ચૈતર ચમકે ચાંદની/પ્રશ્ન : ઈશ્વરને

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પ્રશ્ન : ઈશ્વરને


ભલભલાની શ્રદ્ધા કે આસ્થા ડગી જાય, કંઈ નહિ તો મનમાં આશંકાઓ જાગે એવા દિવસો આપણ સૌને ડરાવતા આવી રહ્યા છે શું? સાચ શું? જૂઠ શું? – ઝટ પરખી શકાતું નથી. ખૂબસૂરત સાચના મહોરા નીચે જૂઠનું વરવું રૂપ કળવું મુશ્કેલ છે.

છલનાઓનું સામ્રાજ્ય વિસ્તરતું જાય છે. ટાગોરના શબ્દો, કરુણાકાતર શબ્દો કાને સંભળાય છે. હિંસાય ઉન્મત્ત પૃથિવી…’ જગત આખું હિંસાથી ઉન્મત્ત બની ગયું છે.

ટાગોરના શબ્દો કહેતાં જ તેમની વાણીમાં કહો કે કંઠમાં જે કેટલાંક કાવ્યો ધ્વનિમુદ્રિત થઈને જળવાયાં છે, તેમાંનું એક આ સ્થિતિમાં વારે વારે પડઘાય છે. એ કવિતાને અંતે વ્યગ્ર વ્યથિત સ્વરે એ મહામના કવિએ પ્રશ્ન કર્યો છે ઈશ્વરને –

‘જેઓ તારા વાયુને વિષમય બનાવે છે, તારા પ્રકાશને બુઝાવે છે, તેમને તેં ક્ષમા કરી છે? તેમના પર તેં પ્રેમ કર્યો છે?’
– તુમિ કિ તાદેર ક્ષમા કરિયાછો

તુમિ કિ બેસેછો ભાલો?

પાઠ કરતાં કરતાં કવિકંઠ આ છેલ્લી બે પંક્તિઓમાં આક્રોશયુક્ત વેદનાનો સ્પર્શ આપણને કરી જાય છે.

ટાગોરની એ કવિતાનું મથાળું છે ‘પ્રશ્ન.’ ભગવાનને સંબોધીને જ સીધો પ્રશ્ન છે.

ક્રૉસ પર ચઢેલા જિસસે વેદનાથી કરાહતા છતાં ઈશ્વરને કહ્યું હતું કે ‘મને આવી સજા કરનારને તું ક્ષમા કર, કારણ કે તેઓ જાણતા નથી કે એ શું કરી રહ્યા છે.’

શું જિસસના ઈશ્વરે એ ગુનેગારોને, જુલમીઓને ક્ષમા કરી હતી? ટાગોર જાણે પોતાનો પ્રશ્ન જિસસના આ શબ્દોને અનુસંધાને કહે છે કે આવા લોકોને હે ઈશ્વર, તેં ક્ષમા કરી છે?

સામાન્ય સ્થિતિમાં કવિ ટાગોરે – ‘ગીતાંજલિ’ના કવિ ટાગોરે કદી આવો આશંકાયુક્ત પ્રશ્ન ભગવાનને ન કર્યો હોત. દુઃખો પર દુ:ખોની ઝડી વરસવા છતાં ટાગોરે તો ભગવાનને સતત એમ કહ્યું હતું – તોમારિ ઇચ્છા હઉક પૂર્ણ – તારી ઇચ્છા પૂર્ણ થાઓ. દુઃખો પણ એ ઈશ્વરે પાઠવેલાં છે. તો ભલે તેમ થાઓ – ‘તબે તાઈ હોક.’

કેટલી બધી શ્રદ્ધા આ કવિને આ ધરતીને વિષે છે! કેટલી બધી માયા છે! ‘ગીતાંજલિ’માં તો એમણે પોતાની પૃથ્વીપ્રીતિનો સ્વર ગુંજરિત કર્યો હતો. અનેક કવિતાઓમાં, પ્રભુપ્રીતિ સાથે પૃથ્વીપ્રીતિ. ‘ગીતાંજલિ’ બહાર પણ અનેક રચનાઓમાં આ વસુંધરાને જુદે જુદે રૂપે એવી ચાહે છે કે કવિ એમ કહેવા તત્પર થાય છે કે આ ધરતી પરથી અંતિમ વિદાય લેવાને દિવસે આ વાત હું જગતને જણાવતો જાઉં કે જે આ જગતમાં જોયું છે, જે આ જગતમાં હું પામ્યો છું, તેનો જોટો નથી. આ જ્યોતિસમુદ્રમાં જે શતદલ પદ્મ શોભે છે, તેના મધુનું મેં પાન કર્યું છે, એથી હું ધન્ય છું – મારા જવાને દિવસે આ વાત હું જણાવતો જાઉં.

કવિની આવી શ્રદ્ધાન્વિત વાણીમાં પણ તિરાડો પડે છે, ટાગોર કંઈ કમળભોજી કવિ ન હતા, હાથીદાંતના મિનારમાં બેસીને કવિતા કરનાર એકાન્તપ્રેમી કવિ ન હતા. વારંવાર દેશદુનિયાના સંઘર્ષો વચ્ચે ઊભા રહી પોતાની વાત કહેતા રહ્યા છે, અનેક રીતે, અનેક રૂપે. કવિતામાં, નવલકથાઓમાં, નાટકોમાં, ચિત્રોમાં.

