ ગામને પાદર ઊભેલા પાળિયા જેવું છે. ચિત્રકાર પોતાના ચિત્રનો માલિક હોવાથી, પોતાના ચિતરામણમાં એક રેખા કે બે બિન્દુનો પણ ફેરફાર કરવા કોઈને નહિ આપે, જ્યારે પાળિયા ઉપર તો સહુ ગામલોકો પોતાને મનગમતાં સિંદૂર-ચિતરામણો આલેખી શકશે. લોકગીતોમાં તો કોઈ કર્તાની છાપ ન હોવાથી માલિકીની કડકાઈ નથી, પણ સાર્વજનિકતાની કુમાશ છે. જેને ઊર્મિ ઊઠે તે એમાં નવા રંગો ઉમેરે, નવી રેખાઓ આંકે. પાઠાન્તરોની પ્રચુરતાનો આખો મર્મ એ છે. એણે સહુને ભાવે તેવી છેકભૂંસ ને રંગપુરવણી કરવા દીધી છે. ઘણે વખતે આ છૂટમાં નધણિયાતાપણાના દોષને લીધે વિકૃતિ નીપજી હશે, પરંતુ તે છતાં એના પ્રવાહીપણાને એણે સજીવન તો બરાબર રાખ્યું છે. એ સજીવપણું કેટલું વ્યાપક છે, તેની થોડીક સમીક્ષા આજે કરશું. પ્રવાહી સાહિત્યની વિશિષ્ટતા જ આ છે : સમસ્તતાનું — ઊંચનીચ અને ગરીબ-ધનવાન તમામનું એ સહિયારું ધન હોઈ, એ સાહિત્યને સહુ કોઈ પોતાની પીંછી લગાવી પોતાના અંતરતમ પ્રાણમાં જૂજવા રંગો પૂરે, અને એક જ રેખાના ફેરફાર વડે આખો ભાવ પલટી નાખે, નવું જ સૌંદર્ય નિપજાવે : જેમ કે, કાઠિયાવાડનાં લગ્નગીત માંહેનું —

ઊંચા ઊંચા રે દાદે ગઢ રે ચણાવ્યા
ગઢ રે સરીખા ગોખ મેલિયા,
ગઢડે ચડીને બાઈનો દાદોજી જોવે,
કન્યા ગોરાં ને રાયવર શામળા!
એના ઓરતડા મ કરજો, દાદા,
દ્વારકામાં રણછોડરાય શામળા!

— એ ગીત ગુજરાતની કોઈ કાવ્યરસિક ગુજરાતણના લગાર જ સ્પર્શ થકી વિશેષ કાવ્યમય બન્યું :

ઊંચાં મેડી ને ગોખ જાળિયાં,
ત્યાં બેસી કન્યાના દાદાજી કહે રે!
દીકરી ગોરાં ને રાયવર શામળા!
દાદાજી મોરા! હૈયે ન ધરશો,
તડકાને તેજે રાયવર શામળા!

‘તડકાને તેજે રાયવર શામળા!’ નવીન જ ઊર્મિ : શામળા રંગની હકીકત જ જૂઠી પડી ગઈ. અથવા કાઠી-ગીત લઈએ —

મેડીને મોલ બેઠાં મોંઘીબા બોલે,
કાં રે દાદાજી! વર શામળો?
છેટેથી આવ્યો રજે ભરાણો
રજનો ભરાણો રાયવર શામળો.

— એ ફેરકાર થઈ શક્યો, તેનું કારણ લોકસાહિત્યની પ્રવાહિતા. વહેતું ઝરણું પોતાના માર્ગમાં જેમ આકાશ, વૃક્ષ અને પશુપંખી તમામના રંગો આકારો ઝીલે તેમ લોકસાહિત્યે ભિન્ન ભિન્ન આત્માની ઊર્મિઓ પોતાના પ્રવાહમાં ઝબકોળી લીધી. એવા જ નજીવા ફેરફાર વડે આપણે કોઈ નવી જ કલ્પનાની લહેર અનુભવીએ છીએ, અને લોકકલ્પનાની સમૃદ્ધિનું સાચું માપ કાઢી શકાય છે. વિદાય વેળાના ગીતમાં

દાદાને આંગણે આંબલો,
આંબલો ઘોર ગંભીર જો!
એક તે પાન, દાદા, તોડિયું
દાદા! ગાળ નો દેજો જો!

એને બદલે બીજું પાઠાન્તર પ્રગટ થયું :

ડાળ મરડીને દાતણ મેં કર્યું
દાદા! ગાળ મ દેશો રે!

એ ‘ડાળ મરડીને દાતણ મેં કર્યું’ની કરુણતા ‘એક તે પાન, દાદા, તોડિયું’ કરતાં રમ્ય રીતે જુદી પડે છે. ડાળ મરડવાની ક્રિયામાંથી કન્યાનું નિર્દોષ અને તોફાની છતાં ઓશિયાળું બાલસ્વરૂપ નિષ્પન્ન થાય છે. ભાવ અને કલ્પના એક જ રહેવા દઈ, થોડા થોડા શબ્દના ફેરફાર વડે લોકોએ પોતપોતાનાં વિશિષ્ટ વ્યક્તિત્વવાળાં ભાતીગળ પાઠાન્તરો જન્માવ્યાં : દૃષ્ટાંતો લઈએ :

કાઠિયાવાડી :

વાડીમાં રોપાવ્યો રૂડો કેવડો રે,
ફરતી વવરાવી નાગર વેલ્ય
વેલ્યે વળુંભ્યો રૂડો કેવડો રે
કિયા ભાઈનો મોભી રૂડો કેવડો રે
કિયા વેવાઈની નમણી નાગર વેલ્ય. — વાડીમાં.

બીજું કાઠિયાવાડી :

કિયે ગામ ગડ્યાં રે નિશાન
કિયા ગામને પાદર મોરી રાજવણ! તંબૂ તાણિયા રે.
કિયા ભાઈ કેરો રે મોર
કઈ વહુ સુવાસણ મોરી રાજવણ! ઢળકતી ઢેલડી રે

એમાં કોઈક પ્રશ્નોરી રસિકાની એક પીંછી ફરી ગઈ :

મોરને માથે છે મોડ
ઢેલડીને માથે મોરી રાજવણ! નવરંગ ચૂંદડી રે.
મલપતો આવે છે મોર
ઢળકતી આવે છે મોરી રાજવણ! રૂડી ઢેલડી રે.

પ્રશ્નોરા :

દાદા! વર જોજો કાંઈ વાડી માયલો મોર રે!
કન્યા ઢળકતી ઢેલડી રે!
વીરા! વર જોજો કાઈ આષાઢીલો મેઘ રે!
કન્યા ઝબૂકણ વીજળી રે.

સૂરતી :

ઠાકોર, તમે ઠાકોર તમે આષાઢીલા મેઘ,
ત્યારે અમે વાદળ કેરી વીજળી રે.
આપણ બન્ને તે વરસવા જોગ,
ત્યારે ગગન દીસે રળિયામણું રે.
ઠાકોર તમે, ઠાકોર તમે વનના મોરલા,
ત્યારે અમે તે વન કેરી ઢેલડી રે.
આપણ બન્ને, આપણ બન્ને તે ટહુકવા જોગ,
ત્યારે વન દીસે રળિયામણાં રે.

