ચૂંદડી ભાગ 2/1.શી શી રીતે રાખું?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


1.શી શી રીતે રાખું?

માતા અથવા બહેન પોતાના પરણનાર સ્વજનને ‘ખમ્મા! ખમ્મા!’ કહી ક્ષેમકુશળ વાંછે છે હે મારુ! (મારવાડના અસલ નિવાસી!) તું મૃગનયનીનો, દાડમસમ દાંતવાળીનો, મિતભાષિણીનો, અંતરે ભીનીનો, પિયર જેનું પરિપૂર્ણ છે ને મોસાળમાં જે મોંઘી છે તેનો પતિ છે. તને હું શી શી રીતે સાચવું? ડોકના માદળિયાની માફક, હૈયાના હાર માંહેલા હીરની માફક, ઉનાળાના શીતળ આંબાની માફક, ચોમાસાના પ્રિય પુષ્પ ચંપાની માફક અને શિયાળાની હૂંફાળી કામળીની માફક.

મારુ! તુંને ખમ્માજી ખમ્માજી કરી રાખું રે
મરઘાનેણીના સાયબાને
જાતીલાને ખમ્મા હે માણારાજ! ઘણી ખમ્મા!

મારુ! તુંને હાર માયલો હીરો કરી રાખું રે
દાડમ-દંતીના2 સાયબાને
બાપાભાને ખમ્મા હે માણારાજ! ઘણી ખમ્મા3!

મારુ! તુંને મનડાનું માદળિયું કરી રાખું રે
થોડાબોલીના4 સાયબાને
ડોલરિયાને ખમ્મા હે માણારાજ! ઘણી ખમ્મા!

મારુ! તુંને ઉનાળાનો આંબો કરી રાખું રે
અંતરભીનીના સાયબાને
કેસરિયાને ખમ્મા હે માણારાજ2! ઘણી ખમ્મા!

મારું! તુંને ચોમાસાનો ચંપો કરી રાખું રે
પિયરપૂરીના3 સાયબાને
નવશાજીને4 ખમ્મા હે માણારાજ! ઘણી ખમ્મા!

મારુ! તુંને શિયાળાની શીરખ કરી રાખું રે
મોસાળમોંઘીનાં5 સાયબાને
નેજાળાને6 ખમ્મા હે માણારાજ! ઘણી ખમ્મા!

મારુ! તુંને ખમ્માજી ખમ્માજી કરી રાખું રે
મરઘાનેણીના સાયબાને
છોગાળાને ખમ્મા હે માણારાજ! ઘણી ખમ્મા!