ચૈતર ચમકે ચાંદની/મળે મર્દને સ્ત્રીની ઊંચાઈ ત્યારે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મળે મર્દને સ્ત્રીની ઊંચાઈ ત્યારે


આજે આપણે સદ્ગત કવિ ઉમાશંકરની કેટલીક મર્મસ્પર્શી સૂક્તિઓની ચર્ચા દ્વારા આગામી ૨૧મી જુલાઈએ આવતા એમના જન્મદિનનું અભિવાદન કરીશું. કોઈ પણ કવિને પોતાની આસપાસના અને આસપાસનીય પારના જગત વિષે કંઈક ને કંઈક કહેવાનું હોય છે. પણ એ સીધી રીતે કહે તો કવિ નહિ. સ્ત્રી વિષે કહેવું હોય છે, પણ એ સીધી રીતે કહે તો કવિ સીતા, દ્રૌપદી, હેલન, ક્લિયોપેટ્રા, કુમુદ કે ચિત્રાંગદા જેવાં પાત્રનું નિર્માણ કરશે. એટલે ટાગોરે તો કહ્યું કે નારી એટલે અર્ધી સ્ત્રી અને અર્ધું સ્વપ્ન. કવિ ઉમાશંકર સ્ત્રીની મહત્તા બતાવવા એક આવી કડી રચે છે :
પરાર્થે તરે આંખમાં આંસુ જ્યારે,

મળે મર્દને સ્ત્રીની ઊંચાઈ ત્યારે.

કવિએ એકસાથે ઘણાં તીર બે પંક્તિઓમાં તાક્યાં છે. કવિએ મનુષ્યમાં રહેલી કરુણાના ઉદ્રેકની વાત કરી છે. મર્દની વાત કરી છે, ઔરતની વાત કરી છે, પણ અંતે ઔરત અર્થાત્ સ્ત્રીની ઊંચાઈની વાત કરી છે.

આ સ્ત્રીની ઊંચાઈ એટલે વિશ્વસુંદરી સ્પર્ધાની જેમ ઇંચ- સેન્ટિમીટરમાં માપવાની નથી, સ્ત્રીત્વના મહત્તામાં એ ઊંચાઈ તો માપવાની હોય છે, સ્ત્રીત્વનો એક ગુણ એટલે નારીસહજ કરુણાથી. આપણે કહેતા હોઈએ છીએ કે સ્ત્રીને તો વાતવાતમાં આંસુ આવે. મર્દ હોય તો રડે નહિ. ન રડવામાં મર્દાનગીનો વિશેષ ભલે બતાવવામાં આવે, પણ મર્દને પણ આંસુ તો આવે, ખાસ તો પોતાના જીવનમાં આવતી ટ્રૅજેડીથી. પણ જ્યારે પરાર્થે એની આંખો દ્રવી ઊઠે ત્યારે એ વધારે ઊંચો દેખાય. સામાન્ય રીતે આ પુરુષપ્રધાન દુનિયામાં પુરુષને જ ઊંચો માનવામાં આવે છે, પણ કવિએ સંકેતથી એવું બતાવ્યું છે કે સ્ત્રી એનામાં રહેલી કરુણાને લીધે પુરુષ કરતાં ઊંચી – મહાન છે.

પુરુષને એ ઊંચાઈએ પહોંચવું હોય તો તેનું હૃદય પારકાનાં દુઃખ જોઈને દ્રવિત થવું જોઈએ. પોતાનાં દુઃખે તો સૌ રડે. ખરેખર તો જે સ્ત્રીજાતિને આંસુ વહાવવાની એની સહજતાને કારણે રોતલ કહી વખોડવામાં આવે છે, તે આંસુનું મૂલ્ય કવિએ ઊંચું આંક્યું છે.

કવિએ સૂચવી જ દીધું છે કે પુરુષ કરતાં સ્ત્રીની ‘ઊંચાઈ’ વધારે હોય છે. પુરુષે એ ઊંચાઈએ પહોંચવું હોય તો પરદુઃખકાતર અને પછી પરદુઃખભંજન બનવું જોઈએ. તો એ ‘મર્દ’ બને અને એને સ્ત્રીની ઊંચાઈ મળે. ‘મર્દ’ શબ્દ અહીં સાભિપ્રાય છે.
*
કવિની બીજી એક સૂક્તિ આપણા સમયસંદર્ભ માટે તો એકદમ ચોટદાર છે :
મોટાંઓની અલ્પતા જોઈ થાક્યો,

નાનાની મોટાઈ જોઈ જીવું છું.

