ચૂંદડી ભાગ 2/41.પૂજ્યા હોય મોરાર
[પ્રભુ પૂજ્યા હોય તો આવાં આવાં સુખ સાંપડે : આંગણે પીપળો, ઘેરે ગાય, પેટે દીકરી અને દીકરા : આંહીં દીકરીની પ્રાપ્તિ કેટલી મંગલ અને સુખમય કહી છે! પુત્રી હોય તો જ જાણે કે સંગ્રહેલું દ્રવ્ય એને અર્પણ કરવાથી સાર્થક થાય. સ્ત્રીજન્મ પ્રતિનો આ ઉચ્ચ લોકાદર છે.]
પાટે તે ગણેશ બેસારીએ, મંગળ કરે નિરધાર;
સગાં કુટુંબી તેડીએ, જો પૂજ્યા હોય મોરાર.
જેને તે આંગણ પીપળો, તેનો ધન્ય અવતાર;
સાંજ-સવાર પૂજા કરે, જો પૂજ્યા હોય મોરાર.
જેને તે આંગણ ગાવડી, તેનો તે ધન્ય અવતાર;
સાંજે-સવારે દોહી વળે, જો પૂજ્યા હોય મોરાર.
જેને તે પેટે દીકરી, તેનો તે ધન્ય અવતાર;
સાંચ્યું સૂચ્યું વાધરે, જો પૂજ્યા હોય મોરાર.
જેને તે પેટે દીકરા, તેનો તે ધન્ય અવતાર;
વવારૂ પાયે પડે, જો પૂજ્યા હોય મોરાર.
રાતો તે ચૂડો મારો રંગ ભર્યો, કોરો ને કમખો હાથ;
ઘરચોળે ઘડ ભાંગીએ, જો પૂજ્યા હોય મોરાર.
કાઠા તે ઘઉંની રોટલી, માંહી ગળગળિયો કંસાર;
ભેગાં બેસી ભોજન કરે, જો પૂજ્યા હોય મોરાર.