ચૈતર ચમકે ચાંદની/રુદાલી
હમણાં સિનેમાના પરદા પર ‘રુદાલી’ જોઈ. એક ભરી ભરી કલાત્મક ફિલ્મ જોવાનો સંતૃપ્તિકર છતાં વ્યગ્ર અનુભવ. ફેબ્રુઆરીમાં સાહિત્ય અકાદમીના સાહિત્ય મહોત્સવમાં દિલ્હીમાં ‘રુદાલી’ નાટક જોવાની તક જાતે થઈને જવા દીધેલી એનો વસવસો ઓછો થયો. પરંતુ એ સાથે મહાશ્વેતા દેવીને મૂળ બંગાળી વાર્તાનું નાટ્યરૂપાંતર કેવું હશે, તે કૌતુક બની રહ્યું. મૂળ વાત, રૂપેરી પરદો અને રંગમંચ વચ્ચે તુલના કરવા પણ મારો અધ્યાપક જીવ ઉદગ્ર છે.
મહાશ્વેતા દેવી આપણા દેશમાં બંગાળીમાં લખતાં મોટાં લેખિકા છે, પ્રતિબદ્ધ લેખિકા છે. આદિવાસીઓનું શોષણ હોય કે સ્ત્રીઓનું શોષણ હોય – એમની કલમ અનુભવના આધારે પ્રામાણિક આલેખન કરી આપણી સુપ્ત-અર્ધસુપ્ત ચેતનાને દઝાડી આઘાત આપે છે. ‘હજાર ચુરાશીર મા’ વાંચી છે? ગુજરાતી-હિન્દી બન્ને ભાષામાં લભ્ય છે. નારીને કેન્દ્રમાં રાખી તેમણે દ્રૌપદી’, ‘સ્તન્યદાયિની’ જેવી જબરદસ્ત વાર્તાઓ લખી છે. ‘રુદાલી’ પણ નારી જીવનની કહાણી છે, હચમચાવી દે એવી disturbing. પરંતુ હું મૂળ બંગાળી વાર્તા વાંચી શક્યો નથી. ફિલ્મ જોઈ છે. ફિલ્મમાં ડિમ્પલ કાપડિયાની અભિનય શક્તિની પરાકાષ્ઠા જોવા મળી. બોબીનો ગ્લેમરસ રોલ કરનાર આ અભિનેત્રી રૂદાલીમાં શનિચરીનો આવો રોલ કરી શકે છે! રાખી સહઅભિનેત્રી છે. ફિલ્મમાં એનો રોલ પ્રમાણમાં ઓછો, પણ અત્યંત પ્રભાવક છે. ફિલ્મજગતમાં ચર્ચા છે કે મૂળ ફિલ્મમાંથી રાખીના અભિનયવાળો ઘણો અંશ કાપી કાઢવામાં આવ્યો છે, એ માટે રાખીએ નારાજગી પણ વ્યક્ત કરી છે. અમજદખાન, રાજ બબ્બર, રઘુનાથ યાદવનો અભિનય પણ ફિલ્મને કલાત્મક ઊંચાઈએ પહોંચાડવામાં મહત્ત્વનો છે.
ફિલ્મમાં સંગીત અસમિયા સંગીતજ્ઞ ભૂપેન હજારિકાનું છે. છેલ્લો દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ હજારિકાને મળ્યો છે. એમના ઘણા ઇન્ટરવ્યૂ ટી.વી. પર અને ફિલ્મ-સામયિકોમાં હમણાં આવ્યા.
તેમાં કોઈ પણ એક ઉત્તરમાં તેઓ ‘રુદાલી’માં આપેલા સંગીતની રચનાત્મકતા વિષે, ખાસ તો ‘દિલ હુમ્ હુમ્ કરે’ના ગીતસંગીતની ચર્ચા કરે, તે સાંભળેલી. ફિલ્મનાં દિગ્દર્શક કલ્પના લાજમી છે. યોગ્ય રીતે શ્રેષ્ઠ ફિચર ફિલ્મનો ઍવૉર્ડ ‘રુદાલી’ને મળ્યો છે.
