ચૈતર ચમકે ચાંદની/હજાર ટાપુઓના સ્વપ્નલોકમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
હજાર ટાપુઓના સ્વપ્નલોકમાં


આપણા દેશમાં કોઈ પણ સ્થળે ભ્રમણ અર્થે નીળ્યા હોઈએ તો એ સ્થળનો લાંબો ઇતિહાસ હોય, જે ત્રણચાર હજાર વર્ષના ભૂતકાળમાં લઈ જાય, અને જો પુરાણોમાં એનો ઉલ્લેખ હોય તો પછી એવીય ગણતરી કરવાની રહેતી નથી, કાલ અનંતકાલ બની જાય છે. એવું કોઈ પણ પ્રાચીન દેશ માટે હોવાનું. આ વળી એશિયા યુરોપના આ પ્રાચીન દેશોમાં ભમનાર યાત્રિકને અનેક પુરાણા કોટકિલ્લા, મંદિર, મસ્જિદ, શિલ્પ, સ્થાપત્યની દીર્ઘ સુદીર્ઘ સમૃદ્ધ પરંપરા ચકિત કરી દેવાની.

અમેરિકાને આ બન્ને નથી. આજના અમેરિકાનો ઇતિહાસ કેટલો? આ હજી હમણાં જ કોલંબસે એને કિનારે પગ મૂકી ‘સભ્ય’ દુનિયાને આ મહાદ્વીપના અસ્તિત્વ વિષે ખબર આપ્યા. માત્ર પાંચસો વર્ષ વહ્યાં છે. જ્યારે એ અમેરિકા આજે સંસારનો સૌથી શક્તિશાળી દેશ ગણાય છે. વયની દૃષ્ટિએ તો યુરોપ એશિયાની સંસ્કૃતિઓ આગળ એની ગણતરી જ ન કરવાની હોય. એનો કોઈ પ્રાચીન ઇતિહાસ નથી, પ્રાચીન કલાવારસો નથી.

પરંતુ અમેરિકા ખંડ તો હતો જ, અને ચાહે ઇતિહાસ કે કલાવૈભવનો પ્રાચીન વૈભવ ન હોય, પણ એનાં કુંવારાં જંગલો, નાયગરા જેવા જલપ્રપાતો, ગ્રાન્ડ કેન્યન જેવાં લાખો વરસના પટે કોતરાયેલાં કોતરો, સેન્ટ લૉરેન્સ જેવી સાગરોપમ સરિતાઓ અને કંઈ કેટલુંય છે, જે છેક દુનિયાના આદિમ સમયનાં પગલાંની છાપ સાચવતાં લાગે.

આપણે અમેરિકાની નગરસંસ્કૃતિથી પરિચિત છીએ. અમેરિકા એટલે ન્યૂયૉર્ક, વૉશિંગ્ટન, શિકાગો, લૉસ ઍન્જલિસ કે સાન્ફ્રાન્સિસ્કોની ધરી. અમેરિકા એટલે ભૌતિક સમૃદ્ધિ. અમેરિકા એટલે ધનસંપત્તિ. આ બધું ખરું છે, પણ એટલું જ ખરું નથી. અમેરિકાનું એક રૂપ તે આરણ્યક છે, વન્ય છે, આદિમ છે. યુરોપ એશિયાના દેશોની લાંબી પરંપરામાં તે ખંડોનાં ઘણાં અરણ્યો નષ્ટ થઈ ગયાં છે, ઘણી નદીઓ અલ્પજળા થઈ ગઈ છે, અમેરિકામાં એવું ઘણું છે, જે એકદમ પ્રાચીન કાળ સાથે જોડી દે. એ કાળે સંભવ છે માણસનાં પગલાં પણ પૃથ્વી પર ન થયાં હોય. રિયો કોલોરાડો-કોલોરાડો નદીએ લાખો વરસના પટે સર્જેલો ગ્રાન્ડ કેન્યન દાખલા તરીકે.

પણ અહીં હું એવી ભવ્યતાનો અનુભવ કરનાર બીજા એક સ્થળમાં લઈ જાઉં છું અને એ સ્થળ તે થાઉઝન્ડ આઇલૅન્ડ્ઝ અર્થાત્ હજાર ટાપુઓ.

