ચૈતર ચમકે ચાંદની/પરિચય
સાહિત્યકાર ભોળાભાઈ એટલે વિવેચક અનુવાદક નિબંધકાર. એના મૂળમાં અભ્યાસીની જિજ્ઞાસા-વૃત્તિ અને સર્જકનું વિસ્મય એકસરખાં છે. હિંદીના અધ્યાપક, ગુજરાતીના લેખક. પ્રૉફેસર થયા પછી પણ ભણતા ગયા –અંગ્રેજીમાં એમ.એ., ભાષાવિજ્ઞાનમાં ડિપ્લોમા કર્યું. સંસ્કૃત-બંગાળી-અસમિયા-ઓડિયા-ફ્રેન્ચ ભાષાઓ શીખ્યા. નવલકથા-નાટક-કવિતા-વિવેચનનાં પુસ્તકોના અનુવાદો કર્યા. વિવેચન-સંપાદનના મહત્ત્વના ગ્રંથો આપ્યા. પણ પ્રવાસરસિક ભોળાભાઈના સર્જનાત્મક નિબંધોમાં એમનું તાજગીભર્યું કુતૂહલ ને અખૂટ અભ્યાસવૃત્તિ એકસાથે ખીલી ઊઠયાં.
સાહિત્ય પરિષદના સામયિક ‘પરબ’નું ઘણાં વર્ષ સંપાદન કર્યું. અગ્રણી સાહિત્યસંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા.
ભોળાભાઈ પટેલ એટલે તાજગીભર્યું સાતત્ય – પ્રવાસમાં, અભ્યાસમાં, લેખનમાં અખૂટ રસવાળો વિહાર.અંગત ઊર્મિ-નિબંધ, પ્રવાસ-સંવેદનનો નિબંધ, ચરિત્રનિબંધ – એવું નિબંધ-વૈવિધ્ય આ સંગ્રહનું આકર્ષણ છે. નવી વાવેલી કરેણ પર પહેલું ફૂલ ખીલે છે ને કવિ કાલિદાસને યાદ કરીને ભોળાભાઈ કહે છે : ‘એ એની પ્રથમ કુસુમ-પ્રસૂતિ છે.’ પ્રકૃતિના આવા આહ્લાદક સૌંદર્યને નિરૂપતા નિબંધો સાથે અહીં પ્રવાસ-સ્થાનને સંવેદન-તદ્રૂપતાથી વાચક સામે સાક્ષાત્ કરતા નિબંધો પણ છે. હિન્દી કવિ સમશેર, બંગાળી કવિ જય ગોસ્વામી, ઉત્તમ નવલકથાકાર અને કર્મશીલ મહાશ્વેતાદેવીના પરિચયોનું એમનું સ્મરણ-કથન સરસ ચરિત્ર-આલેખન બની રહે છે. ‘અંતર્જલિ જાત્રા’ જેવી કેટલીક ફિલ્મો જોયાનો આનંદ પણ કેટલાક નિબંધોમાં, એના મામિર્ક આસ્વાદ સાથે, વ્યક્ત થયો છે. રુટિનના કંટાળામાંથી નીકળવાની એક ગૃહિણીના મનમાં જાગતી ઇચ્છાને ફૅન્ટસીથી આલેખતી એક બંગાળી વાર્તા ‘રાધા આજે નહીં રાંધે’નો આસ્વાદ-નિબંધ પણ રસપ્રદ છે.
લેખક માત્ર રંગદર્શી નિબંધો આપતા નથી, વિચાર-પ્રેરકતા પણ કેટલાક નિબંધોની વિશેષતા છે. ‘એક શોકપ્રશસ્તિ : તણખિયા તળાવની’ નિબંધ, પ્રકૃતિના નાશની સાથે પર્યાવરણનો પણ ધ્વંસ કરતી નગર-વૃત્તિને અપાર દુખની વેદના સાથે નિરૂપે છે ને વાચકોને વિચારતા કરી દે છે.
મનમાં વસી જાય એવો સર્વોત્તમ નિબંધ છે –‘કદંબ’ નામનો છેલ્લો નિબંધ.
આ નિબંધોમાં પસાર થવું સૌને ગમશે.– રમણ સોની