આ જ કવિએ ભારતભાગ્યવિધાતાની ‘જય હે જય હે જય હે’ – કહી ઉલ્લાસથી જયઘોષણા કરી હતી.

ટાગોરના મનમાં કોણ છે – આ ‘ભારતભાગ્ય વિધાતા?’ જનગણમંગલદાયક ભારત ભાગ્યવિધાતા જાણે પદભ્રષ્ટ થાય છે અને તથાકથિત ભાગ્યવિધાતાઓ આસન પર ચઢી બેઠા છે. જે પૃથ્વીની ધૂળને ટાગોરે મધુમય ધૂલિ કહી હતી, તે આખી પૃથ્વી પણ પીડાથી ત્રસ્ત ધનુની જેમ હવે કયા ભગવાનને પ્રાર્થના કરવા જાય કે અવતાર લો, તમારા દૂત પાઠવો, સંતોને પાઠવો, મસીહાને પાઠવો.

કારણ કે આજ એ સૌનો ઉપદેશ વ્યર્થ છે. કવિ કહે છેઃ

‘ભગવાન, તેં યુગે યુગે વારે વારે આ નિષ્ઠુર દયાહીન જગતમાં દૂત મોકલ્યા હતા. તેઓ દુનિયાને શિખવાડી ગયા છે કે ‘બધાને ક્ષમા કરો, પ્રેમ કરો, અંતરમાંથી દ્વેષરૂપી વિષનો નાશ કરો.’

કવિ કહે છે કે આ બધા દૂત, સંત પૂજનીય છે, સ્મરણીય છે પણ મેં આજે કપરાકાળમાં બહારને દરવાજેથી જ તેમને વ્યર્થ નમસ્કાર કરીને પાછા કાઢ્યા છે.

કેમ સંતોની, દૂતોની વાણી પર કવિને અશ્રદ્ધા છે? કવિ કહે છે :

મેં જોયું છે કે ગુપ્ત હિંસાએ કપટ રાત્રિની છાયામાં નિઃસહાયને માર્યા છે. મેં જોયું છે કે જેનો સામનો ન થઈ શકે એવા માથાભારે લોકોના ગુનાઓને લીધે ન્યાયની વાણી ચૂપચાપ એકાંતમાં રહે છે. મેં જોયું છે કે તરુણ બાળકો ગાંડાં થઈને કેવીય વેદનાથી પથ્થર પર વ્યર્થ માથું કૂટીને મર્યાં છે.

એટલે કવિ કહે છે કે મારો કંઠ આજે રંધાયેલો છે, બંસી સંગીતવિહોણી છે, અમાસના કારાગારે મારા ભુવનને દુઃસ્વપ્નમાં લુપ્ત કરી દીધું છે.

એટલે આંસુ સાથે કવિનો પ્રશ્ન છે ભગવાનને—

‘તેં તારા વાયુને ઝેરી બનાવનારાઓને અને તારા પ્રકાશને બુઝાવનારાઓને ક્ષમા કરી છે શું? એમના પર પ્રેમ કર્યો છે શું?’

આ પ્રશ્નમાં કવિને અભીષ્ટ ઉત્તર પણ છે – એ ક્ષમાને પાત્ર નથી, પ્રેમને પાત્ર નથી.

દેશના ઇતિહાસમાં એ કઈ ઘટનાઓ હતી, કયા અત્યાચારો હતા, જેથી કવિની શ્રદ્ધા ડગી ગયેલી? ઇતિહાસનાં પૃષ્ઠો કહે છે કે એ વર્ષોમાં સ્વતંત્રતા માટે લડતા ભારત પર અંગ્રેજોનું દમન પુષ્કળ વધી ગયું હતું અને તે વખતે તેમણે ૧૯૩૨માં એક પત્ર બ્રિટનના પ્રધાનમંત્રી મેકડોનાલ્ડને એ દમનોના વિરોધમાં લખેલો. એ જ વર્ષના જાન્યુઆરીમાં આ કાવ્ય રચાયેલું. આ કાવ્યમાં જે આતતાયીઓ છે, તે અત્યાચારી શાસકો છે.

ટાગોર જ્યારે આવો સંદેહ કરે ત્યારે એમની વેદના અને વ્યગ્રતાની ચરમસીમાને કંઈક પામી શકાય છે.

આ પ્રશ્ન આજે ફરી આ કવિને યાદ કરીને ભગવાનને પૂછવાનું મન થાય છે – આપણી ચારેબાજુ એવાં જ પરિબળોએ આ દિવસોમાં માથું ઊંચક્યું છે.

ક્ષમા અને પ્રેમ જેવાં સર્વોચ્ચ મૂલ્યો સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે – ‘ક્ષમા કરો, પ્રેમ કરો, દ્વેષનો નાશ કરો’ એવી ભગવાનના સંતોની વાણી ખરેખર વ્યર્થ જશે? મનમાં સંદેહ જાગે છે.

૬-૧૨-૯૨