શુક્રવારને દિવસે છાપામાં થિયેટરો દ્વારા કરાતી દેશી-વિદેશી ફિલ્મોની જાહેરાતો જોતા જ હશો. ક્રાઇમ થ્રિલર કે સેક્સ પર ભાર મૂકતા. (વલ્ગર લાગતા) અજીબ શબ્દો! એમાં ‘રુદાલી’ કેટલા દિવસ ચાલે? ઍડવાન્સમાંથી રિલીફના મેટિની શોમાં ને ત્યાંથી પાછી ઍડવાન્સના મેટિની શોમાં. ઊતરી ગયું પાટિયું. પરંતુ ખરેખર એક સુંદર અદ્ભુત ફિલ્મ!
‘રુદાલી’ શબ્દ આમ તો રુદન પરથી બન્યો છે. રુદાલી એટલે રોનારી, ક્રંદન કરનારી, પણ એ રીતે તો સ્ત્રીમાત્ર રુદાલી હોઈ શકે. પરંતુ આ રુદાલી એટલે કોઈનાય મરણ પાછળ રાજિયા ગાઈને કૂટનારી, મરનારનું માતમ કરનારી ધંધાદારી રોનારી. (પશ્ચિમના દેશોમાં જેમ પ્રોફેશનલ મોનર્સ હોય છે.) રોવા-કૂટવાની પ્રથા હવે ગામડાંઓમાં પણ ઓછી થતી જાય છે. નહીંતર ગામડાંઓમાં મરણ પ્રસંગે રાજિયા ગાઈ કૂટવામાં નિપુણ સ્ત્રીઓ સમ્માન પામતી. પણ એ ધંધાદારી ન હોય. મને સ્મરણ છે કે ગામમાં જ્ઞાતિમાં કોઈનું મરણ થયું હોય એટલે મારી બાને સૌ રાજિયા કહેવા ખાસ બોલાવે. મરનાર પાછળ એ રાજિયા એ રીતે ગાતી કે સ્વજન-સ્નેહીના મરણથી જે આંખોમાં આંસુ ન આવ્યાં હોય, તે આ રાજિયા સાંભળી નીતરવા લાગે.
‘સૌરાષ્ટ્રની રસધાર’માં મેઘાણીએ આવી એક લોકવાર્તા આપી છે. એક ચારણ પત્ની રાજિયા ગાવામાં નિપુણ છે. મરનારના ગુણો સ્મરી એવી રીતે રાજિયા જોડે કે ભલભલા અજાણ્યાની આંખમાં પણ આંસુ આવી જાય. એના પતિ ચારણને કૌતુક થાય છે કે મારા મરણ પછી એ સાચેસાચના રાજિયા તો કેવાય ગાશે, પણ પોતે સાંભળવા હાજર નહિ હોય. એટલે એક વાર પરગામ જઈ એણે ખોટા સમાચાર ચારણીને મોકલ્યા કે ચારણ મૂઓ છે. એ સાંભળી ચારણીએ કલ્પાંત કર્યું. રાજિયા ગાતાં જઈ, ચારણ આવીને સંતાઈ એ સાંભળી રહ્યો. છેવટે એ પ્રકટ થાય છે. ચારણીને કહે છે કે આ તો મજાક હતી. પણ ચારણીએ કહી દીધું – ‘જા, જા ચારણ. તારી સાથેનો મારો સંબંધ તો પૂરો થઈ ગયો. તું મારે માટે મરી ગયો છે.’
કલ્પના લાજમી-દિગ્દર્શિત ‘રુદાલી’ જોયા પછી મેઘાણીની એ વાતનું પણ સ્મરણ થયું–પણ એ ચારણી કોઈ ધંધાદારી રોનારી — રુદાલી નહોતી. કલ્પના લાજમીએ પોતાની ફિલ્મના લોકેશન માટે રાજસ્થાનની મરુભૂમિના રેતાળ વિસ્તારનું એક ગામ પસંદ કર્યું છે, જેની પશ્ચાત્ભૂમાં ફિલ્મની મુખ્ય ઘટનાઓ બને છે.