એ રીતે વેલ્ય અને વેલ્યે વળુંભ્યો કેવડો : મલપતો મોર અને ઢળકતી ઢેલડી : ચંપાનો છોડ ને ચંપાફૂલની પાંખડી : આષાઢીલો મેઘ ને ઝબૂકણ વીજળી : દેરા માયલો દેવ ને દેરાસર-પૂતળી : સરોવરના હંસ અને સરવર-હંસલી : આટલાં જોડલાંની નિરનિરાળી ઉપમાઓ, નોખે નોખે ઢાળે ને તાલે યોજીને ભિન્ન ભિન્ન પ્રદેશનાં ગુજરાતીઓએ રાષ્ટ્રીય અભેદને વિવિધતાથી મઢી લીધો. ભાતભાતનાં વેણીપુષ્પોને વીંધી સોંસરવા ચાલ્યા જતા દોરા સરીખો એક જ ભાવ આ ગીતોમાં પરોવાઈ રહ્યો. પ્રદેશગત પ્રકૃતિ અનુસાર તાલ ફરે, સંગીતરસ જુદો પડે : જેવું કે —

ઘડીએ ઘડીએ લાડણ વહુ કાગળ મોકલે,
રાયવર વે’લેરો આવ!
સુંદરવર વે’લેરો આવ!
તારાં ઘડિયાં લગ્ન રાયવર વહી જશે.
હું પાંદડાંને તોરણ નહિ પરણું,
ઘડી એક વે’લો પરણીશ!
ઘડીયે ન મોડો પરણીશ!
હમણાં હમણાં નાળિયેરી તોરણ નીપજે.

એ કાઠિયાવાડી તાલ સૂર : કોણ જાણે શી રીતે, એવા ઝૂલતા અને પ્રલંબાયમાન તાલ સૂર પ્રશ્નોરી બહેનોને બંધ ન બેઠા, એટલે એમણે એમાં થોડો ફેરફાર કરી લીધો :

ઝટો ઝટ રે વહુ કાગળ મોકલે,
રાયવર વે’લેરો આવ!
સુંદર વર વે’લેરો આવ!
તારાં ઘડિયાં લગન તે રાયવર આવિયાં.

એ જ ગીત પ્રવાસે ચડી ગુજરાતમાં ગયું, ચરોતરમાં પેઠું, અને ત્યાં એના કલેવરનું પરિવર્તન જરાક વિશેષ પ્રમાણમાં થઈ ગયું :

લાડણી તે લખી રે કાગળ મોકલે,
મોટાંના! વહેલા પધારજો — ઘડિયાં લગન લાડી લઈ રહી.
આવીશ પણ આસોને તોરણે નહિ પરણું,
ઘડી એક રહીને પરણીશ, જો મોતીનાં તોરણ નીપજે

કાગળ લખી મોકલવાની કન્યા-ઊર્મિ કંઈક એટલી બધી પ્રબલ, એટલી આકર્ષક બની હશે કે એનાં તો વિધવિધ કેટલાંયે ગીતો રચાયાં : સૌરાષ્ટ્રમાં એ ઊર્મિએ જાણે કોઈ પાતળી કટિવાળી કાઠિયાણી જેવું શબ્દ-કલેવર ધારણ કર્યું :

લગન બાજોઠડી ને મોતીડે જડિયા
કુંવારી કન્યાએ કાગળ લખી રે મોકલિયા
વેગે વે’લેરો આવે ચોરાશીના જાયા!
આડા છે દરિયા ને સમદર ભરિયા
તે વચ્ચે વહાણ છિપાવે વરરાજા!
વહાણે બેસીને વહેલા આવો વરરાજા!
ચૈતર વૈશાખના તડકા રે પડશે,
ધોરી બળદિયાના પગ રે તળવાશે,
ગોરા જાનૈયા રજે ભરાશે,
ગોરી જાનડિયું શામળી થાશે,
ભાઈ રે વરરાજાનાં ફૂલડાં કરમાશે!

હવે બીજો કાગળ ઉકેલીએ પ્રશ્નોરી રસિકાનો :

લાડડી તે લખી કાગળ મોકલે રસવરણાં રે
રાયાંવર! વેગે પધારો, લાડણ રસવરણાં રે!
હું કેમ આવું એકલો રસવરણાં રે,
મારો દાદોજી શીખ ન દે રે લાડણ રસવરણાં રે!
તમારા દાદાજી સહિત પધારો લાડણ રસવરણાં રે!

ગુજરાતણે વળી જુદું જ પત્ર-લેખન કર્યું :

સલૂણી સંદેશા મોકલે રે, રાયવર! વે’લા પધારે રેજા ખંડના રે! હું કેમ આવું, લાડી, એકલો રે! દાદાજી દુભાય કે રેજા ખંડના રે! તમારા દાદાને આપું હાથીડા રે અંબાડી સાથે પધારો રેજા ખંડના રે!

સૂરતી કન્યાએ વળી એ જ ભાવને પોતાના મનપસંદ સ્વાંગ પહેરાવ્યા :

કન્યા લાડણી તે લખી કાગળ મોકલે રે, સુણો બનડાજી! વરણાગિયા તું વર વહેલો આવ, ચત્રભુજ બનડાજી! કન્યા! હું કેમ આવીશ એકલો રે, સુણ બનડાજી! મારી દાતણ વિનાની વરજાન, ચત્રભુજ બનડાજી!

આમાં ‘બનડાજી’ શબ્દ મારવાડી સાહિત્યની અસર બતાવે છે. પણ આ ‘વરણાગિયા વર’ની કલ્પના ક્યાંથી આવી પડી? બીજે એક પ્રસંગે કન્યાની પસંદગીના ગીતમાં પણ–

કુંવારી ચડી રે કમાડ સુંદર વરને નીરખવા રે. દાદા મોરા, એ વર પરણાવ! એ વર છે વે’વારિયો રે.

એ ‘વેવારિયો’ શબ્દ ‘વરણાગિયો’ બનીને કયે ઠેકાણે પતન પામ્યો હશે? ગુજરાતમાં કેટલેક સ્થળે ‘વરણાગિયો’ ગવાય છે :

લાડકડી ચડી રે કમાડ સુંદર વરને નીરખવા રે. દાદાજી, મુજને પરણાવો! એ વર છે વરણાગિયો રે.

આ આખુંયે ગુજરાતી ગીત સોરઠી ગીતની સાથે લગભગ શબ્દશ: મળતું છતાં, ‘વેવારિયા’માંથી ‘વરણાગિયો’ જેવું મોટું પરિવર્તન શી રીતે ઘૂસી ગયું? ‘વરણાગિયાપણા’નાં ધોરણો વરની પસંદગી માટે કદાપિ કોઈ કન્યાએ વાપરેલાં નથી. કદાચ એ કેવળ ભાષાપ્રયોગનો અકસ્માત જ થઈ ગયો હશે, ને પછી અંધ પરંપરાએ ‘વરણાગિયો’ જ ગાયા કર્યું હશે એમ જણાય છે. સૂરતી ગીત તો વળી ‘વેવારિયો’ ને ‘વરણાગિયો’ બન્નેને ત્યજી

બાપુજી મુજને પરણાવ : મેં ન્યાળ્યો નિશાળિયો રે.

