ચૈતર ચમકે ચાંદની/હું કેવી જાતનો માણસ છું?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
હું કેવી જાતનો માણસ છું?

ચીન અને ભારત એવા પાડોશી દેશો છે, જે અત્યંત પ્રાચીન સંસ્કૃતિ ધરાવે છે. એટલું જ નહિ આ બન્ને દેશો વચ્ચે પ્રાચીન કાળથી પાડોશી સંબંધો રહ્યા છે. પાડોશીઓ વચ્ચે જેમ મૈત્રી હોય તેમ વૈમનસ્ય પણ હોય.

ચીન અને ભારતને નિકટ આણવામાં બૌદ્ધ ધર્મે મહાન ભાગ ભજવ્યો છે. ગૌતમ બુદ્ધે પ્રબોધેલો ઉપદેશ હિમગિરિની ઊંચાઈઓને પણ પાર કરી, સાત સાગરોનાં જળ ડહોળી દૂર-સુદૂર પ્રસરી ગયો. ભારતમાંથી બૌદ્ધ સાધુઓ તિબેટ-ચીન ગયા અને ત્યાંથી સાધુઓ આ દેશમાં પણ આવ્યા. જાપાનમાં ‘ઝેન’ બૌદ્ધમત તરીકે ઓળખાતો આ ધર્મ ચીન દ્વારા ત્યાં પહોંચ્યો. ‘ઝેન’માં મૂળ સંસ્કૃત શબ્દ છે ‘ધ્યાન’.

બૌદ્ધ ધર્મ એક વેળા આપણા આખા દેશમાં વ્યાપ્ત હતો, તે હવે તો નામશેષ જ ગણાય. અનેક ધર્મગ્રંથો, નાલંદા કે વિક્રમશીલા જેવાં વિદ્યાલયોનો ઇસ્લામી આક્રમણકારો દ્વારા વિધ્વંશ થતાં નાશ પામ્યા. જે જળવાયા છે તે તિબેટી-ભોટ ભાષામાં કે ચીની ભાષામાં અનુવાદ રૂપે.

ચીન અને ભારતની સાહિત્યિક પરંપરા પણ અત્યંત પ્રાચીન છે. સંસ્કૃત સાહિત્ય અને પ્રાચીન ચીની સાહિત્ય વિશ્વસાહિત્યનો ગૌરવપૂર્ણ વારસો છે. પરંતુ, સંસ્કૃતમાં કોણ કવિ ક્યારે થયા, ક્યાં થયા, કેવા સંજોગોમાં કવિતાઓ રચી – કશુંય જાણી શકવાનાં સાધનો નથી. કાલિદાસ જેવા કાલિદાસનો ચોક્કસ સમય પણ નક્કી કરી શકાતો નથી, ચીની કવિઓ વિશે એવું નથી. ચીન-જાપાનની લેખનપરંપરા કે ઇતિહાસપરંપરા જે કહો તે અનેક કવિઓ ચિંતકોનાં સમય-સ્થળની હકીકત તો આપે, એ કવિઓની અમુક કવિતાઓ કેવી સ્થિતિમાં લખાઈ, કઈ ઘટનાને આધારે લખાઈ તે પણ કહે. જાપાનના પ્રાચીન કવિઓ વિશે પણ એવું છે.

બીજી જે પાયાની વિભિન્નતા છે તે એ કે સંસ્કૃત કવિતા લગભગ પરલક્ષી છે. ચીની કવિતા ઘણુંખરું આત્મલક્ષી છે. ઘણી વાર તો લાગે કે જે તે કવિની કવિતામાં લખેલી ડાયરીઓ. પોતાની અંગત વાત તો હોય, મિત્ર વિશે પણ હોય, મિત્રને મળવા જવા વિશે, ન મળવા જવા વિશે, પુત્ર-પરિવાર વિશે, પોતાના સમયના રાજવીઓ કે અમીર- ઉમરાવોના વર્તન વિશે, ગરીબો વિશે, ખેડૂતો વિશે પુષ્કળ કવિતાઓ મળે, પ્રકૃતિ તો હોય જ.

ચીની ડહાપણ – Wisdom કહેવતરૂપ બની ગયું છે. આ સમયમાં પણ એના પરચા મળી રહે છે. પણ એ રાજનીતિનું ડહાપણ છે. હું જે ડહાપણનો નિર્દેશ કરું છું તે જીવન વિશેના ચિંતન અંગે, ધર્મ વિશે, માનવીય વ્યવહાર-આચરણ વિશે.

