છિન્નપત્ર/૨૦
સુરેશ જોષી
તારી બાલ્યવયની ક્રીડાસંગિની ઢીંગલી મારી સાથે છે. લાલ પડદામાંથી ચળાઈને આવતો તડકો એના પર પડે છે ત્યારે મોઢામાંથી લોહી વહી જતું હોય એવું લાગે છે. છતાં એના મુખ પરનું શાશ્વત હાસ્ય તો એમનું એમ જ છે. તેં જો એની આ અવસ્થા જોઈ હોત તો એ ઢીંગલીને ઊંચકીને તરત છાતીસરસી ચાંપી દીધી હોત. પણ કેટલીક વાર હું વિચાર કરું છું: રિલ્કેએ કહ્યું છે તેમ મારી શિરામાં વહેતા લોહીથી મારી આજુબાજુનો અન્ધકાર પણ લાલચટ્ટક થઈ જાય છે તે તેં જોયું છે ખરું?
હવે સૂર્ય ખસ્યો છે, ઢીંગલી સોનેરી હાસ્ય વેરે છે. જાણે એ કોઈ અદ્ભુત લોકોની વાત કરી રહી છે. બારીમાંથી ડોકિયું કરીને સાંભળતો પવન એ સાંભળીને ડોલે છે, પડછાયાઓ પણ હોંકારો પૂરતા ડોલે છે. બપોરે તડકો ઘરમાંથી બધી વસ્તુઓને ચળકાવે છે ત્યારે ઢીંગલી જાણે રાણીની અદાથી દરબાર ભરીને બેઠી હોય એવું લાગે છે. બપોરની નિસ્તબ્ધતા એ જાણે ઢીંગલીની જ અસ્ખલિત વાણી છે. સૂર્ય દૂરથી એને કાન માંડીને સાંભળી રહ્યો છે. મારી બપોરની ચંચલ નિદ્રાના છીછરા પટને આ નિસ્તબ્ધતા છલકાવી દે છે.
નમતા પહોરે પડછાયાઓ લંબાય છે. અરેબિયન નાઇટ્સના બધા જીન બહાર નીકળી આવે છે. પરીઓનું ટોળું બિચારી ઢીંગલીને એકલી મૂકી કોણ જાણે ક્યાં લપાઈ જાય છે. રાક્ષસોની આંખની પાંપણની વચ્ચે નાની કણીની જેમ ઢીંગલી ઢંકાઈ જાય છે. પછી અન્ધકાર વધે છે. ઢીંગલીનો આકાર સાવ ભુંસાઈ જાય છે. હું દીવો કરું છું. વળી શાહી દમામથી ઢીંગલી દરબાર ભરે છે. ચન્દ્રની ચાંદની ખણ્ડણી ભરવા આવે છે. અન્ધકારને હદપાર કર્યો છે. પવન પહેરો ભરે છે. તારાઓ અલકમલકની વાતો કરે છે. મારી રાતની નિદ્રાના ઊંડાણમાં કોઈ પરવાળાનો બેટ રચાઈ જાય છે ને ત્યાં ઢીંગલી રાજસિંહાસને બેઠી છે, મારું ધબકતું હૃદય તે જાણે દૂરથી દોડ્યા આવતા રાજકુમારના ઘોડાના ડાબલા છે. એ દૂરથી આવે છે, બહુ દૂરથી. બસ પછી એ બંનેનું મિલન થયું કે નહિ. શરણાઈ બજી કે નહિ – કોણ જાણે! એક શૂન્યના આવર્તમાં બધું ક્યાંનું ક્યાં ઘસડાઈ જાય છે!
આ શૂન્યનો એકાદ બુદ્બુદ્ તારી આંખમાં આંસુ બનીને કોઈક વાર ચમકે છે ખરો? બધાંની જ ગુપ્ત વાતને દિશાએ દિશાએ જાહેર કરતો પવન મારી એકાદ વાત તારા કાનમાં આજ સુધી કહી ગયો છે ખરો? કે પછી વીતેલાં વર્ષોના પુંજ વચ્ચે ઢીંગલીનો ભંગાર જોતી જ તું કેવળ બેસી રહી છે?
મારું કૃશકાય સુખ હવે એના મુખ પરનું હાસ્ય પણ લગભગ ખોવા બેઠું છે. હું એનો વિલાપ તારી આગળ કરતો નથી, કારણ કે આજ સુધી તેં મારા સુખને જોવા જેટલી તારી વેદનાને અળગી કરી હોય એમ મને લાગતું નથી.