એમ ‘નિશાળિયો’ પ્રયોગ કરે છે. એ જ ગીતમાં અસલની ઓજસવંતી શબ્દ-રચના ગુજરાતમાં જઈ કંઈક કોમળ બની લાગે છે. અસલી પંક્તિઓમાં તો છે આ રીતે : કન્યા પોતાના પિતાને કહે છે કે મારી પસંદગીનો યુવાન આવા આવા ગુણો ધરાવે છે —

ભણતો’તો ભટની નિશાળે અક્ષરે મારાં મન મોહ્યાં રે ઝીલતો’તો સરોવરની પાળે, ચોટલે મારાં મન મોહ્યાં રે. રમતો’તો બવળી બજારે, દડૂલે મારાં મન મોહ્યાં રે.

એને બદલાવી ગુજરાતે ગાયું કે —

નિશાળે ભણતેલા દીઠા અક્ષરે મારાં દિલ વસ્યાં રે. સોના ગેડીએ રમતેલા દીઠા દડૂલે મારાં દિલ વસ્યાં.

પંક્તિઓ પોતાની મેળે જ બોલી ઊઠતી લાગે છે કે સૌરાષ્ટ્રીય શબ્દ-રચનાનાં અસલી જોમ, ઝડઝમક અને મરોડ આ ગુર્જર પરિવર્તનમાં ગુમ થાય છે. તેને સ્થાને નરી કુમાશ બિરાજે છે. એ દૃષ્ટિએ પણ સ્થૂલ પલટામાંથી પરિણમેલા સૂક્ષ્મ સ્વર-પલટા ને શબ્દ-પલટા તપાસતા જશું તો જે જમીનોમાં ગીતોના રોપ ફરતા ગયા તે જમીન વિશેનો ગુણનિર્ણય પણ થઈ શકશે. ‘વેવારિયા’ તેમ જ ‘વરણાગિયો’ને મળતા આવતા અન્ય પ્રસંગો પણ તપાસીએ : ગુજરાતમાં ગવાય છે કે —

પાટણ રંગી રાયની ચૂંદડી મારા નખમાં સમાય તેવી ચૂંદડી લાડકવાઈ! ઓઢોને રાયજાદી ચૂંદડી! નહિ રે ઓઢું રે રાયવર! ચૂંદડી. મારાં માતાજી દેખે પિતાજી દેખે નહિ રે ઓઢું રે રાયવર! ચૂંદડી.

ત્યારે વરરાજાનો જવાબ ગવાય છે —

તમારા પિતાના તેડ્યા અમે આવિયા; તમારાં માતાની લજ્જા લોપો, લાડકવાઈ! ઓઢોને રાયજાદી ચૂંદડી!

આંહીં વડીલોની લજ્જા લોપીને પણ સ્વીકાર કરવાનો ભાવ લોકગીતોમાં અતિ ઉગ્ર લાગે છે. એ શબ્દ ફેરફાર આકસ્મિક છે કે સમાજની અંદર એક વખત સાચોસાચ આવેલા કોઈ ઉગ્ર મનોભાવનો જ પડછાયો છે, એ પ્રશ્ન આપણને મૂંઝવે છે. સૌરાષ્ટ્રમાં ગવાતા ગીતનો ભાવ ઘણો પ્રશાંત, મંગળ અને મર્યાદામય છે :

મારા નખના પરવાળા જેવી ચૂંદડી મારી ચૂંદડીનો રંગ રાતો હો લાડડી! ઓઢોને, સાહેબજાદી, ચૂંદડી હું તો કેમ કરી ઓઢું રે સાયબા, ચૂંદડી મારો દાદાજી દેખે, માતાજી દેખે… તમારા દાદાનાં તેડ્યા અમે આવશું, તમારી માતાનાં મન મો’શે હો લાડડી! ઓઢોને લાડકવાઈ! ચૂંદડી i તમારા વીરાના તેડ્યા અમે આવશું, તમારી ભાભીના ગુણ ગાશું હો લાડડી. — ઓઢોને.

અત્યાર સુધીના તમામ સંગ્રહોમાં હવે વેળાસર એક સુધારો થઈ જવો જોઈએ : તે એ કે પ્રત્યેક ગીતનાં તમામ પાઠાન્તરો તપાસી, બેશક પોતાના ગીતના ઢાળ-તાલનું નિરાળું વ્યક્તિત્વ અખંડિત રહેવા દઈને પણ તેનું અધૂરાપણું તો પૂરું કરી જ દેવું ઘટે છે : જેમ કે વડનગરા નાગર-ગીતોના સ્વ. સૌ. બાળા ભોળાનાથે કરેલા સંગ્રહમાં

પાગડલે પગ દઈ ચડો જિયાવર, બેની તે છેડા સાહી રહ્યાં, મૂકો મૂકો બેની છેડા અમારા! તમારા કર અમે આપશું.

એટલેથી જ ગીત સમાપ્ત કરી દેવાયું છે. તેમાં સૌરાષ્ટ્રી ગીતની બાકીની પંક્તિઓ ઉમેરાઈ જવાથી એ ગીતનું સ્વરૂપ અખંડ બને છે :

નાના રે પણથી જેણે લાડ લડાવ્યાં તેના તે ગુણ કેમ ભૂલશું!

એ જ પ્રમાણે અન્ય સ્વજનોને સંબોધાયેલી પંક્તિઓ પણ ઉમેરાઈ જાય તો તે જ્ઞાતિની બહેનો અખંડ આખાં ગીતો ગાતી થઈ જશે. એવાં ખંડિત સ્વરૂપનો બીજો વધુ વિકૃત નમૂનો કન્યાને વળાવતી વેળાનાં ગીતોનો છે. સૂરતમાં જઈને એ ગીત આવી અવદશાને પામ્યું :

માંડવે ફટક અજવાળાં રે દીવડી ક્યાં ગઈ રે! આવ્યો હતો નગર ધુતારો કે લાખેણી લાડી લઈ ગયો રે! આવ્યો હતો સૂરત શહેરનો ચોર કે લાખેણી લાડી લઈ ગયો રે! હવે તપાસ કરતાં આ ગીતનું અસલી નિર્મલ સ્વરૂપ જૂનાં બે સૌરાષ્ટ્રી ગીતોમાંથી જડી આવે છે :

વળી વળી દાદા પૂછે વાત માંડવ કેમ અણોહરો રે! દીવડો તે હતો બેનીબાને હાથ મેલીને ચાલ્યાં સાસરે રે!

એક એ ગીત ભાંગ્યું, ને બીજું ભાંગ્યું આ ગીત :

એક આવ્યો’તો પરદેશી પોપટો, બેની રમતાં’તાં માંડવ હેઠ, ધુતારો ધૂતી ગયો! બેને મેલ્યાં ઢીંગલ મેલ્યાં પોતિયાં, બેને મેલ્યો સૈયરીઓનો સાથ, ધુતારો ધૂતી ગયો!