બે વર્ષ પહેલાં જોયેલા હજાર ટાપુનું સ્મરણ આજે જાણે ભુલાઈ ગયેલા સ્વપ્નોની સ્મૃતિમાં ચિરઅંકિત અદ્ભુત જળભૂમિમય લેન્ડસ્કેપ. હજાર ટાપુ અધર લોકમાં જાણે જોયા છે. અદ્ભુત, પ્રથમ દર્શને થોડા રહસ્યમય હજાર ટાપુ, હજારથી વધારે (૧૭૯૨) ટાપુઓની વસ્તી એક વિરાટ નદીમાં.

હજાર ટાપુની એક વસ્તી અલગ હસ્તી ધરાવતી. ભાતભાતના આકારોથી શોભતા, એકબીજાથી નજીક છતાં એકબીજાથી અસ્પૃષ્ટ. આધુનિક મનુષ્યની નિયતિ જેવા! હિંદી નવલકથા ‘નદી કે દ્વીપ’માં આવે છે તેમ એક એક મનુષ્ય એક એક અલગ ટાપુ જેવો છે. અહીં ઉપમા ઉલટાવીને કહી શકાય કે એક એક ટાપુ એક એક અલગ એકાકી મનુષ્ય જેવો છે. ૧૭૯૩ ટાપુઓની વસાહત તે થાઉઝન્ડ આઇલેન્ડ્ઝ. આ વસ્તી વધતી નથી, ઘટતી નથી.

હિમગિરિનું કોઈ શિખર જોતાં જેમ ઉદ્ગાર નીકળે અદ્ભુત! કન્યાકુમારી આગળ ત્રણ મહાસાગરોનું મિલન જોતાં જેમ ઉદ્ગાર નીકળે : અદ્ભુત! પ્રચંડ ધુઆંધાર નાયગરા જોતાં જેમ ઉદ્ગાર નીકળેઃ અદ્ભુત! ગ્રાન્ડ કેન્યન જોતાં જેમ એક ઉદ્દગાર નીકળે: અદ્ભુત! તેમ અમેરિકા-કૅનેડાની સરહદે આ સેન્ટ લૉરેન્સના ઉપરવાસમાં હજાર ટાપુ જોતાં બોલી પડાય: અદ્ભુત! સાચે જ આ પ્રકૃતિનું અદ્ભુત લીલારૂપ છે!

ન્યૂયૉર્ક નગરની અભ્રભેદી અટ્ટાલિકાઓ અને ત્યાંની ચહલપહલ, ત્યાંનાં મ્યુઝિયમો અને બ્રોડવેનાં નાટક જોયા પછી ન્યૂયૉર્ક રાજ્યની ઉત્તર પૂર્વમાં લગભગ ૨૦૦ માઈલ દૂર સસ્કોહાના (આદિવાસી રેડઇન્ડિયન નામ લાગે છે) નામની રમણીય નદીને કાંઠે એક અરણ્યછાયી ટેકરીના ઢોળાવ પર વસેલા વેસ્તાલ ગામમાં અમે થોડા દિવસ આરતી અને પુલિન શાહને ત્યાં રહ્યાં. આરતીએ અગાઉથી કહી રાખેલું કે તમે અહીં આવશો એટલે આપણે થાઉઝન્ડ આઈલૅન્ડ્ઝ જઈશું જ જઈશું. અહીં આવનારમાંથી નાયગરા તો ઘણા જાય છે, પણ થાઉઝન્ડ્ઝ બહુ જતા નથી. એક શનિ-રવિએ નાયગરા જોઈ એવું લાગેલું કે આ ઈશ્વરનું જ એક વિરાટ રૂપદર્શન છે. જળની કેવી તો લીલા! હજાર ટાપુ પણ જળની જ લીલા.

જુલાઈ મહિનો હતો. વહેલી સવારે અમે વેસ્તાલથી નીકળ્યાં. એ વખતે ધુમ્મસ હતું. હવામાન ખાતાની આગાહી તો સ્વચ્છ આકાશની હતી, પણ સરિતા સસ્કોહાનાએ તો જાણે ધુમ્મસની ચાદર ઓઢી હતી. બીંઘમટન નગર વટાવી આગળ નીકળ્યાં ત્યાં થોડી વાર તડકો નીકળ્યો, ત્યાં વળી પાછું ગાઢ ધુમ્મસ. પુલિને ગાડીનાં વાઇપર્સ ચાલુ કર્યા. એ ધુમ્મસ નહીં, વરસાદ વરસી રહ્યો હતો. સડક ઉપર અનેક મોટરગાડીઓ સપ્તાહાન્ત માટે જતી હતી. અમને ચિંતા થઈ કે હજાર ટાપુઓમાં નૌકાયાત્રા થશે કે નહીં.

