છંદોલય ૧૯૪૯/કંટકોના પ્યારમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કંટકોના પ્યારમાં

રે આ ચીલા!
શી સ્નિગ્ધ સુન્દરની લીલા!
જે દૂર ને બસ દૂર
અહીંની કંટકે ભરપૂર
એવી ભૂખરી પૃથ્વી પરે થૈને જતા,
શું રુક્ષ કોઈ વૃક્ષ પર જાણે લતા!
શું એહનું દર્શન
અહો, જાણે નયનને સુરમો આંજી જતું!
શું એહનું સ્પર્શન
અહો, જાણે ચરણ તો ચૂમતાં લાજી જતું!
રે આજ આ વૈશાખના બપ્પોરમાં
બળતા પ્રજળતા પ્હોરમાં
જ્યારે સળગતું આભ માથે ને નીચે સૂકી ધરા,
ત્યારે ચીલા લાગે શીતલ જલના ઝરા!
શું એહનાં આકર્ષણો!
આમંત્રણોનાં સ્નેહભીનાં વર્ષણો!
ને તે છતાં છ વિરક્ત મારા ચિત્તને વિરતિ,
અરે કે ત્યાં નહીં મારી ગતિ!
રે ના મને એ સ્નિગ્ધ સુંદરની સ્પૃહા,
હું કંટકોના પ્યારમાં લલકારતો દિલના દુહા!
હું એ ચીલાને છાંડતો,
ને કંટકોને પંથ ચરણો માંડતો,
ત્યાં એહનોયે પ્યાર શો જાગી ગયો,
તે માહરાં બન્ને ચરણને ચૂમવા લાગી ગયો!
ઉપહાસમાં ત્યારે ઊંચેથી છાંય ઢાળી
અભ્ર આવી આભમાં આઘાં ખસ્યાં;
ત્યારે ચરણનું રક્ત ન્યાળી
શું અહો, જાણે ચીલા મુજને હસ્યા!
પણ હુંય તે સામો હસ્યો
કે આ ચીલા જ્યારે ન’તા
ત્યારેય મુજ શા કોઈ પંથીનાં ચરણ પણ રક્તરંગેલાં હતાં,
ને હતો એનેય અંતર મુજ સમો આનંદ પણ ત્યારે વસ્યો!
હું એહનાં એ ધન્ય ચરણોને સ્મરું,
ને કંટકોના પંથ પર હું પ્યારથી ચરણો ધરું!

૧૯૪૮