હમણાં એક ચીની કવિનો કાવ્યસંગ્રહ હાથમાં આવ્યો છે, એટલે થયું કે ચાલો, એ નિમિત્તે કંઈક વાત કરું. રજાઓ પડી ગઈ છે એટલે મનપસંદ વાંચવાને મોકળાશ મળી જાય છે. દિલ્હીની સાહિત્ય અકાદેમીએ ઘણાં સુંદર પુસ્તકોના અનુવાદો પ્રકટ કર્યા છે, તે લઈ આવેલો. તેમાંથી કેટલાક ફેંદવાની શરૂઆત કરી, જેમાં બાઈ જુઈ નામના આઠમી-નવમી સદીમાં થઈ ગયેલા કવિની ‘બાઁસ કી ટહનિયાઁ’ નામથી થયેલો સુંદર રીતે છપાયેલો અનુવાદ છે. બાઈ જુઈનો આપણે ત્યાં પરંપરાગત ઉચ્ચાર છે બાઈ ચુઈ, પરંતુ અનુવાદક પ્રિયદર્શી ઠાકુરે હિન્દી જાણનાર ચીની વિશેષજ્ઞોને પૂછીને બાઈ જુઈ ઉચ્ચાર આપ્યો છે.

આ બાઈ જુઈ ચીનના દરબારમાં એક વહીવટકર્તા હતો, અને છતાં જિંદગી આખી તમામ જગતની ચિંતાઓ કરતો રહ્યો. ‘સારે ગાઁવ કી ફિકર મેં’ એના વાળ નાની વયે ધોળા થઈ ગયા હતા. જોકે, એ કવિ પોતાની એક કવિતામાં એ વાતથી ચિંતિત છે કે એનો તરુણ ભત્રીજો પણ કવિતા લખવા માંડ્યો છે:
હું એને સમજાવું છું

કવિ થવું

અત્યંત કડવાશભર્યું છે

મને જ જોઈ લે

ચાલીસનોય થયો નથી

ત્યાં વાળ બધા

ધોળા થઈ ગયા છે

એટલે આ કવિના વાળ ધોળા થવાનું કારણ તો અત્યંત ગંભીરપણે ‘કવિ’ થવાને કારણે છે. (કાલિદાસ કે ભવભૂતિમાંથી આવી ઉક્તિઓ, આપણને કદીક જો મળી હોત! એમના જીવનને બહેતર જાણત.)

બાઈ જુઈ પોતે તો અમલદાર હતા અને પ્રમાણમાં સુખી હતા, તેમ છતાં તેમનું હૃદય અભાવગ્રસ્ત ગરીબો માટે હંમેશાં બળતું રહેતું. રાજાઓ, રાણીઓ એમના દરબારીઓના અમનચેન પાછળ થતા ખર્ચા જોઈ એનો આક્રોશ પ્રકટ થયા વિના રહ્યો નથી. ભૂખ્યા જનોના જઠરાગ્નિની વાત ચીનમાં માર્ક્સવાદનાં ક્યાંય પગરણ પણ નહોતાં ત્યારે આ કવિએ કરી છે, સહજ માનવીય અનુકંપાથી.

એક શિયાળામાં હાડ કંપાવતી ઠંડીમાં ઉત્તર દિશાથી શીત લહર (કોલ્ડ વેવ) વ્યાપી જતાં, દસ પરિવારોમાંથી આઠ પરિવારોની દશા તો એવી છે કે, તન ઢાંકવા કપડાં નથી, તલવારની તીક્ષ્ણ ધાર જેમ ઠંડી એમના ટુકડે-ટુકડા કરતી હતી :
ગામના લોકો

ઘાસ અને કાંટાનું તાપણું કરી

આજુબાજુ ઠૂંઠવાઈ બેઠા હતા

ઉદાસ અને વ્યાકુળ

સૂરજ નીકળવાની રાહ જોતા

આવી ભયંકર શીત લહરમાં

સૌથી વધારે ભોગવે છે

ખેડૂત અને મજૂર

હું મારા ભણી જોઉં છું –

મારા દરવાજા તરફ

જે ધડામ કરતો બંધ થાય છે

જોઉં છું રૂંવાવાળા ચામડાથી બનેલો

મારો પોશાક અને બેવડી રેશમી રજાઈઓ

ઓઢીને બેસું કે સૂઈ જાઉં

લહેરમાં છું

નથી મને ભૂખ સતાવતી

કે નથી ઠંડી

બહાર નીકળી ખેતરોમાં કામ

પણ નથી કરવાનું મારે –

આ જોઈને

મને મારા ઉપર શરમ આવે છે

અને મને જ પ્રશ્ન કરું છું –

‘હું કેવી જાતનો માણસ છું?’