આ બન્ને ગીતોની વિકૃત મિલાવટમાંથી પેલું નવું ગીત રચાયું. તેને બદલે બન્નેનું સરલ નિર્મલ સ્વરૂપ અને બન્નેના પ્રવાહી ઢાળ-તાલ આખા ગુજરાતમાં વ્યાપક કાં ન બનાવી લેવાય? વરરાજાનાં વર્ણન કરવામાં પણ જનતાએ જુદે જુદે સ્થળે પોતાની રુચિનાં પ્રતિબિમ્બો પાડીને લગ્નગીતોના પ્રવાહ બહુરંગી બનાવ્યો છે : સોરઠિયાણીઓ ગાય છે :

મેઘવરણા વાઘા વરરાજા કેસરભીનાં વરને છાંટણાં સીમડીએ કેમ જાશો વરરાજા! સીમડીએ ગોવાળીડો રોકશે. ગોવાળીડાને રૂડી રીત જ દેશું પછી રે લાખેણી લાડી પરણશું!

એને વડનગરા નાગરી ન્યાતમાં આવો પલટો મળ્યો —

તારી ચંપકવરણી ચાલ લાડીવર! કેસરવરણાં છાંટણાં! તમે ચૌટડે નવ જાશો લાડીવર! ચૌટાના શેઠિયા હઠ કરે. અમે ચૌટાના શેઠિયાને દાણ દઈને કુંવારી કન્યાને પરણશું.

આ બન્ને પાઠોમાં આપણે નિષ્પક્ષ વિવેક વાપરીને જોઈએ : આપણને પહેલો પાઠ વધુ સરલ, પ્રવાહી ને સુગ્રાહ્ય જણાશે. બીજામાં તાણીતૂંસીને પંક્તિ પૂરી કરવા જેવું જણાય છે. પાઠાન્તરો જ્યારે આટલાં સમાન હોય ત્યારે તો આપણી સ્મરણશક્તિને, રસવૃત્તિને તેમ જ શ્રવણેન્દ્રિયને સહેલું થઈ પડે તેવું એક જ ગીત આખી ગુજરાતમાં સ્વીકાર પામી શકે તેવી ભલામણો થવી જોઈએ. મારવાડી ગીતો આવી રીતે પ્રવાસે ચડેલાં ગીતો ગુજરાતમાં જ ગયાં એમ નથી. ગુજરાતના સીમાડા ઓળંગી, પાલનપુરની પેલી બાજુની નાની મારવાડમાં પણ નિવાસ કરી બેઠાં છે. અથવા ખરી વાત તો એ હોવી જોઈએ કે સૌરાષ્ટ્રની ઘણી ઘણી કોમો મારવાડ પરથી જ આંહીં આવીને વસેલી હોવાથી ત્યાંનાં જ ગીતો આંહીં આવીને વસ્યાં હોય. કેટલાંક તો શબ્દશઃ એ-નાં એ જ રહ્યાં છે. ફક્ત મારવાડી વ્યાકરણની નજીવી છાંટ છે અને સૂરો જુદા રહેલા છે. આ રહ્યું — આંગણે ઢાળો રે બાજોઠી ફરતી મેલો રે કંકાવટી. તેડાવો જોશીડારો બેટો આજ મારે લખવી રે કંકોતરી. બાંધો મારે રાવતા ભાઈ રે છેડે જાવું મારે આણંદીબારે સાસરે. વીર! હું તો છોરુડે વળૂંભી આંગણે આયો વીર નો ઓળખ્યો.

આ આખુંયે ગીત કાઠિયાવાડમાં પંક્તિએ પંક્તિ ગવાય છે. પણ શબ્દનો મરોડ સોરઠી ગીતમાં સંપૂર્ણતાએ પહોંચ્યો છે. એ જ પ્રમાણે આ સોરઠી ગીત —

સૂડલા કોયલડીને વીનવે રે : આવી રૂડી આંબલિયાની ડાળ સરોવરિયાની પાળ મેલીને કોયલ ક્યાં ગ્યાં‘તાં રે! શીળાં…ભાઈનાં માયરાં રે, તીયાં રૂડા માંડવા નખાય રૂડી કન્યા પરણાય જોવાને અમે ત્યાં ગ્યા’તાં રે.

એ જ ગીત મારવાડ તરફ આમ ગવાય છે :

સૂડલો પૂછે રે કોયલડી, આવી રૂડી આંબલિયારી ડાળ મેલી રે શીદ ચાલ્યાં : રૂપાભાઈએ વિવા આદર્યો કંકુડારો હુવો રે સકાળ જોવા રે અમે સાંચર્યાં : નાળિયેરરો હુવો રે સકાળ જોવા રે અમે સાંચર્યાં : એ જ રીતે સોરઠી ગીત — મોર, તારી સોનાની ચાંચ મોર, તારી રૂપાની પાંખ સોનાની ચાંચે રે મોરલો મોતી ચરવા જાય.

એ ગીતને મારુ લોકો આ રીતે ગાય છે —

મોર, થારી સોનારી પાંખ રે મોર, થારી સોનારી પાંખ! સાવ રે સોનારા મોર, થારે પાંખડા. કોટે ને કરકરિયાળો વાઢલો હો! વેવાઈ મારા સૂતો હોય તો જાગ તમારો તેડાવ્યો રાયવર આવ્યો, માણારાજ લાડી, થારો બાવોજી દેખાડ અમારો બાવોજી જાડે માંડવે હો! અમારો બાવોજી દોઢે દાયરે હો!

આવા ફેરફારો સહિત એ પ્રચલિત છે. અને બીજાં ગીતો એવાં છે કે જેમની ઉત્પત્તિ તદ્દન સ્વતંત્ર હોવા છતાં પણ આપણને એમાં આપણા જ ભાવોનું નવે સ્વરૂપે દર્શન થાય છે. આપણે કન્યાના વિદાયકાળનાં બે-ત્રણ ગીતોમાં વરનું કન્યા પ્રતિનું વિનવણીભયું, પ્રેમ છલકતું, કરુણ સંબોધન ગાઈએ છીએ :

(1) આછેરું કંકુડું ઘોળ્યે રે લાડી આછલી પીળ્ય કઢાવું. તારી માતાના ખોળલા મેલ્ય રે લાડી …બા સાસુ દેખાડું. (2) મેં તો ડુંગર કોરીને ઘર કર્યાં રે મેં તો કાચનાં જડિયાં કમાડ રે હો લાડડી! હજી રે સમજ મારી કોયલડી!

આવા જ ભાવ ઝીલતાં મારુ ગીતો તપાસીએ :

(1) ઝાલી રે રાણી! હાલો ને આપણે દેશ કે આંબા રે પાકા રસ ઢળે! સોઢા રે રાણા! મેં કેમ હાલું થારે દેશ કે બાવાજી2 વોણું નહિ ગમે. બાવોજી રે થારા આળજંજાળ કે સાચો સગપણ દોય જણાં! (2) બનડી! થારે સાસરેજી ડોલર2 બાંધિયો બનડી! હીંડારે3 ઉમાટે વેલી આવ રે

મારા હરિયા વનરી કોયલડી! લાડી! આંબા પાક્યા ને કેરી રસ ઢળે લાડી! જામફળનો વડો રે સવાદ મારી હરિયા વનરી કોયલડી! લાડી! છોડો માતારી ચટુ આંગળી લાડી! છોડો બાવાજીવાળો હેત મારી હરિયા વનરી કોયલડી! (3) મેં તો થારા જીવન વની4! કારણીએ, મેં તો છોડ્યાં બાવાજીવાળાં5 હેત હાલોને વની! વાઁગા6 મેં.

