છિન્નપત્ર/૧૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૫

સુરેશ જોષી

કદાચ બધું જ જુદી રીતે આરમ્ભી શકાયું હોત. આજે કેન્દ્રથી દૂર દૂર સુધી ત્રિજ્યાઓ વિસ્તારીને સ્પર્શરેખા શોધીએ છીએ એ આવશ્યક ન રહ્યું હોત. તું કહેશે: એ નિયતિ, હું પૂછીશ: એ નિયતિને નિયત કરનાર કોણ? તું ધૂર્ત બનીને હસીને કહેશે: આપણે! બસ, ત્યાં આપણી વચ્ચેના સંવાદનું એ ચક્ર પૂરું થશે! ભૂતકાળને વર્તમાનના આદેશ અનુસાર ફરી ગોઠવવાના પ્રયત્નમાં અપ્રામાણિકતા તો છે જ, દીનતા પણ છે, કાયરતા પણ છે, ભવિષ્ય પ્રત્યેની અન્ધતા પણ છે. તું છેલ્લા પત્રમાં લખતી હતી: ‘હમણાં હમણાં તું આત્મનિન્દામાં ખૂબ રાચતો લાગે છે. પહેલાં આત્મશ્લાઘામાં રાચતો હતો. આત્મશ્લાઘા સહ્ય નીવડે, આત્મનિન્દા જુગુપ્સા જન્માવે છે, કારણ કે આત્મનિન્દામાં એ દ્વારા જ આત્મીયને પીડવાની પ્રચ્છન્ન વૃત્તિ હોય છે. એને પ્રચ્છન્ન ન કહેવી પડે એટલી બધી એ ઉઘાડી હોય છે!’ તારું આ પૃથક્કરણ પ્રેમ પોતે કરે તો મને મંજૂર છે, ને તું તો જાણે છે કે પ્રેમનો સ્વભાવ પૃથક્કરણ કરવાનો હોતો નથી. આ વાક્ય લખ્યા પછી, એ વાંચીને, મને જ હસવું આવે છે. પ્રેમ તો કદાચ પૃથક્કરણ નથી કરતો પણ પ્રેમનો સ્વભાવ જાણવાને બહાને આપણે એને કેવો ચૂંથી નાખીએ છીએ!

પણ આજે તને ચીઢવવાને જ કહું છું કે પ્રેમને ભૂતકાળ હોતો નથી, વર્તમાન હોતો નથી, હોય છે કેવળ ભવિષ્ય અથવા પ્રેમ સર્વગ્રાસી છે. બધાંને ભક્ષી જનાર કાળને પણ એ ભક્ષી જાય છે. કેટલા કાળને એ ભક્ષી ગયો છે તેના પર પ્રેમની પુષ્ટતાનો આધાર રહે છે.

હવે તો તું બહુ જ રોષે ભરાઈ હશે એટલે આ પ્રેમમીમાંસાને બંધ કરું. તને બારી પાસે ઊભા રહેવાની ટેવ છે. તું કદી આખી, પૂરેપૂરી, ક્યાંય હાજર રહેતી નથી: અર્ધી બારી બહાર, અર્ધી જ અંદર; અર્ધી આ જન્મમાં, અર્ધી પરજન્મમાં. એક્કી સાથે બેનું ધ્યાન રાખીએ તો તારાં એ બે અડધિયાંને જોડી શકાય, અથવા તો મારા પણ બે ભાગ કરીને એકને દૂર – પરજન્મ જેટલે દૂર – ફેંકી શકાય તો તને પામી શકાય.

નહીં તો તે દિવસે આમ શા માટે બન્યું હોત? તેં જ તો મને આગ્રહ કરીને બોલાવ્યો હતો. આવીને જોઉં છું તો હું દસમાંનો એક હતો, એ બાકીના નવ વડે ગમે ત્યારે ભુંસાઈ જવાની અણી પર હતો. મારી પાસે બેઠી હતી અંજલિ. એણે મારો હાથ એના હાથમાં લઈને મારી વીંટીનો હીરો જોયો હતો – માત્ર એટલી જાહેરાત કરવા કે એ ધારે ત્યારે પ્રગલ્ભ બની શકે છે. આ બાજુ છે અરુણ – એ બધાંની હાજરીમાં એના બે હાથ વચ્ચે તારું મુખ રાખીને તારી આંખોમાં તાકી રહે છે ને તું? જાણે આ બધાથી નિલિર્પ્ત હોય, જાણે તારે મન તું પોતે પણ પારકી અજાણી વસ્તુ હોય તેમ વર્તે છે. અમલ મારી આંખમાં ઈર્ષ્યાનો તણખો શોધે છે. ઘડીભર મને એની, તારી ને બધાંની જ દયા આવે છે. આપણે બધાં બેઠાં હતાં ત્યાંથી દૂર ક્યાંક તારા ને મારા પ્રેમનો વિશ્રમ્ભ વાર્તાલાપ સાંભળતો હું બેસી રહું છું.