આ કવિતા બાઈ જુઈએ ઈ. સ. ૮૧૩માં પોતાના બાપ-દાદાના ગામમાં લખી હતી. (કોઈ સરકારી પરિપત્રની જેમ) કવિતા સ્વયંસ્પષ્ટ છે.

ગરીબોની સ્થિતિ જોઈ આ ‘અધિકારી’ કવિ આત્મનિરીક્ષણ કરે છે. સામાન્ય અધિકારી વર્ગની જેમ એમની ચામડી જાડી થઈ ગઈ નથી. એક બીજી કવિતામાં વર્ણન છે : લણણી સમયે ખેડૂતો જ્યારે ખેતરો અને ખળાંમાં કામમાં ડૂબ્યા છે ત્યારે કવિ એક ગરીબ સ્ત્રીને આવતી જુએ છે, પીઠ ઉપર બાળક છે અને જમણા હાથમાં ઘઉંની થોડી ઉંબીઓ, ડાબા હાથમાં હતી ખાલી ટોપલી. એ સ્ત્રી કહે છે કે, જે પાકે છે તે તો બધું વેરામાં, દેવામાં જતું રહે છે, પેટ ભરવા તો આમ ખેતર-ખળામાં કાપણી પછી પડી રહેલી ઉંબીઓ વીણ્યા સિવાય આરો નથી. કવિ કહે છે કે, તો પછી મને શો અધિકાર છે, મારામાં એવો શો ગુણ છે કે, મને પગારપેટે વર્ષમાં ત્રણસો મણ ધાન આપવામાં આવે છે? ‘ફસલ’ નામની એક અન્ય કવિતામાં એક ગરીબ ખેડૂતને પૂરા કુટુંબ સાથે મહેનત કરવા છતાં, પૂરતું ખાવા પહેરવા નથી મળતું. એ જોઈ કવિ કહે છે કે, ‘મને શરમ આવી જાત પર કે કદી કોઈ ફસલ મેં ઉગાડી નથી અને છતાં પેટ ભરીને ખાધા કીધું છે.’

‘લાલ ગાલીચો’ કવિતામાં એક ગાલીચો તૈયાર કરવામાં કેટલા કોશેટાને ગરમ પાણીમાં ઉકાળી રેશમ ઉતારવામાં આવે છે, ત્યાંથી માંડી ગાલીચો તૈયાર કરવામાં કેટલા બધા માણસોનો પરિશ્રમ રેડાય છે, તેની વાત કરતાં કહે છે કે, એક બાદશાહને ખુશ કરવા એક લાલ ગાલીચો બનાવવા જમીન-આકાશ એક કરી દેવામાં આવે છે. એમ કહી પછી કવિ હાકેમોને પૂછે છે :
તમને ખબર છે બધી તકલીફોની?

આ ગાલીચાના દસ ફૂટમાં પણ

હજારો છટાંક રેશમ વપરાય છે

જમીનને કદી ટાઢ વાતી નથી

ફરસ ઢાંકવા માટે

લોકોની પીઠ પરથી

કપડાં ચોરશો નહિ!

ચીનના એક રાજ્યમાં સમ્રાટો અને રાજકુમારીઓનાં ભવ્ય સ્મારકો રચવા આમજનતાની સંપત્તિ પડાવી લેવામાં આવી હતી. એ વિશે બાઈ જુઈની ‘સ્મારક’ કવિતા વાંચીને તો દિલ્હી નગરમાં જમનાનો જમણો કાંઠો યાદ આવ્યો. આમ ને આમ રાજકર્તાઓનાં સમાધિસ્મારકો બનાવવાનું ચાલશે તો :
થોડાક જ દિવસોમાં

લોકોનાંય ઘર

ફેરવાઈ જશે સ્મારકોમાં!

આ કવિતા ઈ. સ. ૮૦૯માં લખાઈ છે, પણ આપણને થાય કે કવિએ ઈ. સ. ૧૯૯૪માં દિલ્હી નગરમાં ‘ભવ્ય સ્મારકો’ જોઈને ન લખી હોય! ઉત્તમ કવિની વાણીની આ તો ‘કસોટી’ હોય છે કે કોઈ પણ દેશકાળમાં લખાયેલી હોય તે આજની અને અહીંની પણ લાગે. પડોશી દેશ ચીનના બાઈ જુઈની કવિતાઓ એવી છે. એ કવિને જીવનમાં એક જ ચિંતા સતાવતી રહેતી કે, મારી પાછળ થયેલા ખર્ચાનું વળતર આપ્યા વિના આ જગતમાંથી ઊપડી ન જાઉં!

૧૭-૪-૯૪