ટેકરીઓનો વિસ્તાર, પછી ખેતરો. સિરેક્યુસ શહેરના પાદરેથી પસાર થયા. અહીં વરસાદ નહોતો. અમે હજાર ટાપુઓના વિસ્તાર પાસે પહોંચવામાં હતાં. પુલિન કહે : પહેલાં થોડું જમી લઈએ. એક પાર્કમાં અનેક પ્રવાસી વિખરાયેલાં હતાં. અમે પણ એક સ્થળ શોધી લીધું.

પછી જેવાં એલેક્ઝાન્ડ્રિયા પહોંચ્યાં કે વિશાળ જળવિસ્તાર, એમાં તરતી હતી નાનીમોટી નૌકાઓ અને હોડીઓ. અંકલ સામ કંપનીની એક બોટ ઉપાડવામાં હતી. હું અને ડૉ. અનિલા દલાલ બેસી ગયાં. આરતી-પુલિન થોડાં અઠવાડિયાં પહેલાં જ અહીં આખો દિવસ પાણી પર વિતાવી ગયેલાં. બોટ યાત્રીઓથી ભરેલી. તેમાં કોઈ ભારતીય દેખાયા નહીં. નાયગરામાં તો ભારતીયો અવશ્ય હડફેટે ચઢી જાય.

થોડી વારમાં બોટે લંગર ઉપાડ્યાં. એ સાથે ગાઇડની વાક્ધારા પણ શરૂ થઈ. જેવી બોટ પ્રવાહ વચ્ચે આવી કે સેન્ટ લોરેન્સ નદીનો વિશાળ જળરાશિ જોઈ ચકિત. નદીનાં આટલાં જળ! વાત એમ છે કે ઉત્તર અમેરિકાના વિશાળ લેક ઓન્ટારિયામાંથી આ નદી નીકળે છે. પોતાના મૂળ આગળ એ ઘણી પહોળી છે, અને ત્યાં આ હજાર ટાપુ રચાયા છે.

સેન્ટ લૉરેન્સ એ નદીનું મૂળ નામ તો ન જ હોય. એ નામ તો જાક કાટિઅરે ઈ. ૧પ૩૪માં આપેલું. સસ્કોહાનાની જેમ એનું પણ કોઈ રેડ ઇન્ડિયન નામ હશે. છેક ૧૪૯૨માં કોલમ્બસે અમેરિકા પર પગ મૂક્યો. પછી આ બધા વિસ્તારનો ઇતિહાસ, ખાસ તો હજાર ટાપુઓ પરના અધિકારનો ઇતિહાસ અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચેની લડાઈઓનો છે (જેમ કૅનેડાના કૅબેક રાજ્યનો ઇતિહાસ). આદિવાસી ઇન્ડિયનો લગભગ સાફ થઈ ગયા. અનેક ટાપુઓને ફ્રેંચ નામ મળી ગયાં. મૂળ નામોની શોધ ક્યાં કરવી?

કારણ કે આ ટાપુઓનું નિર્માણ હજાર બે હજાર વરસની વાત નથી. લાખો-કરોડો વરસનો સમય-વિસ્તાર છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ હિસાબ કાઢ્યો છે, સમયનો અને રચનાનો. કરોડ વર્ષ પહેલાં હજાર ટાપુઓની રચના શરૂ થયેલી! આપણી તો કલ્પના પણ ન પહોંચે.

અમારી બોટ આ ટાપુઓ વચ્ચે ફરી રહી છે. ગાઇડ બન્ને બાજુએ આવતા ટાપુઓની નામકથાઓ કહેતા જાય છે, પણ કેટલાં નામ યાદ રહે? એ સમજાવે આ ટાપુનો આકાર ડેવિલની ભઠ્ઠી જેવો છે. એનું નામ ‘ડેવિલ્સ ઑવન’. આ ટાપુનો આકાર હૃદય જેવો છે. એનું નામ ‘હાર્ટ આઇલૅન્ડ’. આ ટાપુ પર એક કૅસલ છે. ‘કૅસલ આઇલૅન્ડ’, આ ‘હનિમૂન આઇલૅન્ડ’! જમણી બાજુ નજર કરીએ ત્યાં ડાબી બાજુ ટાપુ, ડાબી બાજુ નજર કરીએ ત્યાં જમણી બાજુ. હર્યાભર્યા ટાપુઓ વચ્ચે કોઈ ભુલભુલામણીનો માર્ગ.