ફિલ્મ શરૂ થાય છે ત્યારે પરદા પર લાંબા વાળ ઉછાળતી કાળાં કપડાં પહેરેલી ઉન્મત્ત રીતે ધૂણતી, માતમ મનાવતી પાંચેક સ્ત્રીઓનાં છાયાચિત્રો આપણને એકદમ ફિલ્મના ભાવવિશ્વ માટે માનસિક રીતે તૈયાર કરે છે. કાળી સફેદ ચોરસ લાદી જડેલા ફર્શની બન્ને બાજુ ઊંચાનીચા સ્તંભ આમ તો ગ્રીક સ્તંભોની યાદ આપે, પણ અહીં માતમનો વાંછિત પ્રભાવ પાડે છે. પાર્શ્વભૂમાં સંગીત વહેતું રહે છે. કાળી ભૂમિકામાં લાલ અક્ષરે આવતું ફિલ્મનું નામ રુદાલી’ એ પ્રભાવમાં ઉમેરો કરે છે. દિગ્દર્શકે નાની નાની વિગતો બાબતે સત્યજિત રાયની યાદ દેવડાવી છે.
પછી દેખાય છે ધૂસર રાજસ્થાનની ભૂખરા પથ્થરોની એક હવેલીનું દૃશ્ય, જેમાં મરણાસન જમીનદાર(અમજદખાન)ને પુરોહિત ગોદાન કરાવે છે. અહીં અમજદખાન જાણે આ રોલ માટે જ લાગે. એ પાસે ઊભેલા એના મુનિમને કહે છે – ‘મેરે પીછે કોઈ નહીં રોવેગા, તૂ ભી. નહીં રોવે. ગાંવસે એક રુદાલી બુલાના. વહ રોયેગી, મેરે લિયે શોક મનાયેગી.’ આખી ફિલ્મમાં રાજસ્થાની (હિન્દી) બોલી અસરકારક રીતે પાત્રોને મોઢે પ્રયોજાઈ છે. ‘રુદાલી’ શબ્દ આ પહેલા દૃશ્યમાં જ પ્રેક્ષકોને મળે છે.
એ પછી તરત આપણી સામે દેખાય છે મરુભોમકા વચ્ચે વસેલા આ ગામનાં છાપરાંનાં ઘર, વાડથી ઘેરાયેલાં આંગણ. એવા એક આંગણામાં પ્રૌઢ લાગતી એક સ્ત્રી, જેણે મલીર પહેર્યું છે, બેઠાં બેઠાં આંગણું લીંપી રહી છે. એ છે શનિચરી (ડિમ્પલ) – આ ફિલ્મની નાયિકા. લીંપતી જાય છે અને વાતો કરતી જાય છે બિખની (રાખી) નામની બીજી સ્ત્રી જોડે. બિખની વાચાળ છે.
શનિચરી એના ઘરમાં એકલી રહે છે. બિખની વાત ઉઘાડે છે અને શનિચરીને પોતાના જીવનની તડકી-છાંયડી યાદ આવે છે. એ પોતાને કરમફૂટી શનિચરી કહે છે. જનમતાં જ બાપને ખાઈ ગઈ, માએ એને છોડી દીધી. હવે ધણી પણ નથી અને એક છોકરો – તે પણ જતો રહ્યો છે.
