છિન્નપત્ર/૨૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૫

સુરેશ જોષી

તું રોષે ભરાઈ છે. આપણો પ્રેમ ગુહ્ય રહે એમાં જ એની પવિત્રતા છે એમ તું માને છે. તો શું એની પવિત્રતા એટલી બધી વહાલી છે કે એને ખાતર પ્રેમને જ રૂંધીને ગૂંગળાવી મારીએ? પણ આ પ્રશ્ન હું તને પૂછતો નથી. તારી આગળ, તારા રોષ આગળ તો હું અપરાધીની જેમ બેસી રહું છું. હું જાણું છું: One who loves is inferior and must suffer. મારા કાનમાં આ વાક્યના પડઘા પડે છે ને આખરે એક સ્થિતિ એવી આવે છે કે love અને suffer એ બે શબ્દના પડઘા એકબીજામાં એવા તો ગૂંચવાઈ જાય છે કે બંનેને એકબીજાથી જુદા પાડવાનું શક્ય નથી રહેતું. પણ કોઈ વાર તને એમ નથી લાગતું કે આ પ્રેમને ગુહ્ય રાખવાનો તારો આગ્રહ તારી જ કશીક ભીતિમાંથી જ નથી જન્મતો ને? એ પ્રેમ પ્રકટ થઈને જે રૂપે દેખા દે તે રૂપે કદાચ તું એને સહી લઈ શકે કે કેમ એની મને શંકા છે. માલા, પ્રેમની આજુબાજુ જ શંકા, ભય, વેદના કાંઈ કેટલું ઘૂમ્યા જ કરતું હોય છે. એ બધા અનિષ્ટ ગ્રહોની છાયાથી પ્રેમનું ગ્રહણ થયા જ કરતું હોય છે. આથી પ્રેમની પૂરી કાન્તિ ખીલી ઊઠતી નથી. એ જો ખીલી ઊઠે તો એને જોવાનું સૌભાગ્ય જ બધાં અનિષ્ટોને વ્યર્થ કરી મૂકે. ખરું સૌભાગ્ય કપાળમાંનું સૌભાગ્યતિલક નથી, ગળામાંનું મંગલસૂત્ર નથી, પણ પોતાના પ્રેમનું સોળે કળાએ દર્શન પામવું એ છે.

પણ આમાંનું કશું હું તને કહેતો નથી. કારણ કે મને પ્રતીતિ છે કે આપણો પ્રેમ આપણી આગળ તો ગુહ્ય નથી. કદાચ એ પૂરેપૂરો પ્રકટ નથી થયો, પણ એનું કારણ તો એ છે કે એ બૃહત્ છે. જે બૃહત્ છે તે કદી પૂરેપૂરું પ્રકટ થતું નથી. માટે એનો અપ્રકટ અંશ જ એનું રહસ્ય છે, ને એ રહસ્ય જ આપણી વેદનાનું આલમ્બન બની રહે છે.

પણ માલા, કૃતાર્થતાનો એક સાચો ઉદ્ગાર આ બધી મારી મીમાંસાને મિથ્યા બનાવી દેવાને પૂરતો છે, કેટલીક વાર અરુણ કહે છે તે મને સાચું લાગે છે, અરુણ માને છે પ્રાપ્તિમાં, વ્યાપ્તિમાં નહીં. પ્રાપ્તિ ભલે મૂઠીની પકડ જેટલી સાંકડી હોય, એમાં દૃઢતા છે, નિશ્ચિતતા છે. પણ વ્યાપ્તિમાં કેટલા બધા અન્તરનો સરવાળો કરવો પડતો હોય છે? એ એક પણ ભૂલ વિના આપણે કરી શકીએ? આથી જ તો તું કોઈ વાર અકળાઈને બોલી ઊઠે છે: ‘તેં મારી જંદિગીને અનિશ્ચિતતાના વમળમાં ખેંચી આણી છે. એમાં ગતિ છે, પણ તે આંધળી છે. એનું કશું લક્ષ્ય નથી.’ નિશ્ચિત લક્ષ્યની સીધી રેખા એ જ ગતિ છે એ આપણો એક ભ્રમ નથી? એની નિશ્ચિતતા જ ગતિનો છેદ ઉડાવી દે એ સાચું નથી? આપણે સૌ પ્રેમ વિના અનિશ્ચિત છીએ, પ્રેમ વડે જે નિશ્ચિતતા મળે તે જ શું. આપણને ઇષ્ટ નથી?