એ આપણા સોરઠી સૂરો સાથે કેવું મળે છે :

મેં તો દાદા મોરાને દૂભવ્યા રે તારા આછા ઘૂંઘટડાને કારણ હો લાડડી! હજી રે સમજ મારી કોયલડી!

અને લગ્નની સંધ્યાએ પોતાની વાટ જોઈને એકીટશે માર્ગ પર નીરખી રહેલી ‘મરઘાનેણી’ને જાણે મારુ દેશનો ‘વનો’ (વર) દૂર દૂરથી સમાચાર દેવરાવે છે કે આવું છું!

આવાશાં મારી મરઘાનેણી! આવાશાં હો રે! રે ઘોડારી ઘમસાણે હાથી ઝુલેતા, નાળેરાં દેતાં આવાશાં હો રે! આવાશાં મારી પિયર-પૂરી! આવાશાં હો રે!

આવું છું, ઓ મારી મૃગનયની! હું આવું છું. આ ઘોડેસવારોની ઘમસાણ વચ્ચે, ઝૂલન્તા હાથીઓની વચ્ચે, સૌને નાળિયેર દેતો દેતો આવું છું હો મારી પિયરવંતી! એકના એક ભાવનાં મોજાં લોકજીવનના માનવ-સાગરની કેટલી કેટલી આઘેરી પાળે જઈ જઈને અથડાયાં છે, તે જોઈ જોઈને સાચાં લોકસમાજ પરત્વેનું, કલ્પનાઓ પરત્વેનું, રસ અને સૂરો પરત્વેનું એકતાલું અને એકસૂરીલું જીવન નજરે પડે છે. એક જ તાલે અનંત તરંગોને નચાવતો મહાસાગર કલ્પનાઓમાં ખડો થાય છે. પંજાબી લોકગીતો આ સમાન સૂરોની શોધે ચડતાં પહેલાં આપણો પગ છેક પંજાબની ધરતી પર ઠરે છે. શ્રી સન્તરામ (બી.એ.) નામના એક બંધુએ ‘પંજાબી ગીત’ નામનાં કુલ 286 જેટલાં ભિન્ન ભિન્ન અવસરનાં પંજાબી ગ્રામ્ય ગીતોનો એક સંગ્રહ પોતાની ટીકા તથા અર્થો સહિત 1927માં પ્રગટ કરેલો છે. તેની અંદર ઊતરતાં સાનંદ સમજ પડે છે કે ‘પંચસિંધુ’ના પ્રદેશ પરનો લોકસમાજ એના રીતરિવાજો, કાવ્યોદ્ગાર અને ભાષાપ્રયોગોને હિસાબે આટલે દૂર પડેલા ગુજરાત-સૌરાષ્ટ્રના લોકસમાજ સાથે કેટલું બલવાન સામ્ય ધરાવે છે. સૌરાષ્ટ્રમાં ઊતરી આવેલી અમુક જાતિઓએ પંજાબમાં પણ પોતાના મુકામ કંઈ વર્ષો સુધી કર્યાનું કહેવાય છે. અને સાહિત્ય તથા સંસ્કૃતિનાં આ બધાં સામ્ય-ચિહ્નો એટલાં આબાદ રીતે ઝલકે છે કે એ માન્યતાને મજબૂત પુષ્ટિ મળે છે. આપણે દૃષ્ટાંતો વડે તપાસીએ : આપણાં લોકગીતોમાં માલણનું સ્થાન ઘણું માનવંતું છે. ફૂલો વિના લગ્ન મહેકે શાનાં? માલણ તો ઠરી મંગલ રસપાત્ર : એટલે જ એનો મહિમા —

ગુજરાતથી માલણ આવી રે સવા લાખની વાડી રોપાવી રે. કોરે કરમલડી રોપાવો રે વીણી ચૂંટીને છાબ ભરાવો રે! લાવ્યે લાવ્યે માલણ! અમે લેશું રે લાડકડાના પસ ભરી લેશું રે.

એવાં ગીતોમાં ગવાયો છે. એ જ રીતે પંજાબી ગીતોમાં પણ ફૂલવાળી ફોરે છે :

મૈં તૈનુ માલન આખેઆ નીં તુ બડેઓ સવેરે આ. આઓ ની બડેઓ સવેરે આ! બડેઓ સવેરે આય કે નીં બાઁગા દે બિચ ફેરા પા, પાઓ ની, બડેઓ સવેરે આ! [હે માલણ, મેં તને કહ્યું છે કે તું વહેલી સવારે આવજે. આવીને બાગમાં ફરજે. રોપેરોપને પાણી પાજે.]

બીજા પંજાબી ગીતની અંદરની આ પંક્તિઓ :

પૂછદી તાઁ પૂછદી નગર બહુટ્ટી વે, કિસ રાજે દા કેહડા ઘર આઁ! ઉચડી માડી રામ ઉસારી, સિખર ઝલન્દા લાલ દીવા, વે અઁા! [નગરમાં જઈને માલણ પૂછે છે કે અમુક મહાશયનું ઘર કયું? (ઉત્તર મળે છે કે) રામની કૃપાથી બનેલી આ ઊંચી મેડી કે જેના શિખર ઉપર લાલ દીવો બળે છે.] એ જ પંક્તિઓનો ભાવ ઝીલતી ગુર્જર પંક્તિઓ આ રહી —

છાબ ભરી ફૂલડે માળણ આવે ઘર રે પૂછે રે વિવા ક્યાં હવા રે. ઊંચલી ખડકી ને નવલાં કમાડ રે. ગોખે જાળિયા મંદિર માળિયાં રે.

તે પછીનાં અન્ય પંજાબી ગીતમાં પણ માળીના મહિમા-સૂર બરોબર આપણા સૂરોને જ ઝીલતા જોવાય છે. આપણે ત્યાં વરઘોડાનાં ગીત છે, તેમ પંજાબને પણ ‘ઘોડિયાં’ નામનાં વરઘોડા-ગીતો લાધ્યાં છે. આપણાં ગીતોમાં વરની બહેન ઓછી ઓછી થઈને ગાતી આલેખાઈ છે કે —

કેસરિયા! ચડો વરઘોડે; ચડો વરઘોડે ને લાલ અંબોડે — કેસરિયા. મીઠડાં લઉં તારા માથાની મોળ્યે — કેસરિયા. ધન્ય તારી માતા મોડબંધી આવે — કેસરિયા. ધન્ય તારો દાદો ફૂલેકામાં મહાલે — કેસરિયા.

