છિન્નપત્ર/૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુરેશ જોષી

વરસાદથી નાનાં નાનાં ખાબોચિયાં ભરાઈ ગયાં છે તે અહીં બીજે માળે બેઠો બેઠો જોઉં છું. અવાજ અહીં બોદા બોદા સંભળાય છે. સહેજ આંગળી અડાડો તો એ બધા અહીં સિગારેટ પરની રાખની જેમ ખરી પડે. અહીં તું આવે તો હું તને એક અક્ષર નહિ બોલવા દઉં. તારો અવાજ આમ ખરી પડે તે મને નહિ ગમે. શેરીના દીવાનું અજવાળું ખાબોચિયામાં પુરાઈને અકળાય છે. તને ખબર છે – એવું જ, આંસુથી ડહોળાયેલી તારી આંખોમાં કેદ થયેલું, અજવાળું મુક્ત કરતાં મને શું શું વીત્યું હતું? તારી આંખોમાં સરુનાં વૃક્ષોની વીથિકાને વિસ્તરતી જોવી ગમે છે. એ વીથિકામાં થઈને ચાલ્યો જતો હોઉં ત્યારે સરુની શાખાએ શાખાએ મારે માટેનો સંદેશો ઉચ્ચારાતો હોય. આંસુથી તું બધું વહાવી દે છે ત્યારે આંસુની ભંગુર દીવાલ વચ્ચેના શૂન્યના પડઘાને ઝીલવા હું મથું છું ખરો, પણ મને સમજાઈ જાય છે કે આંસુ જે આપે તે આંસુ દ્વારા જ ઝીલી શકાય, ને મારાં આંસુ તો મારું ગામ છોડ્યું ત્યારે મારા ગામના પાતાળઝરણાને સોંપીને આવ્યો છું. દાદાજીએ કહ્યું હતું: ‘હવે તું મોટો થયો. હવે આંખમાં આગ શોભે, આંસુ ન શોભે. માટે જે કાંઈ આંસુ રહ્યાં હોય તે પાતાળઝરણાને સોંપી આવ.’ આથી તું જે આંસુથી આપે છે તે મારાથી ગ્રહી શકાતું નથી, એમાંનું થોડુંક ઝિલાય છે પવનમાં, થોડુંક જળમાં.

અહીં બારીની જગ્યાએ તારી આંખ જડી દઉં તો? અત્યારે તો મારી ઓરડી આંધળી લાગે છે. ખૂણામાંનાં ખુરશીટેબલ ને બાજુમાંનો ખાટલો આંધળાઓ એકબીજાને હાથ વડે ફંફોસીને જુએ તેમ પોતાના પડછાયાઓને લંબાવીને એકબીજાને શોધે છે. એમાં કદિક કદિક એમને વચ્ચે મારા પડછાયાની ઠોકર વાગે છે. પણ આ આંધળી ઓરડી વિશે તને ફરિયાદ નથી કરતો. દરેક એકાન્ત આંધળું હોય છે. અન્ધતાના અન્તહીન સમુદ્રમાં કશું મૂલ્યવાન મોતી તાગવા મેં ઝંપલાવ્યું નથી. મારા નક્કર અન્ધકારને ઓગાળવા જ મેં એમાં ડૂબકી મારી છે. મારા અન્ધકારને માંજીને એ ઝગઝગતા હીરા જેવો કરી આપશે. પછી તું એને સ્વીકારશે ખરી? કે પછી રખેને હીરો ચૂસવાનું મન થઈ આવે એ બીકે નહીં સ્વીકારે?