છિન્નપત્ર/૩૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૪

સુરેશ જોષી

ગાડી દોડી રહી છે. લીલાને ઊંઘ નથી આવતી. માલા સૂઈ ગઈ છે. એનાં સ્વપ્નો પણ મારા પડછાયાથી ભડકે નહીં એટલો દૂર હું છું. નિદ્રાના દ્વીપમાં એ અસ્પૃષ્ટ બનીને છટકી ગઈ છે. જાગતી હોય છે ત્યારેય એ ધારે તેટલી દૂર સરી જઈ શકે નહીં. અગ્રાહ્યતાનો એક જ ગુણ જાણે એણે જંદિગીભર કેળવ્યો છે. લીલા પાસે હજાર વાતો છે. ઘડીક બાળકને રીઝવતી હોય તેમ પરીકથા કહે છે. મને પરીકથાનો રાજકુમાર બનાવી દે છે; તો વળી કદિક રાક્ષસોનું ધાડું ઊભું કરી દે છે. અભિનય કરીને બોલે છે. ખડખડ હસી પડે છે. આંખોમાં ખૂબ ખૂબ ચંચળતા છે. મારે માથેથી સાત સાત જન્મોનો ભાર ઊતરી જાય છે, હળવી તુચ્છતાનો સ્વાદ માણતો હું બેસી રહ્યો છું. લીલા પવનની લહરીની જેમ હળવો સ્પર્શ કરીને ક્યાંની ક્યાં દૂર સરી જાય છે. પછી વાત કરતાં કરતાં જ એની આંખ ઘેરાવા લાગે છે. એ મારે ખભે માથું ઢાળીને આછા અસ્પષ્ટ શબ્દે મારા કાન પાસે કશું બોલ્યે જાય છે: ‘સાત જુગનો પ્રેમ, સાત સાગર ઓળંગીને ઊડતા ઘોડા પર સવાર થઈને …’ વાક્ય પૂરું થતું નથી. હોઠ અર્ધા ખુલ્લા રહી જાય છે, આંખો બિડાઈ જાય છે. હું પણ આંખો બંધ કરું છું, પણ નિદ્રાથી હું સો જોજન દૂર છું. મારાથી સો વાર છેટે બેસીને જાણે મારું હૃદય ધબકી રહ્યું છે. માલાની નિદ્રાના કવચને ભેદી શકાય? એની સ્વપ્નસૃષ્ટિમાં પ્રવેશી શકાય? હું એના ગાલ પર હળવેથી હાથ ફેરવું છું. કાનની લાળીને પંપાળું છું. એના ધનુષાકાર ઉપલા હોઠની રેખાઓને સ્પર્શું છું. એ ધીમેથી આંખ ખોલે છે. આંખમાં નિદ્રાની ખુમારીની રતાશ છે. એ મને ગમે છે. મેં પૂછ્યું: ‘કેમ, કેટલાં સપનાં જોયાં?’ એ કહે, ‘ધાર જોઉં?’ હું કહું છું: ‘સાત.’ એ કહે છે. ‘સાત શા માટે, સાત હજાર કહે ને!’ એ અર્ધી બેઠી થઈ જાય છે ને મારી છાતીએ માથું ટેકવી આરામથી ગોઠવાઈને ઉપર જોઈ મારી સામે નજર માંડી લુચ્ચાઈભર્યું હસે છે, પછી મને મનાવી લેતી હોય એમ કહે છે: ‘કેમ ખોટું લાગ્યું?’ પછી મારા નાકનું ટેરવું દબાવીને કહે છે: ‘નાક બહુ મોટું છે, જરા ટૂંકું કરી નાખું?’ માલા આટલી હળવી બનીને કદી વાત કરતી નથી. લીલા મને હંમેશાં સલાહ આપે છે: ‘તું એને છેડીશ નહીં. એક જૂના ઘાને એ રુઝાવી શકતી નથી.’ આથી હું સાવધ રહું છું. પણ આ સાવધાનતાનો ઘા હું જીરવી શકતો નથી એ લીલા જાણે છે ખરી? માલા કહે છે: ‘જો તો, સપનાની વાત કહું છું. કોઈને કહીશ નહીં. ખૂબ મોટો મહેલ. નાચગાન ચાલે, પણ માત્ર અવાજ સંભળાય, કોઈનું મોઢું દેખાય નહીં. એમાં હું એકલી ફરું. પછી તો મારી પાસેથી કોઈ સરી જાય પણ દેખાય નહીં. આથી હું ગભરાવા લાગી. આમથી તેમ દોડવા લાગી. ત્યાં મારું નામ દઈને કોઈએ મને બોલાવી. હું એ દિશામાં આગળ વધી. હોજને પગથિયે જઈને ઊભી તોય કોઈ બોલાવ્યે જ ગયું. હું જળમાં જઈને સમાઈ ગઈ. જળના તરંગ મને ઘેરી વળ્યા. મારા મુખે એનો શીતળ સ્પર્શ થયો. હું જાગી ઊઠી ને જોયું તો તારી ધૂર્ત આંગળીઓ!’