અથવા કાઠી-ગીત —

વા’લો વીર વર ઘોડલડે ચડે ને હું તો જોઈ રહી છું; વા’લા વીર! જોયાં તમારાં પિત્તળિયાં પલાણ રે ભમરલો તો બહુ રમે! વા’લા વીર વાઘા પે’રે ને હું તો જોઈ રહી છું; કેસરિયા! જોઈ તમારી પાતળડી પરોંઠ રે. — ભમરલો. [‘ચૂંદડી’] આ ગીતોના સૂરો ને શબ્દો શું સોરઠિયાણીઓ પંજાબમાંથી લેતી આવી હશે! કાઠીઓ પંજાબ ઉપર થઈને સૌરાષ્ટ્રમાં ઊતર્યા એ માન્યતાને શું આથી સાક્ષી મળે છે! જુઓ, પંજાબી ‘ઘોડિયાં’નું ગીત :

ઈક તેજન ઘોડી વે કેહડેંઆઁ દેસાં તે આની વે! i ઘોડી કૌન જો ચઢેઆ બે પહન કે કપડે સારે! માઁ તેરી દેખ રહૌંસી બે, કૌન્ત જાની પુત્ત લાડા વે. [આ તેજણ ઘોડી કયા દેશમાંથી આણી છે? ઘોડી પર વસ્ત્રાભૂષણ પહેરીને કોણ ચઢ્યું છે? પતિને જાનૈયો બનેલો તેમ જ દીકરાને ઘોડીએ ચડેલો દેખીને તારી માતા જોઈ રહી છે.] બીબા વે તેરે સિર દા ચીરા, ચંદા વે કલગી લગે પ્યારી. પૈણ બૂંદોં ભરે ક્યારી બીબા વે વર્ષા લગે પ્યારી. બીબા વે તેરે હેઠલા ઘોડા ચંદા વે કાઠી લગે પ્યારી. [હે વહાલા (વીર)! તારા માથાની કલગી બહુ સુંદર લાગે છે. બિન્દુઓ ઝરે છે, ક્યારી ભરાય છે, વર્ષા પ્યારી લાગે છે. તારો ઘોડો, એનું પલાણ વગેરે પ્યારાં લાગે છે.]

એવા જ ભાવો ઝીલતાં આવાં ઘણાં ‘ઘોડિયાં’ નામક ગીતો જોવામાં આવે છે. જેવાં આપણે ત્યાં કન્યા વરને પત્ર લખતી હોવાના ભાવવાળાં ગીતો, તેવા છેક પંજાબમાં પણ પ્રચલિત છે — બન્ની ને ભેજિયાં ચીરિયાં રજાદીને ભેજિયાં ચીરિયાં, બન્ના, તૂં લટકેન્દડા આઓ બન્ના! મેરા રાઓ રજાદી દા જીવે બન્ના! [1] કિંકરોંઆમાં બન્ની મેરીએ, લટકેન્દી ની બેસર બાલિયે, છનકેન્દેની ચૂડે બાલિયે બન્ની [2] મૈં તેરા સાહા સુધાયા, બન્ના! મેરા રાઓ, રજાદી દા જીમેં બન્ના! સાહા સુધાવે મેરા બાબલ, પીધે દે જાવે મેરા બાબલ, તું લટકે સિરગસ્ત ચુવે, મુખ પાન ચંબેદડા આઓ બન્ના મેરા રાઓ રજાદી દા જીવે બન્ના! [પંજાબી ગીત : 63] [બનરીએ, રાયજાદીએ કાગળ મોકલ્યો કે હે વરરાજા! ખૂબ ચટક-મટક સાથે તું મારે ઘેર આવ. હે લટકતા નકવેસરવાળી અને રણઝણતી ચૂડીવાળી! હું શી રીતે આવું? હે બનરા! મેં તારું લગ્ન-મુહૂર્ત જોવરાવ્યું છે. તું મારો પતિ છે. તું આવ. મારા બાપ લગ્ન મુહૂર્ત જોવરાવે છે, જોષીને ઘેર જાય છે, શિર પર મુકુટ પહેરીને તું મોંમાં તાંબૂલ ચાવતો આવ!]

ભાવ અને કલ્પના પરત્વે તો ઠીક, પરંતુ કેટલાંક પંજાબી ગીતો તો શબ્દશ: આપણાં ગીતો સાથે મળી રહે છે. દૃષ્ટાંત : 1 સોરઠી ઊંચા ઊંચા રે દાદે ગઢડા ચણાવ્યા, એથી ઊંચેરાં ગઢના કાંગરા રે. કાંગરે ચડીને બેની…બા જોશે, કેટલેક આવે વરરાજિયા રે. પાંચસે પાળા દાદા! છસેં છડિયાતા, ઘોડાંની ઘૂમણ વરરાજિયા રે. પંજાબી કોઠે તાઁ ચઢકે બાબલ દેખન લાગી કિતની કુ આઈ જનેત આ હો-રે બાબલ કિતની કુ આઈ જનેત હાથિયાઁ લખ એક આએ, ઘોડે ઓ લખ દો આએ, આ હો રે લાલા! જાની માની લખ ચાર. [કોઠે ચડી કન્યા જોવા લાગી કે કેટલીક જાન આવી! એક લાખ હાથી, બે લાખ ઘોડા, ચાર લાખ જાનૈયા આવ્યા છે.]

2 સોરઠી અમે રે ઘેરે સાજનિયાં ભલે આવ્યાં રે સાજનિયાંને દાતણિયાં દેવરાવો રે!

પંજાબી હમ ઘરે સાજનડે આયે રામ મનો પ્યારડે આયે રામ.

3 સોરઠી દાદા! અમે રે ગોરાં ને રાયવર શામળા! એવો મનમાં લાગ્યો સંદેહ રે રાયજાદી! રે સાહેબજાદી તે ચડિયાં મેડિયે.

અથવા

મેડીને મોલ બેઠાં મોંઘીબા બોલે કાં રે દાદાજી! વર શામળો!

પંજાબી બાબલ! ઈક મિનું પચ્છોતોડા બડાઈ મૈં આપ ગોરી વર સૌંલા ઈ! [બાપુ, મને એક મોટો સંતાપ છે કે હું ગોરી ને વર શામળો કેમ!]

4. શબ્દશઃ સામ્ય ધરાવતા ગીતનું એક દૃષ્ટાંત તો આબાદ જડે છે : આપણે ગાઈએ છીએ કે —

મરઘાનેણીનો વર ઊતર્યો વાડીએ રે; હું તો શેને રે મશે જોવા જાઉં રે! સંઘાડે ઉતાર્યો રા’નો ઢોલિયો રે! હું તો હાથમાં લઉં ફૂલ-છાબડી રે હું તો માળીડાની મશે જોવા જાઉં રે. — સંઘાડે.

એટલે કે મૃગનયની કન્યા અને વરને નીરખવા માટે સ્ત્રી જુદે જુદે વેશે જવાની કલ્પના કરે છે : એ જ ભાવ — બલ્કે એ જ શબ્દો પંજાબમાં :

હાથ લમાઁ ફૂલ્લાં છાબડી, માલન હોકે જાગ ની મેરા રામ લછમન આયા. [હાથમાં ફૂલછાબ લઈને માલણ વેશે જાઉં. મારા રામ-લક્ષ્મણ આવ્યા.]

5. આપણે ‘વરણાં’નાં ગીત; તેઓને ‘બરી’નાં ગીત : સરખે જ શબ્દે એ-નો એ ભાવ ગુંજે છે. આપણે ત્યાં લગ્ન સમયે ગવાય કે —

બા’ર પધારો સોરંગ સુંદરી! આંગણે અલબેલો ઊભા રહ્યા. હું કેમ આવું શાણા હો લાડડા! અમને અમારો દાદો દેખશે!