શનિચરી સ્મૃતિઓમાં ખોવાય છે. એક વાર તો લીંપતાં લીંપતાં ઊભી થઈ ઘરમાં જાય છે અને છાપરે ભરાવેલું જૂનું માઉથ ઑર્ગન વગાડતી બહાર આવે છે. એના છોકરાનું છે. એના ગમગીન ચહેરા પર પ્રસન્નતાની ઝલક વરતાય છે. બિખનીને પોતાની કરમકથની કહે છે અને એમ ફિલ્મ ફ્લૅશબૅકમાં શનિચરીના પૂર્વજીવનમાં લઈ જાય છે…
શનિચરીની વૃદ્ધ સાસુ ઘરમાં છે. પતિ દારૂડિયો છે. પણ શનિચરી તો રૂપ-યૌવનથી ફાટફાટ છે. રાજસ્થાની મરુભૂમિની રેતાળ ટેકરીઓને માર્ગે એ ઘડામાં પાણી ભરીને આવતી હોય છે, ત્યાં સામે સજાવેલા ઊંટ પર એક ફાંકડો અસવાર (રાજ બબ્બર) આવે છે. એ ગામના જમીનદારનો યુવાન પુત્ર લક્ષ્મણસિંહ છે. એ શનિચરીને જુએ છે. ઊંટ ઊભું રાખે છે. કહે છે – ‘તરસ લાગી છે. પાણી પાઈશ?’ કહી ઊંટ ઝેકારે છે. શનિચરી ટીખળ કરતી હોય એમ ઘડો ઊંટના મોઢા આગળ ધરે છે. લક્ષ્મણસિંહ કહે છે – ‘ઊંટને નહિ, મને.’ ‘પ્યાસ મુઝે લાગી હૈ’. શનિચરી નીચા મોંએ વળી ટીખળ કરે છે, ખમા કરેં, હુકુમ–- આ ઊંટ હૈ તો આપ હૈ
આપ હૈં તો ઊંટ હૈ –
આ સ્મૃતિચિત્ર પછી બિખની સાથે વાતનો તંતુ જોડાય છે. બિખની કહે છે, હું તો આજે અહીં તો કાલે ત્યાં. મૈં તો રુદાલી હૂં ન! ત્યાં જમીનદારનો માણસ આવી કહે છે, જમીનદારબાપુ મરવામાં છે. તું જલદી ચાલ. બિખની નીકળી પડે છે.
શનિચરીની આંખો સામે બીજું દૃશ્ય ઊભરાય છે. ઘરમાં વૃદ્ધ સાસુ છે. બીમાર છે. એની સેવાચાકરી કરે છે. એ ઘરમાં સૂતી છે, ત્યાં વરસાદનું ટીપું છાપરામાંથી ચૂઈ એના મોં પર પડે છે, એ ચમકે છે, જાગે છે – બહાર ફળિયામાં આવે છે – વરસાદમાં પલળે છે અને ગાતી જાય છે – કભી સાવન બોલે, કભી ભાદો બોલે… બાવરી બોલે કભી પાગલ કહે…
ઘરમાં આવે છે – પોતાને નાના દર્પણમાં જુએ છે. આખે શરીરે ભીની શનિચરી જુએ છે કે સાસુ મૃત્યુ પામી છે. બહાર દોડી જાય છે. બધાને ભેગા કરે છે. અગ્નિદાહ દે છે. રોવાનો સમય નથી. યુવા જમીનદારના મિલન પ્રસંગે કે સાસુના મૃત્યુ પ્રસંગે શનિચરી એક અંદરની શક્તિ બતાવે છે. આપણને જે પ્રભાવિત કરે છે, તે તો શનિચરીની આત્મિક શક્તિ, ભલે થોડી મુક્ત મનની હોય. પછી શનિચરીને હવેલીમાંથી કહેણ આવે છે. હવેલીમાં એક કામવાળીની જરૂર છે – રાણીબાની સેવા માટે. પતિ અને નાના પુત્રને મૂકી શનિચરી હવેલીમાં આવે છે. હજી તો વૃદ્ધ જમીનદાર મરણપથારી પડ્યાં પડ્યાં પણ વહીવટ ચલાવે છે. વચ્ચે વચ્ચે શનિચરી લક્ષ્મણસિંહ સામસામાં થાય છે – લક્ષ્મણસિંહ કહે – ‘ઉપર દેખકર બાત કર.’ શનિચરી કહે – ‘મેં છોટી જાત કી, પાપ લાગે.’ લક્ષ્મણ કહે છે – ‘પાપ ક્યા હુવૈ જાણે તૂ, પાપ ઔર પુણ્ય બ્રાહ્મણ કે બનાયે ખોસલે હૈં. રાની કી બડી સેવા કી, શનિચરી હમારી સેવા કર.’ ‘હુકુમ અન્નદાતા’ શનિચરી એટલું જ કહે છે.
ત્યાં કુટુંબમાં અન્નપ્રાશનનો પ્રસંગ આવતાં ગાનારી કેશરબાઈને બોલાવવા વૃદ્ધ જમીનદાર કહે છે, પણ લક્ષ્મણસિંહ કહે છે – શનિચરી ગાયેગી. અહીં પેલું પ્રસિદ્ધ ગીત ગાય છે – શનિચરી.