એક ટાપુ કમ્ફર્ટ આઇલૅન્ડ. માત્ર એક નાનકડું મકાન એની ઉપર છે અને આજુબાજુ થોડી હરિયાળી. ચારેકોર પાણી. આવા ટાપુ પર રહી પડીએ તો? આપણે પણ ટાપુ બનીને રહીએ. લોકાલયથી અસ્પૃષ્ટ.

કેટલીય બોટોમાં અને સ્પીડ બોટોમાં પ્રસન્ન માનવી વદનો. ગાતાં જાય, રૂમાલ ફરકાવતાં જાય, અભિવાદન કરતાં જાય. શરીરે કપડાંની કસર ઘણી.

ટાપુઓ વચ્ચે ભૂરા જળની નદીને ક્યાં શોધવી? ટાપુને કાંઠે ઘર. અંદર ઘર, હરિયાળી વચ્ચે ઘર. હજાર ટાપુ, હજાર ઇતિહાસ. ક્યાંક ચાર-પાંચ ટાપુ પાડોશીની જેમ નજીક નજીક પણ હોય. અમારી બોટ જરા ધીમી થઈ. અમેરિકા-કૅનેડાની જળ-સરહદ અને દુનિયાનો ટૂંકામાં ટૂંકો આંતરરાષ્ટ્રીય પુલ, જાણે નાનકડો રમકડાંનો પુલ. બે ટાપુને જોડતા પુલને એક છેડેનો ટાપુ તો સાવ નાનો. પણ એક ટાપુ અમેરિકાનો, એક કૅનેડાનો એટલે આ આંતરરાષ્ટ્રીય પુલ.

એક ટાપુ પર અમે ઊતર્યાં પણ ખરાં. બોલ્ટ કાસલ ટાપુ. કિલ્લો ખરો પણ ઇતિહાસ કેટલો? સો વર્ષનો પણ નહીં. ૧૯૦૦માં જ્યૉર્જ બોલ્ટ નામના માણસે પોતાની પત્નીને ભેટ આપવા કિલ્લો ચણાવવો શરૂ કર્યો, પણ પત્નીનું અવસાન થતાં અધૂરો જ રાખી દીધો. માણસને કેવી કેવી ખ્વાહેશો હોય છે? પણ ઈશ્વરનેય ખ્વાહેશો હશે ને? માણસને નમ્ર બનાવવાની.

વાદળછાયો દિવસ રહ્યો, પણ વરસાદ પડ્યો નહીં. સ્વચ્છ તડકો હોત તો જુદો મિજાજ ઊઘડ્યો હોત આ સૌન્દર્યલોકનો. મેઘલા દિવસનો મિજાજ જુદો. હજાર ટાપુઓ વચ્ચે ભમતાં ભમતાં એવું થાય કે દુનિયાનાં બધાં કામકાજ છોડી થોડા દિવસ એકાદ ટાપુ પર રહી પડીએ. શું રોબિન્સન ક્રુઝો..

પણ ક્યાં? પુત્રવધૂ ઇન્દુ અને એના ભાઈ અશોક મોન્ટ્રિયલથી મને લેવા આવી ગયાં હશે અને કિનારે રાહ જોતાં હશે. દુનિયાને ક્યાં છોડાય છે? જળમાં ટાપુ પર રહેવાની કલ્પના કરું ત્યાં આ વિચારે નક્કર ભોંય પર લાવી દીધો.

એ વખતે તો નક્કર ભોંય પર ઊતર્યાં અને પછી દિવસો, મહિના વીતી ગયા છે. સમયને આટલે અંતરે ઊભા પછી હવે હજાર ટાપુઓ એક કલ્પનાલોક જ લાગે છે. એક સ્વપ્નલોક. એ સ્વપ્નલોકની ભુલભુલામણીમાં મારી નૌકા ઘણી વાર વહે છે, એમાં હું એકમાત્ર યાત્રિક છું, ટાપુઓ વચ્ચે નૌકા ધીરે ધીરે સરે છે, કોઈ ટાપુ પર એ કેમ લાંગરતી નથી?

૧૬-૨-૯૨