એ ગીતને પણ શું આપણે પંચ સરિતાને તીરેથી આપણું પરમ ધન સમજીને લેતા આવ્યાં હશું? હા, જુઓ —

બહાર આ રાની રાધિકે! કાન્હ લગની આઈયા વે મૈં કિક્કુર આમાં મેરે કાનજી! મૈં તાઁ બાબે તે સરમૌની અઁ. [હે રાણી રાધિકે! તું બહાર આવ. તારો કાન લગ્ન કાજે આવ્યો છે. હું કેમ કરીને આવું મારા કાનજી! મને મારા પિતાની શરમ આવે છે.]

ઝીણવટથી જોવા બેસીએ તો આ સામ્યની અનેક રેખાઓ જડી રહે છે. ગુજરાતમાં ‘ખાયણાં’ નામનાં જે ચાર-ચાર ચરણનાં મુક્તકો ગવાય છે (એનો નિબંધ આગળ આવશે) તેને અને પંજાબી ગીતોને કેવું સામ્ય છે તે આગળ જોશું. આમ જોવાથી પણ ખાતરી થશે કે સોરઠી, પંજાબી અને ગુજરાતી પુત્રી-વિદાયના વિલાપ-સ્વરો એક જ ધરતીના કંઠમાંથી પ્રથમ પ્રભાતે ફૂટ્યા હશે, અને પછી પરિભ્રમણ કરતાં કરતાં નવનવી પૃથ્વીનાં રંગો અને સુવાસો સજતા ગયા હશે. પંજાબી લોકસાહિત્યની અંદર સવિશેષ ઊંડાણે જવાનું આ એક જબ્બર પ્રલોભન ઊભું થાય છે. જ્યાં જ્યાં આવું મળતાવડાપણું જડે છે ત્યાં ત્યાં સેંકડો કોસનું સ્થૂલ અંતર ભેદાઈ જઈને સંસ્કૃતિની નિકટતા અનુભવાય છે. ભીલોનાં લગ્નગીતો કેટલાંય વર્ષો પર મળેલી ભીલોનાં લગ્નગીતોની એક હસ્તપ્રત; લોકસાહિત્યનો બાકી રહેલો પ્રદેશ ફરી તપાસું છું, હસ્તપ્રતોનાં જીર્ણ પાનાં ઉખેળું છું, તેમાંથી આ ભીલ-ગીતોનાં પાનાં જડે છે. મોકલનાર ભાઈનું તો નામ પણ જડતું નથી.

આવી રૂડી સરોવરની પાળે નાળિયેરી લુમે ઝુમણે રે મારા રાજ; કાચી નાળિયેરી શીદ વેડો રે એ કઈ પેરે પાકશે મારા રાજ! એને વેડનાર ચતુર સુજાણ સુઘડદેનો સાયબો મારા રાજ!

ઉપર ટાંકેલી પંક્તિઓનો મર્મ પકડી શકાય છે ને? કાચાં કે અધકચરાં ફળો ચૂંટવા સામેની આ ચેતવણીમાં ભીલ જેવી અભણ કોમનું સમાજશાસ્ત્ર બોલે છે. પરણવું એટલે પરિપક્વ ફળને વેડવાની જુક્તિ. બાળ-લગ્નો અને બૂઢાં-લગ્નો તો બામણ-વાણિયામાં પેઠાં હશે સૌ પહેલા. પ્રકૃતિને ખોળે જીવન જીવનારો વનવાસી તો પોતાના ધંધામાંથી જ જીવનના મર્મો ભણે છે. કાચું ફળ ચૂંટાયા પછી કઈ રીતે પાકશે? સુઘડદે નામની કન્યાનો સાયબો તો ચતુર સુજાણ છે. એ અપક્વ વયની પત્નીનો વિકાસ નહિ રુંધી નાખે. કાચું વેડાય તો કમબખ્તી થઈ જાય; અને કાચી વયે ઝાડને ફળ બેસે તે પણ વહેલાં વિનાશની નિશાની. એક ખેડૂતના બાગે બનેલો એક પ્રસંગ યાદ આવે છે : દાડમડીઓનું આખું વન દેખાડીને એ ખેડુ કહે કે આને અમે હમણાં પાણી નથી પાતા. કેમ, ભાઈ? તો કહે કે હજુ એની અવસ્થા નથી પાકી. જો આજથી ફળ બેસવા લાગે તો ફળની જાત સુધરે નહિ. અમે જાણીબૂજીને એને પાણી ન આપીએ. આટલું બોલીને થોડી વાર એ શરમાઈ રહ્યો. પછી એનાથી ન રહેવાયું. મારી શરમ એણે જ તોડી. મારે હોઠે હતું તે એણે જ કહી નાખ્યું : “ઈ તો ભાઈ, આપણા માણસુંના જેવું જ આ ઝાડવાંનું.” ભીલોનું લગ્નગીત બીજું —

પીપળાનું પાન બોલે ધડાધડ કે વડલાનું પાન રે મૂંગું રે છોકરાના બાપા બોલે ધડાધડ કે છોરીના બાપા રે મૂંગા રે

કન્યાના બાપને મુખે કેવડાની ફોરમ જેવું મીઠું મૌન : અને પીપળાનાં પાંદ પવનમાં ખડખડાટ કંઈ કમ કરે છે? વરના બાપનો બબડાટ અને કન્યાના પિતાનું મૌન, બેઉને વ્યક્ત કરવા ભીલો જેવી જાતિએ પાંદડાની ઉપમા શોધી :

સોનીડાની ગલીઓમાં આવ બંધવા! સોનીડાની બેટી તો ફૂલ ભરી પેટી પેટી ઈંદોરા ખાય બંધવા! સોનીડો જાગ્યો આખી રાત બંધવા! ઝવેરભાઈના ટોડલાને કાજ બંધવા!

સોનીની બેટીને ફૂલ ભરી પેટી કહી. પણ ‘ઈંદોરા ખાય’ એટલે યૌવનના હીંચોળા ખાય કે બીજું કંઈ? કે ‘ઈંદોરા’ એટલે ઉંદરડા? મને ઉંદરડા વધુ બંધબેસતું લાગે છે. કેમ કે સોનીને આખી રાત જાગવું પડે છે. બેટીરૂપી ફૂલપેટીને ઉંદર ખાય, એટલે શું યૌવનના વિકારો પ્રત્યે નિર્દેશ છે? એવા જ બીજા ગીતમાં —

સોનીડાની બેટી તો ફૂલભરી પેટી હાથમાં રેશમી રૂમાલ બંધવા!

સાદામાં સાદી ક્રિયાને પણ આ ગીતો ઉપમા વડે સુંદર બનાવી લેવાનું ભૂલતાં નથી —

ચાંદો તો ફરે રે ઉતાવળો ચાંદરણી તારે તે કાજ રે લલ્લુભાઈ તો ફરે રે ઉતાવળો દીકરો પરણાવાને કાજ રે.

પરણાવવાની દોડાદોડ એક રીતે સાવ જ શુષ્ક વ્યાપાર છે, પણ સંસાર-જીવનની શુષ્કતા પર સાહિત્ય જાણે કે ‘વારનીસ’નો એક હાથ મારી લે છે. આખી ક્રિયા હળવી ને રસભરી બની જાય છે —

ચાંદો તો ફરે ઉતાવળો ચાંદરણી તારે તે કાજ રે

એ પંક્તિઓ કાયમને માટે યાદ રહી જશે. ભીલોનાં કેટલાંય લગ્નગીતો સોરઠી લગ્નગીતોના જ જાણે કે છિન્નભિન્ન અવશેષો છે. પરંતુ અમુક ગીતો એમના પોતાના જ જીવનની પેદાશ છે. દાખલા તરીકે, આ ગીત મને બીજે ક્યાંય નથી મળ્યું —

મધ બેઠું રે ઝીણી કંબોઈની ડાળે માદળિયું રે રળિયામણી મધ પાડે રે છોડી, તારા ભાયા — માદળિયું રે. મધ ખાશે રે છોરી મારા રે ભાયા — માદળિયું રે. પડિયા ચાટે રે છોરી તારા ભાયા — માદળિયું રે.