દિલ હુમ્ હુમ્ કરે, ઘબરાયે…
એના પ્રેમની જાણે અભિવ્યક્તિ. યુવાન લક્ષ્મણસિંહ શનિચરીને વાડીવાળું ઘર બક્ષિસ આપવાની ઘોષણા કરે છે. (આ ગીત પછી પુરુષ અવાજમાં ફરી પશ્ચાત્ભૂમાં આવે છે.)
‘ઉસકે બાદ તો કુંવર સાહબ કો નહીં મિલી’ – એમ શનિચરી જમીનદારને ત્યાંથી પાછી આવેલી બિખનીને કહે છે – એટલે કે આ પ્રસંગમાળા પણ ફ્લૅશબૅકમાં છે.
મેળાનું દૃશ્ય છે. દિગ્દર્શકે રાજસ્થાની જીવનની વચ્ચે વચ્ચે ઝાંકી કરાવી છે. આ મેળામાં શનિચરી પતિ અને પુત્ર સાથે ગઈ હોય છે. હોંશથી ચૂડીઓ ખરીદે છે – બન્ને હાથ સજાવી દે છે. પણ મેળામાં કોગળિયું ફાટતાં એનો પતિ એમાં ગુજરી જાય છે. જે બલૈયાં હોંશથી પહેર્યાં હતાં, શનિચરી એક પછી એક ચૂપચાપ ઉતારી કાઢે છે – પણ એની આંખમાંથી આંસુ પડતાં નથી.
શનિચરી હવે પથ્થર ફોડવાનું કામ કરે છે. ત્યાં પુરોહિત આવી પતિ પાછળ પિંડદાન ન કરવા બદલ સૌની વચ્ચે શનિચરીને અભિશાપિત કરતો કહે છે – તારા પતિને નરક મળશે, અને તારી તો શીય દશા થશે મર્યા પછી. પણ શનિચરી પાસે પૈસા નથી. કાજકરમના પ૦ રૂપિયા ક્યાંથી લાવે! એકદમ એ પોતાને કહે છે – ‘રો શનિચરી રો, રો શનિચરી રો’—એમ હિસ્ટિરીક વેગથી બોલતી, પથ્થર ફોડતી બેહોશ બની જાય છે. શનિચરી છેવટે જમીનદારને ત્યાં પોતાને તથા પુત્રને બંધક રાખી ૫૦ રૂપિયા લાવે છે. પિંડદાન કરે છે. પછી બજારમાં ધાબળા-ધાબળી વેચવા બેસે છે. સૌની નજર એના રૂપ પર મંડાતી રહે છે – ગમે તેવા ‘રાંડ-વેશ્યા’ જેવા શબ્દો સાંભળવા પડે છે. ઓછામાં પૂરું મોટો થયેલો દીકરો બુઘવો (રઘુનાથ યાદવ) મુંગરી નામની એક બદચલન ઔરતને શનિચરીના વિરોધ છતાં ઘરમાં વહુ તરીકે લાવે છે. શનિચરીને ખબર પડે છે કે એના પેટમાં ગર્ભ છે, એટલે તો એને કાઢી મૂકે છે. પણ પછી ખબર પડે છે કે એ ગર્ભ એના દીકરાથી જ છે, એટલે મુંગરીને ત્યાં જાય છે – સમાચાર મળે છે – મુંગરીને બચ્ચા ગિરા દિયા. મુંગરી શનિચરીને કહે છે – ‘વહ તેરા પોતા થા.’ બિખનીને આ વાત કરતાં ઊંડો નિસાસો નાખતાં શનિચરી કહે છે, ‘વંશ ખતમ હો ગયા.’ પછી તો દીકરો પણ ભાગી ગયો છે. બિખની શનિચરીને કહે છે કે, ‘તૂ ભી રુદાલી હો જા.’ શનિચરી કહે છે કે ‘પતિ મર્યો ત્યારે પણ નથી રોઈ, પુત્ર જતો રહ્યો ત્યારે પણ નથી રોઈ, તો હવે કેવી રીતે રોઉં. અબ તો વખત કી બાત હૈ – કરમકૂટી શનિચરી કે લિયે.
