ચૈતર ચમકે ચાંદની/ખુલ્લા બે ખાલી હાથે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ખુલ્લા બે ખાલી હાથે

જુલાઈની ૨૧મી તારીખ એટલે કવિ ઉમાશંકર જોશીનો જન્મદિવસ. કવિ આ લોકમાં હતા ત્યારે એમના જન્મદિને મળવા જતા અને એમનું પ્રણામપૂર્વક અભિવાદન કરતા, પરંતુ હવે તો કવિના જન્મદિને એમનું અભિવાદન કરવાની ઉત્તમ રીતિ એટલે એમની કવિતાનું વાચન.

‘સમગ્ર કવિતા’નો ગ્રંથ હાથમાં લીધો. થોડી કવિતાઓ વાંચી. કવિતાએ કવિતાએ એવું લાગે કે કવિ આપણી સમક્ષ છે અને એમની સાથે સંવાદ ચાલી રહ્યો છે, અને છતાં તીવ્રતાથી અનુભવાય કે કવિ આપણી સાથે નથી. એ હોત તો આજની દેશની અને દુનિયાની ઘટનાઓ વિષે ઘણું ઘણું કહેવાનું હોત. એટલા બધા એ સમયની સાથે રહેતા. અવશ્ય એ જે કહેત તે સમયાતીત, સમયને અતિક્રમીને અ-ક્ષર બની રહેત.

વળી ‘સમગ્ર કવિતા’નાં પાનાં ફેરવતાં ફેરવતાં એક કવિતા પર નજર પડીઃ ‘શું શું સાથે લઈ જઈશ હું?’ એ કવિતાનું નામ, સાથે લઈ જવાની વાત એટલે અહીં, આ પૃથ્વીલોકનું આયખું પૂરું કર્યા પછી આ લોકને છોડીને જતાં સાથે લઈ જવાની વાત. હમણાં એક નિકટના સ્વજનના મૃત્યુ પછી બેસાડેલ ગરુડપુરાણનો પાઠ સાંભળતાં ભયંકર વિતૃષ્ણા જન્મી. એ પુરાણ અને એની અંદર વર્ણવેલી મૃતાત્માની યાતનાસભર યાત્રાના વર્ણન પર, એકદમ બીભત્સ વર્ણન. જીવાત્માની વૈતરણી પાર કરવાની એ યાતના મૃત્યુને અધિક વરવું બનાવી દે છે. જાણે આ લોક છોડીને જવું એટલે ખાલી હાથે એકાકી જીવે જમરાજાના યાતનાલોકમાં પ્રવેશવું.

પરંતુ આપણા કવિ તો આ લોકમાંથી ચિરંતન વિદાય વેળાએ જે જે ‘વસ્તુઓ’ સાથે લઈ જવાની સૂચિ આપે છે, તે તો આ લોક અને પરલોકને આનંદમય બનાવી દે એવી છે. પહેલાં તો કવિ પ્રશ્ન કરે છે:

‘શું શું સાથે લઈ જઈશ હું?’

પછી ઉત્તરમાં કહે છે :
‘લઈ જઈશ હું સાથે

ખુલ્લા ખાલી હાથે

પૃથ્વી પરની રિદ્ધિ હૃદયભર – ’

આપણા અનેક ધર્મગ્રંથોમાં કે મધ્યકાલીન ભક્તકવિઓનાં પદોમાં આ સંસારને માયા કહી એની ભર્ત્સના કરવામાં આવી છે. ‘પ્રાણિયા ભજી લેને કિરતાર, આ તો સપનું છે સંસાર’ એવા વેરાગી ભાવથી.

આપણા આ માનવદેહની પણ અસ્થિચર્મનો એ બનેલો છે, એમ કહી એનીય ભર્ત્સના. એટલે સુધી કે સ્વજનોના ગાઢ પ્રેમને પણ ‘મોહ’ ગણી ઉતારી પાડવામાં આવ્યો છે.

પરંતુ કવિ તો પૃથ્વીની રિદ્ધિને સાથે લઈ જવાની વાત કરે છે. પરંતુ એ રિદ્ધિ કઈ છે? કબીરદાસે કહ્યું :
અપને ખાતિર મહલ બનાયા

આપ હિ જાકર જંગલ સોયા.

બરાબર છે. મહેલ સાથે લઈ જવાની તો આ કવિ શાની વાત કરે? એ આ પૃથ્વીલોકમાં પ્રાપ્ત થતી રિદ્ધિનો ભાગ નથી. તો કવિ કઈ રિદ્ધિની વાત કરે છે?