આ એક વિનોદ-ગીત છે. મધ પાવું એ આપણી કોમોની ક્રિયા નથી. ભીલો અને વાઘરીનો એ વ્યવસાય છે. કદાચ સોરઠના વાઘરીઓમાં એ ગીત હોય ખરું. છતાં પરિહાસના આ જ ભાવને સોરઠી લોકોએ જુદી રીતે નીચલા ગીતમાં પ્રગટ કર્યો છે. આંહીં કન્યા પતિનો પરિહાસ કરે છે —

કૂવામાં કારેલડી ને અવેડામાં વેલ્ય કાના નાગરવેલ્ય, નાગરવેલ્ય. એક કારેલું તોડ્ય, એને ઝીણેરું સમાર — કાના. ઝીણેરું સમાર અને ધીમેથી વઘાર — કાના. જમશે મારો વીર અને પરણ્યો પાયા હેઠ — કાના. [‘રઢિયાળી રાત’]

સંવનનનાં ગીતો જેમ સોરઠમાં છે તેમ જ ભીલોમાં છે. મારી પાસેની હસ્તપ્રતમાંથી એક નમૂનો જડે છે —

ગામ પાછળ વાડી કસુંબાની વાડી એવી તો જમની ફૂલ લેવા આવી ફૂલ લીધું ફળ લીધું વર જોયો નાનો મોટો જોયે તો મારા મનોરભાઈને લીજો [જમની નામની કન્યાએ ફળ-ફૂલ લેવાને બહાને આવીને વર પસંદ કરી લીધો. હે કન્યા! જો મોટી વયનો વર જોઈએ તો મારા મનોરભાઈને લેજે.]

સોરઠી લગ્ન-ગીતોમાં પ્રભાતિયાં હોય છે. પણ આ પ્રભાતગીત ભીલોનું જ હોવું જોઈએ એમ આપણે એકદમ કહી શકીએ, કારણ કે —

મરઘડિયું વા’ણું વાતાં સૂતાને જગાડે રે મરઘડિયું લેરે લેરે ભાયાને જગાડે રે ભાયાજી એક વાર સૂરત જાજો રે

‘મરઘડિયું’ એટલે મરઘો, કૂકડો. ભીલોનાં એ પાળેલાં પક્ષીઓ હોય છે. આપણાં સોરઠી ગીતોમાં તો કૂકડો એક અમંગલ ઠેકાણે જ આવે છે. એ છે આપણું મૃત્યુ-પ્રસંગનું રાજિયા-ગીત : મરઘે એના દાદાને જગાડિયા દાદાજીને છેલ્લા જુવાર રે મરઘો બોલ્યો તે વેરણ રાતનો.

તે સિવાય ભીલ-ગીતોમાં —

ચાંદા અજવાળે મારું દલ આછોદ જઈ આવ્યું આછોદની હાંસડી વા’લી લાગી મારું દલ હરખે ભરાયું.

એવાં શણગાર-ખરીદીની અતૃપ્ત રહેતી ગરીબ દિલની ઉત્કંઠાનાં ગીતો મીઠાં છે. એવું જ મીઠું વધાવાનું ગીત છે :

સખી પેલો વધાવો મારે આવિયો મેં તો મોકલ્યો મારા દાદા દરબાર રે ઈંદરવણીને મો’લે દીવા બળે

‘ઈંદરવણી’ એટલે કેવા વર્ણની? ઈંદ્રામણા ફળના રંગની? આપણાં ગીતોમાં પુરુષ સગાં તો ઘોડાં ખેલવતાં જડે છે, પણ ‘ઘોડા ખેલવતી’ સ્ત્રીને જોવી હોય તો ભીલ-ગીતમાં જોઈ લ્યો :

ઝીણી લખજો વીરા મારા કંકોતરી તે કંકોતરી જણોર ગામ મોકલો. જણોર ગામની રાણી કંકુબેન આવશે ઘોડલાં ખેલવતી કંકુબેન આવશે.

અને એની પછવાડે ગધેડું ભૂંકવતો નાગજી જમાઈ આવશે.

પતિને ગધેડું ભૂંકાવતો અને પત્નીને ‘ઘોડાં ખેલવતી’ આવતી જોવી એ એક મૌલિક તમાશો છે! ઘરેણાના શણગાર-કોડ તો ભીલોનાં ગીતોમાં પણ એ-ના એ જ છે છતાં —

બાજઠે બેસી રિસાવ્યા રે મારા નાના ઝવેરભાઈ, બાજઠ ગિયો ખસી રે — મારા. જે રે જોયે તે માગો રે — મારા. ભાયો માગે એક જોડ કટારી — મારા. કટારી દેખી ભાયા મન વાસો રે — મારા. તેડાવો લુવારીનો બેટો રે — મારા. મારે માંડવે કટારી લઈ આવે રે — મારા. આ રીતે વસ્ત્રાભૂષણોની અંદર કટારીની પણ ગણતરી થાય છે. તે સોરઠી ગીતોને હિસાબે નવી અને લાક્ષણિક વાત છે. તે સિવાય —

મારા હાથી દેખીને વેવાઈ બી ગયો મારી કેમ કરી રે’શે લાજ રે જગ લીલડી. મારા લલ્લુભાઈએ સાનમાં સમજાવિયા તમારી ભલેરી રાખીશું લાજ રે જગ લીલડી.

એમાં મોટી જાન લઈ જવાનો ત્રાસ સૂચવાય છે. એ વિનોદની પાછળ જે ગરીબીની કરુણતા પડી છે તેનું આ લગ્નગીત હવે જોઈએ —

એ મારા ભાયા, હળદર ક્યાંથી લાવ્યો રે ગાંધીના ઘરે વેવાઈ ઘરેણે મૂક્યા રે વેવાઈ ઘરેણે મૂક્યા, વેવાઈ વ્યાજે ડૂલ્યા રે

હળદરને ખાતર જીવતાં જનોને પણ ઘરેણે મુકાવાની સ્થિતિ કેવી હશે? કન્યાની સાસર-વાસમાં સ્થિતિ કલ્પાઈ છે તે પણ આ રહી —

આજનો દા‘ડો ખેલી ઓ કાઢો મારી કન્યા બાઈ રે કાલે તારી સાસુના ઘેર — મારી. સાસુનાં મનડાં મનાવીશ — મારી.

એ કન્યાની પરવશ દશા દાખવતું ગીત. અને —

ઉતાવળ કરો વરના બાપા કે નાંઘલિયો વર ઊભા રે આપણે જવું વેગળે ગામ કે ત્યાં લૂંટશે ખોખટિયા લોક રે.

ગીતમાં રસ્તે ચોર-લૂંટારાનો ભો ગવાયો છે.