બિખની કહે છે –‘રો લે શનિચરી, રો લે, યહી તો વખત હૈ, માતમ કર, અપની નફરત નિકાલને કો. તૂ રુદાલી બનેગી, માતમ કરેગી.’ પછી કહે છે – ‘હમ દોનોં રુદાલિયાઁ હોંગી.’
બિખનીના આ છેલ્લા ઉદ્ગારમાં એક સંદર્ભ છે. બિખની પાછી કહે છે – ‘હવે હું અહીં તારી સાથે જ રહીશ.’ બિખની એને શિખવાડે છે કે એક અંજનથી કેવી રીતે આંખમાં બનાવટી આંસુ લાવવાં, કેમ કૂટવું વગેરે. ધીમા ઉદ્ગારે રુદન કરીને બતાવે છે કે કેવી રીતે મરનાર પાછળ રોવું, શનિચરી કૌતુકથી જુએ છે.
એક દૃશ્ય છે. ઘરમાં બે ખાટલા પાસે પાસે પાથર્યા છે. જાણે આ બે સ્ત્રીઓ એકબીજાનાં સુખદુઃખની સાથી બની – રુદાલીનો વ્યવસાય કરી જીવનનિર્વાહ ચલાવશે.
વળી બિખની એક ભીષમ દાદાની વાત કાઢે છે. નૌટંકીના ભીષમ દાદા. બિખની પણ નૌટંકીમાં કામ કરતી. પછી કહે છે – ‘તું મારી વાત સાંભળીશ તો રો પડેગી પણ તું એક વાર છોટે માલિક કો જાકે મિલ લે. તૂઝે યાદ કરતે થે.’ એટલામાં બિખનીને કોઈ તેડવા આવે છે. ‘ભીષમ દાદા છેલ્લી ઘડીએ છે.’ બિખની એકદમ પેલા તેડવા આવનાર સાથે જાય છે. શનિચરી જમીનદાર લક્ષ્મણસિંહને ત્યાં જાય છે.
થોડા દિવસ પછી કોઈ શનિચરીને આવીને કહે છે – ‘બૂરી ખબર હૈ – બિખની મર ગઈ.’ પછી ઉમેરે છે – બિખનીને મરતે વક્ત કહા થા કિ શનિચરી સે કહના – ‘વહ તેરી માઈ થી.’
શનિચરીને જ નહિ, પ્રેક્ષકને પણ બધા અંકોડા મળી જાય છે. શનિચરી સન્ન બની જાય છે. ત્યાં લક્ષ્મણસિંહને કોઈ આવી સમાચાર આપે છે – ‘બડો હુકમ પરલોક સિધાર ગયે, માલિક!’
બિખની તો હવે નથી. શનિચરી હવે રુદાલી બનશે. બુઢ્ઢા જમીનદારનું માતમ મનાવશે. તે એક પૈશાચિક હાસ્ય કરે છે. બિખનીએ એને બનાવટી આંસું પાડતાં શીખવ્યું હતું પણ જમીનદારનું માતમ મનાવતાં એને બિખની યાદ આવે છે–બિખની એની ‘માઈ’..? જાણે અંદરથી આજ સુધી રૂંધાયેલું રુદન બહાર નીકળવા કહે છે. પહેલાં તો કોઈ જાનવરના ગળામાંથી નીકળે એવો અસ્વાભાવિક આર્ત ચિત્કાર શનિચરીના ગળામાંથી નીકળે છે અને પછી ડૂસકે ડૂસકે રડવા લાગે છે. સાચું રુદન. અનેક મોતનાં અત્યાર સુધી રોકી રાખેલાં આંસુ છલકાય છે. શનિચરી ખરી રુદાલી બને છે.
અહીં ડિમ્પલના અભિનયની પરાકાષ્ઠા જોવા મળે છે. (શું આ જ બોબીનો રોલ કરનાર ડિમ્પલ છે!) ફિલ્મ જે દૃશ્યથી ઊઘડી હતી, તે માતમનું દૃશ્ય ઊઘડી ‘ધીરે ચલો… ધીરે ચલો…’ ગીત સાથે વિલીન થતું જાય છે.
સહૃદય પ્રેક્ષકો ભારે હૈયે ઊભા થાય છે – જાણે ભીતર કંઈક પીગળે છે!૨૭-૭-૯૩