વસંતની મહેકી ઊઠેલી ઉજ્જ્વલ મુખશોભા, મેઘલ સાંજે વૃક્ષડાળીઓમાં ઝિલાયેલો તડકો.

વસંત અને વર્ષાના આ કવિ છે. પૃથ્વીલોક પર વર્ષે વર્ષે આવતી વાસંતી શોભા સાથે લઈ જશે કવિ, અને સાથે લઈ જશે શ્રાવણ નભ ખૂલતાં વૃક્ષ-ડાળીઓમાં ઝિલાયેલ તડકો. કદાચ નંદનવનમાં ચિરવસંત હશે, પણ એથી એ સૌંદર્ય સ્થિર અને જડ હશે, જ્યારે આ પૃથ્વીલોકમાં પરિવર્તિત થતી ઋતુઓ પૃથ્વીની પ્રત્યેક પ્રદક્ષિણા સાથે નવો નવો વૈભવ લઈને આવે છે.

આ પ્રાકૃતિક સુષમા આ લોકમાંથી વિદાય લેતા કવિ સાથે લઈ જશે, હૃદયમાં ભરીને, પછી?

પછી – ‘વિમળ ઊમટ્યો જીવનભર એ અઢળક હૃદય-ઉમળકો’. જે ઉમળકો વેરાગી સંત કવિને માયા બંધનરૂપ છે અને એટલે એ બંધન વિચ્છિન્ન કરવાનો એનો સંદેશ હોય, ત્યાં આપણા કવિ તો એને સાથે લઈ જવાની વાત કરે છે. એમની આ પંક્તિઓ માણસ હોવાથી સાર્થકતા શામાં છે એનો સંકેત છે. માનવજાતિના પુરુષાર્થનું પછીની બે પંક્તિઓમાં જાણે જયગાન છે. કહે છે – સાથે લઈ જઈશ?
માનવજાતિ તણા પગમાં

તરવરતી ક્રાન્તિ

અને મસ્તકે હિમાદ્રિશ્વેત

ઝબકતી શાન્તિ.

ક્રાન્તિ અને શાન્તિ–માનવજાતિની ઉપલબ્ધિ છે. એટલે એ સાથે લઈ જવાની વાત પછી કહે છે :

સાથે લઈ જઈશ – પશુની ધીરજ, વિહંગનાં કલનૃત્ય, શિલાનું ચિરંતન મૌન. એટલે કે પશુ, પંખી અને પથ્થર સાથેનોય અનુબંધ કવિને છે. ખરેખર તો કવિ આપણને કહેતા જણાય છે કે આ જગતમાં એવી કઈ વસ્તુ છે, જ્યાં કંઈ ને કંઈ શોભા કે શ્રી જોવા ન મળે? નજર નજરનો ફેર છે. માનવ તરીકેની રિદ્ધિઓ કઈ? એનો જવાબ આપતા હોય તેમ સાથે લઈ જવાની સૂચિ આગળ લંબાવતાં કવિ ઉમેરે છે :

વિરહ-ધડકતું મિલન. એવું મિલન જેમાં આગામી વિરહનું કંપન હોય, જાણે હમણાં છૂટા પડવાનું છે એવી અસ્તિત્વવાદી અભિજ્ઞતા સાથેનું છે એ મિલન.

પછી?
‘સદા-મિલને રત સંતનતણી

શાન્તશીળી સ્મિત શોભા.

અંધકારના હૃદયનિચોડ સમી

મૃદુ કંપિત સૌમ્ય તારકિત આભા.’

સૂચિ લંબાતી જાય છે સાથે લઈ જવાની ચીજોની :
પ્રિય હૃદયોનો ચાહ

અને પડઘો પડતો જે ‘આહ!’