કવિની પાસે સચોટ અભિવ્યક્તિ માટે જે કેટલાંક ઓજારો હોય છે; તેમાં એક છે પેરેડોક્સ અર્થાત્ વિરોધાભાસ. દેખીતી રીતે વિરોધી હોય, પણ જરા ઊંડા ઊતરો તો પછી વિરોધ ન રહે. આ સૂક્તિમાં એવા વિરોધાભાસનો ઉપયોગ કવિએ કર્યો છે.

મોટાઓની અલ્પતા અને નાનાની મોટાઈ. મોટાઓની તો મોટાઈ હોય – પણ ના, કવિ કહે છે કે જે બધા માણસો મોટાઓ તરીકે ઓળખાય છે, સમાજમાં પૂજાય પણ છે, તે બધામાં કે તેમાંના ઘણાકમાં જે હલકટતાનું દર્શન થાય છે, તે જોઈ જોઈને થાક્યો છું. આજે આપણા સમાજના, દેશના કે દુનિયાના નેતાઓ તરફ જુઓ – જઘન્યમાં જઘન્ય પાપ કરવામાં પાછું વળીને ન જુએ એવા ઘણા છે. કહેવાય મોટા, પણ કામ એમનાં હલકાં. ભલભલા આદર્શવાદી દેખાતા લોકો, હજારોની આરાધના પામનારા તથાકથિત સંતમહાત્માઓ – જરા ઊંડે ઊતરો કે એમની લઘુતા, દંભ, પામરતા જોઈ આપણો ભ્રમ ભાંગી જાય. આ જગત પરથી વિશ્વાસ ઊઠી જાય. ‘અરે, આ મહાનુભાવ વિષે તો આપણા કેટલા ઊંચા ખ્યાલ હતા, આ તો આવા નીકળ્યા!’ આજે કયા મોટા નેતાને આપણો આદર્શ માનીશું?

તો પછી જગત જીવવા જેવું ક્યારે લાગે? કવિ કહે છે –‘નાનાની મોટાઈ જોઈ જીવું છું.’ રોજબરોજના જીવનમાં પોતાનો રોટલો પ્રામાણિકતાથી રળી ખાનાર અનેક લોકોમાં એવી માનવતા જોવા મળે કે જીવ રાજી થઈ જાય. કોઈ મોટા મહંતના, ધનવંતના અન્નકૂટમાંથી ગરીબને ટુકડો ન મળે એવું બને, પણ ક્યાંક ગરીબ જન જમવા બેઠો હોય અને બાજુમાં કૂતરું પણ આવી જાય તો કૂતરાને એનો ભાગ અવશ્ય મળવાનો. મોટાઈ એટલે આ સમભાવ. પોતે કશીક મોટાઈ બતાવે છે, એવો તો એને સ્વપ્ને પણ ખ્યાલ ન હોય. સત્કાર્ય શ્વાસ લેવા જેટલું જ એને સ્વાભાવિક હોય.

હવે પછી જે સૂક્તિ છે, તેમાં પણ એક એવો વિરોધાભાસ જોવા મળશે. સૂક્તિ છે :
મને મળી નિષ્ફળતા અનેક,

તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં.

