છિન્નપત્ર/૪૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૫

સુરેશ જોષી

લીલા પૂછે છે: ‘હું પરણી જાઉં તો?’ હું હસીને કહું છું: ‘તો હું ‘અષ્ટપુત્રા ભવ’ એવો આશીર્વાદ આપું.’ આ સાંભળીને એ ગમ્ભીર થઈ જઈને પૂછે છે: ‘તું મને પરણાવી દેવાને ખૂબ આતુર છે?’ આ સાંભળીને હું સહેજ વિચારમાં પડી જાઉં છું. પછી કહું છું: ‘ચાલ ને લીલા, તારે માટે આપણે એક સરસ વર શોધી કાઢીએ.’ એ જાણે કશાક કાવતરામાં ભાગ લેવા તૈયાર હોય તેમ અધીરી બનીને કહે છે. ‘હા, ચાલ ને, એક સારો જોઈને વર શોધી કાઢીએ.’ પછી એ પૂછે છે: ‘માલાનું શું?’ હું કહું છું: ‘માલા તો કદાચ મનથી વરી ચૂકી હશે.’ એ સહેજ મુંઝાઈને કહે છે: ‘તો એનો વર મનમાં જ છે કે કદિક કદિક બહાર પણ આવે છે?’ હું કહું છું: ‘એ તો હું શું જાણું?’ લીલા વિચારમાં પડી જાય છે. હું પૂછું છું: ‘કેમ, વરનો સાક્ષાત્કાર થયો કે શું?’ એ કહે છે: ‘હત્ અદેખા, હમણાં જ હાથમાં આવી જતો હતો ત્યાં તું – ‘હું કહું છું: ‘એમ સહેલાઈથી એ હાથમાં આવી જશે ખરો?’ એ કૃત્રિમ રોષથી કહે છે: ‘બધા તારા જેવા દુષ્ટ નથી હોતા.’ હું એને ચિઢવવાને કહું છું:’ચાલો, હું તો બચી ગયો. હું તો દુષ્ટ છું એટલે તારી યાદીમાંથી નીકળી ગયો ને?’ એ કંઈક વિષાદભર્યું હસીને કહે છે: ‘ઓહો, તને બહુ સુખ થયું નહીં?’ હું કહું છું: ‘મને ભલે ને દુ:ખ થયું હોય, અરે, મર્મઘાતક દુ:ખ થયું હોય, પણ તું દુષ્ટને પનારે પડે એ મારાથી કેમ સહ્યું જાય?’ એ છણકો કરીને કહે છે. ‘પરોપકાર કરવાનું તો તું ગળથૂથીમાં જ શીખ્યો હતો, ખરું ને?’ હું કશું બોલતો નથી. એ કહે છે: ‘તું કશી ચિન્તામાં પડીશ નહીં. મૂરતિયાની શોધ ચાલુ છે. દર્શન મિલન – બધા વિધિ થશે. તું કોઈક વાર દૂરથી એ પ્રહસન જોશે તો તને મઝા આવશે.’ હું કહું છું: ‘તું તો તરત જ ઝડપાઈ જશે. જોતજોતાંમાં શ્રીમતી લીલા માથું ઢાંકીને મંગળસૂત્ર રમાડતાં દેખાશે.’ એ ગુસ્સે થઈને મને ચૂંટી ખણે છે ને કહે છે: ‘કોઈનું ભવિષ્ય ભાખવામાં શું ભારે બહાદુરી છે?’ હું કહું છું: ‘પણ લીલા, મને બધું સ્પષ્ટ દેખાય છે, કોઈ પ્રતિભાશાળી પણ બાળક, ઢીંગલીની જેમ રમાડી શકાય એવો, દેશભરમાં ખ્યાતિ પામનારો છતાં તારા શબ્દની ભારે કીંમત રાખનારો –’ લીલા ચિઢાઈને કહે છે: ‘બસ બસ હવે.’ પછી કહે છે: ‘ઘણી વાર એવો વિચાર કરું છું કે આ પરણવાની ઝંઝટ નહીં હોય તો કેવું સારું પણ –’ હું પૂછું છું: ‘પણ શું? તો તું હારી કેમ જાય છે?’ એ એકાએક ઉત્સાહમાં આવીને પૂછે છે: ‘તો તું મને જિતાડવામાં મદદ કરે ખરો?’ મારાથી કહેવાઈ જાય છે: આવી બાબતમાં કોઈની મદદથી જીતી શકાતું નથી.’ એ ચિઢાઈને કહે છે: ‘દુષ્ટ!’