ચૂંદડી ભાગ 2/77.કોણ કોણ પ્યારા?
[આંબા અને લીંબુ લૂંબાઝૂંબ પાક્યાં છે. વર–વહુ બેઠાં છે. વર હેતથી વાત પૂછે છે : ‘હે માલવણ! તને તારા પિયરમાં કોણ પ્યારું?’ સ્ત્રી જવાબ આપે છે : ‘હે સ્વામી! એક તો પ્યારા મારા પિતા : એથી સવાઈ પ્યારી મારી માતા.’ આવો ઉત્તર સાંભળીને વર ખિજાય છે. પરણ્યા પછી સ્ત્રીને પિયરિયાં પર પ્યાર રહે એ એને ગમતું નથી. એ ધમકી આપે છે કે ‘જૂઠી વાત : આવું બોલીશ તો હું ફરીથી પરણીશ. તને તજીશ.’ સ્ત્રી પણ એટલા જ ગર્વથી કહે છે કે ‘હે સ્વામી! એક નહિ પણ બે પરણજે : તારી ડરાવી ડરીને હું મારાં માવતરને નહિ વિસારું’. પછી પુરુષ પૂછે છે કે ‘તને સાસરવાસમાં વહાલું કોણ?’ સ્ત્રી કહે છે, ‘સસરો ને સાસુ.’ આ જવાબ વરને મીઠો લાગે છે!]
આંબા જી પાકા વનડી! નીંબુ જી પાકાં,
લાગી લડાલડ લૂંબો, માલવણી!
નીંબુ બોરંગ2 પાકાં.
વનડો તો પૂછે વનડી! હેતાંરી બાતાં,3
લાડડો તો પૂછે લાડડી! હેતાંરી બાતાં,
થારે પિયરીએ કુણ કુણ પ્યારાં, માલવણી!
નીંબુ બોરંગ પાકાં.
મારે પિયરીએ મારો બાવોજી પ્યારા;
જણસું4 સવાઈ મારી માતા, માલવણી!
નીંબુ બોરંગ પાકાં.
જૂઠ હે વનડી થેં તો જૂઠ જી બોલે!
ફેરે પરણી5 હું દોહે-ચારે,6 માલવણી!
નીંબુ બોરંગ પાકાં.
એક પરણીતાં મારુજી! દો દો પરણીજો,
થારી ડરાઈ નહિ ડરું, માલવાણી!
નીંબુ બોરંગ પાકાં.
વનડો પૂછે વનડી! હેતાંરી બાતાં,
થારે સાસરીએ કુણ કુણ પ્યારાં, માલવણી!
નીંબુ બોરંગ પાકાં.
મારે સાસરીએ મારો સસરોજી પ્યારા,
જણસું સવાઈ મારી સાસુ, માલવણી!
નીંબુ બોરંગ પાકાં.
સાચી રે વનડી! થેં તો સાચો જી બોણે,
થારે ઘડાવું નવસર હાર, માલવણી!
નીંબુ બોરંગ પાકાં.