નિષ્ફળતા મળે તો સફળ કેવી રીતે થવાય? નિષ્ફળતા તો નિષ્ફળતા છે, પાછી એક-બે નહિ, અનેક. એટલે એક રીતે જીવન નિષ્ફળતાઓના સરવાળા જેવું બની જાય અને માણસ દોષદર્શી બની જાય. પણ કવિ તો પેલા ‘કરતાં જાળ કરોળિયો’ની યાદ અપાવે એવી વિધેયાત્મક દૃષ્ટિથી કહે છે. પ્રત્યેક નિષ્ફળતાનું પગથિયું છેવટે સફળતા ભણી જતું હોય છે. એમ કહીએ એ તો ઠીક, પણ એ કેવી રીતે? દરેક નિષ્ફળતા કંઈક ને કંઈક શિખવાડી જતી હોય છે. જીવનના ઘડતરમાં સફળતા કરતાં નિષ્ફળતાઓનો યોગ વધારે હોય છે. નિષ્ફળતાઓ એક સપાટ પથ્થરમાંથી સફળ વ્યક્તિત્વની મૂર્તિ કોતરે છે. આપણી અંદર જે કંઈ ઉત્તમ પડ્યું હોય, તેને કસોટીએ ચઢાવીએ ત્યારે પ્રગટે. તેમાં નિષ્ફળતાને વરવાનું પણ બને, પણ તે પછી જ સફળતા પ્રાપ્ત થવાની સંભાવના ઊભી થાય. કોઈ એક કવિસૂક્તિની સફળતા એમાં છે કે એ ચલણી બની જાય. ગુજરાત કવિતા ઓછી વાંચે છે, પણ જે લોકોને ઉમાશંકર જેવા કવિની રચનાઓમાંથી પસાર થવાનું થયું હોય, તેને આવી ઉક્તિઓ મોઢે થઈ જવાની. અમે મિત્રો વારંવાર કવિની સૂક્તિઓ ઉદ્‌ધૃત કરતા હોઈએ છીએ. કવિ સુન્દરમ્‌ની જેમ ઉમાશંકરને સમીક્ષકો આધ્યાત્મિકતાના કવિ તરીકે ઓળખતા નથી. સુન્દરમ્‌ની પરવર્તી કવિતામાં તો સ્પષ્ટતયા શ્રી અરવિંદ-અનુયાયી ભક્તિનો ભાવ પ્રકટ છે. કવિ ઉમાશંકરમાં જે આધ્યાત્મિકતા છે, તે તો તેમનાં ‘સપ્તપદી’ જેવાં કાવ્યોમાં સૂક્ષ્મ રીતે પ્રકટતી જોવા મળે છે. પણ ક્યારેક આવી સૂક્તિમાં સ્પષ્ટતયા:
કેવા કેવા પ્રભો દીધા

આસ્વાદો જગના મને!

જાણતે શે હું કે શું શું

છે ફિક્કું તુજ સ્વાદથી?

પ્રત્યેક કવિ એક રીતે ઇન્દ્રિયાનુરાગી હોય છે. એની કવિતા પણ એ ઇન્દ્રિયાનુરાગની ઇન્દ્રિયગ્રાહ્ય અભિવ્યક્તિ હોય છે. સૂક્તિઓમાં ક્વચિત્ એવી ઇન્દ્રિયગ્રાહ્યતા ન હોય, પણ અગાઉ કહ્યું તેમ કવિ પેરેડોક્સ જેવી પ્રયુક્તિઓથી પોતાની અભિવ્યક્તિને ધારદાર બનાવે છે.

આ સૂક્તિમાં પણ આસ્વાદ અને ફિક્કાશનો વિરોધાભાસ છે. કવિ ઈશ્વરને કહે છે કે તેં આ જગતમાં મને ચક્ષુ, નાક, જિહ્વા, ત્વક્ અને શ્રવણ દ્વારા વિશ્વના શ્રી અને સૌન્દર્યનું આકલન કરાવ્યું છે. અહીં કવિની ઉક્તિ એવી લાગે કે જાણે એ પ્રભુનો આભાર માને છે કે તેણે જગતના વિવિધ આસ્વાદો કરાવ્યા. પણ જગતના આસ્વાદો કરાવવા એ જાણે ઈશ્વરનું લક્ષ્ય નહોતું. કવિ કહે છે તેમ આ આસ્વાદો ન કર્યા હોત તો બધા સ્વાદોમાં ઈશ્વરનો સ્વાદ કેવો ચઢિયાતો છે, એનો કદી અનુભવ ન થાત. કવિની વાતને આપણી સાદી ભાષામાં મૂકીએ તો એમ થાય કે જગતના તમામ સ્વાદ ઈશ્વરના સ્વાદ આગળ ફિક્કા છે!

વક્રોક્તિ એ કાવ્યનું જીવિત છે. તે આવા નાનકડા સુભાષિતથી પણ સમજાય છે. હવે પછીની સૂક્તિનું વિવરણ સહૃદય વાચકો પોતે મનોમન કરશે એવી આશાથી આપું છું:
પી જાણે હાલાહલો હોઠથી જે

હૈયે તેણે અમૃતો છે પીવાનાં.

૧૭-૭-૯૫