છિન્નપત્ર/૪૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૨

સુરેશ જોષી

નદીઓના સૂના કિનારા, પર્વતનાં શિખરોની નિર્જનતા, માણસોની ભીડ વચ્ચે ઊછળતા શૂન્યના જુવાળ – આ રહી રહીને મારા હૃદયને વ્યાકુળ કરી મૂકે છે. ક્યાંય સહેજ સરખી ફાટ રહે તો શૂન્ય ધસી આવે એ બીકે હું કંઈક કર્યે જાઉં છું, કંઈક બોલ્યે જાઉં છું. જે સ્નેહ આ શૂન્યને આવરી લઈને સમૃદ્ધ બની શકે તેને પામવા મથું છું. પણ આ મથામણ જ સ્નેહને દૂર નથી હડસેલી મૂકતી? અતિ સ્નેહ માટે શંકા ને શંકા માટે સ્નેહનો અભાવ – લીલા હસે છે. સહજ હોવું કેટલું અઘરું છે! મને લીલાની અદેખાઈ આવે છે. શું એને કશી વ્યથા જ નથી? શું એને કશી અપૂર્ણતા ખટકતી જ નથી? શું સમજે છે એ પ્રેમમાં? મને થાય છે કે આ એને પૂછું. પણ લીલા ગમ્ભીર બની જાય તો એ મારાથી જ નહીં જીરવી શકાય. હું ઝંખું છું માલાને, ઝંખીનેય એને નિકટ લાવી શકતો નથી. કદાચ માલા જેવી સ્ત્રીને કેવળ દૂરતાના માધ્યમમાં જ પામી શકાય છે. પણ આમ કહેવાનો શો અર્થ? ને લીલા તો પોતે છે એની જાણ કર્યા વિના, મારામાં વ્યાપી જાય છે ને કદાચ તેથી જ એને પામ્યાની અસાધારણતા હું પારખી શકતો નથી? આ બધું શા માટે અટપટું હોવું જોઈએ? આની વેદના મને સ્થિર રહેવા દેતી નથી. જ્યારે જ્યારે માલાથી છૂટો પડું છું ત્યારે એ જાણે અન્તિમ વદાય હોય એટલી બધી મને વેદના થાય છે. એ જોઈને માલા અકળાઈ જાય છે. વર્ષો પછી એને મળું છું ત્યારે જાણે વચ્ચેનાં વર્ષો વીત્યાં જ નહોતાં એવી રીતે એ મળે છે. એ કેવળ મને પામીને જીવવા નથી ઇચ્છતી? આ મારો મિથ્યા અહંકાર જ હશે? આ દ્વિધા છતાં હું લખું છું. મારી સૃષ્ટિ રચું છું – કદાચ આથી બીજી કોઈ સમ્ભાવના મારે માટે નથી? આ વિચારતો હું બેઠો છું. લીલા બારીનો પડદો ખસેડીને બારી પાસે ઊભી છે. અત્યન્ત કુતૂહલથી સવાર વેળાના ધુમ્મસને જોઈ રહી છે. હું પૂછું છું: ‘તું શું જોઈ રહી છે?’ એ કહે છે: ‘ધુમ્મસ.’ હું કહું છું: ‘ધુમ્મસ તો આચ્છાદન છે, આવરણ છે. એમાં તે શું જોવાનું?’ એ કહે છે: ‘એની જ તો મજા છે. આ આવરણ હઠી જશે પછી શું દેખાશે તેની કલ્પના કરવાની મજા પડે છે. તને નથી મજા આવતી?’ હું કહું છું: ‘એ મજા લેવી હોય તો ધુમ્મસ કદી ન હઠે એવી પ્રાર્થના કરવી પડે! એ હસીને કહે છે: ‘હા, તું ને હું એવી પ્રાર્થના અણજાણપણે કરતાં જ હોઈએ છીએ. તારા જેવો ઘમંડી એ કબૂલ ન કરે એટલું જ.’ હું વિના કારણે રોષે ભરાઈને કહી નાખું છું: ‘તું પોતે જ કુહેલિકા નથી?’ એ મારી સામે જોઈને કહે છે: ‘ઓહો, તું મને ઓળખે છે ખરો?’