મિત્રગોઠડી મસ્ત અજાણ્યા માનવબંધુ

તણું કદી એકાદ લૂછેલું અશ્રુબિન્દુ

આ પૃથ્વીની માયા લાગી જાય એવી સૂચિ છે. આપણે અનુભવીએ છતાં જેનાથી આપણે અનભિજ્ઞ રહીએ, તેને કવિ પરિભાષિત કરી આપે છે. હા, હા, બસ મને પણ આવું થાય છે. જેને પૃથ્વી પર મળેલા માનવજીવનને ભરપૂર રીતે માણવું કહીએ, તે તો પ્રિય મિત્રોનો પ્રેમ છે. ‘ચાહ’નો પ્રાસ કવિ ‘આહ’થી મેળવે છે, એમાં વેદનાનું પણ સ્તવગાન છે. એવી રીતે વિરોધ રચાયો છે. મિત્રગોઠડીનો અને અજાણ્યા માનવબંધુનો. મનુષ્યલોકની કેટલીક ઉત્તમ ક્ષણો મિત્રો સાથેની ગોઠડીમાં મળેલી ક્ષણો છે. પણ એમાં વહાલાં-દવલાંની ભેટ નથી. એટલે અજાણ્યા માનવબંધુનું ક્યારેક એકાદ આંસુ લૂછ્યું હોય તે વાત પણ પરલોકે સાથે લઈ જવા જેવી છે. એ બધાં ઉચ્ચતર માનવમૂલ્યો છે, એમ પરોક્ષ રીતે કવિ કહી રહ્યા છે. કવિ તો આપણે જેને હસી કાઢીએ એવી વાત પણ સૂચિમાં ઉમેરે છે. કહે છે –
નિદ્રાની લ્હેરખડી નાની

કહો એક નાનકડો

સ્વપ્નદાબડો.

સૂચિમાં ‘ઊંઘ’ પણ છે. કવિ ઉમાશંકરને ‘ઊંઘ’ બહુ પ્રિય હતી, જોકે એ જાગતા પણ ઘણું. પણ અહીં તો નિદ્રાની નાની લહેરખી છે, એટલે એમાં તો સ્વપ્ન હોય જ. ‘સ્વપ્નદાબડો’ એવો કલ્પક સમાસ તો કવિ જ રચી શકે. પાછા કહે છે કે બધાં સપનાં આ લોકમાં જ સફળ થઈ જાય એવું ન હજો.

પેલા દંતકથાના વાણિયાના વરદાન જેવી આ સૂચિ હોવા છતાં કવિ પાછા કહે છે –
વધુ લોભ મને ના,

બાળકનાં કાંઈ અનંત આશચમકતાં નેનાં

લઈ જઈશ હું સાથે

ખુલ્લા બે ખાલી હાથે.

ખુલ્લા બે ‘ખાલી’ હાથે?

સૂચિના અંતે જતાં જે ઉમેર્યું – બાળકની આશચમકતી આંખો, એ સાથે લઈ જઈશ.

આપણે સામાન્ય રીતે જ્યારે ‘વેરાગી’ ભાવ આવે ત્યારે કહીએ છીએ. ‘ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જવાનું છે.’ કહેવાય છે કે જગતવિજેતા સિકંદરે મરતી વખતે કહેલું કે મારી સ્મશાનયાત્રામાં બન્ને મારા ખુલ્લા હાથ બહાર રાખજો – જેથી દુનિયા જાણે કે જગતવિજેતા પણ અહીંથી તો છેવટે ખાલી હાથે જાય છે. પરંતુ ત્યાં તો ભૌતિક સંપત્તિ સાથે લઈ જવાને સંદર્ભે ‘ખાલી હાથ’ની વાત છે, એ કોઈ સાથે લઈ જઈ શકતું નથી.

કવિની સૂચિમાં તો એવી ચીજો છે જે સાથે રહે, માનવજીવનની સાર્થકતા જેમાં સમાવિષ્ટ છે, એવી બધી એ ચીજો એ જ તો પ્રાપ્ત રિદ્ધિ છે. એટલે છેલ્લી લીટીમાં ‘ખાલી હાથે’ એમ અવતરણમાં મૂકી પ્રશ્નાર્થ છે. – ખુલ્લા બે ‘ખાલી’ હાથે? એ પ્રશ્નમાં જ ઉત્તર છે કે આ બધું જે સાથે લઈ જવાનું છે, જે લઈ શકાય એમ છે એ પછી હાથ ‘ખાલી’ કેવા? એ તો સભર સભર છે.

પૃથ્વીલોક પર આવીને આવું બધું જેણે ‘માણ્યું’ છે તેનું જીવન પણ સભર જીવન છે. એક રીતે તો કવિ આપણને સભર માનવજીવન કેમ જીવી શકાય એનો જ સંકેત કરે છે.

ટાગોરે પણ આવો ભાવ પોતાની કવિતાઓમાં વ્યક્ત કર્યો છે કે આ ધરતી પર જે પામ્યો છું, તેની કોઈની સાથે તુલના થઈ શકે એમ નથી. પૃથ્વીની ધૂળ મધુમય છે.

૩૧-૭-૯૪