છંદોલય ૧૯૫૭/લોકલિપિ (જાહેર ઇમારતોની ભીંતો પર)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
લોકલિપિ (જાહેર ઇમારતોની ભીંતો પર)

અહીં દિને દિને ઠરી જતી ન તારકાવલિ,
ક્ષણે ક્ષણે ખરી જતી વળી ન ફૂલની કલિ.
અસંખ્ય આ વ્રણો
સમાજના શરીરમાં, હવે વિશેષ ના ખણો,
અને કહો ન  : ‘ક્યાંય રોગ તો ન’તો,
હતો સમાજ તંદુરસ્ત.’
ભદ્રસુંદરીતણા વિશાલ વક્ષની પરે નખક્ષતો
અહીં કર્યા; હશે કઠોર હસ્ત
ને હશે વિરૂપ આંગળાં
પરંતુ જે હશે ન પાંગળાં,
હશે વિકારયુક્ત રક્ત
કિંતુ ના હજુ અશક્ત,
તંગ શી હશે નસો
ઉછાળતી નવે રસો.
રહસ્યપૂર્ણ આ લિપી ન પ્રેમની,
મરોડદાર મોરપિચ્છથી ન આળખી,
પરંતુ ચાક કોલસા વડે લખી,
લિપી સુસ્પષ્ટ વૈરની, ન વાત લેશ વ્હેમની,
કદીય જેમણે કરી ન ચૅકબુકમાં સહી
પરંતુ એમની જ મૃત્યુલેખમાં
સમાજના અસંખ્ય આ રહી.
અસંખ્ય આ ભવિષ્ય ભાખતાં વિનાશગીતને
કદીક પાંખ જો ફૂટી...
ત્યજી પુરાણ ભીંતને
અવશ્ય લક્ષ્ય વીંધશે સુતીક્ષ્ણ તીર જેમ
સર્વ વેગમાં છૂટી છૂટી!

૧૯૫૬