છિન્નપત્ર/૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુરેશ જોષી

તારી કાયા અસીમ છે, મારા હાથ સુધી પહોંચતા તારા હાથ – એની સીમા શું ત્યાં જ આવી જાય છે? ના, પછી તો સ્પર્શસુખનો આખો સાગર લહેરાઈ ઊઠે છે. ને એ સાગરના ઊંડાણમાં પણ કેવાં મોતી છે! આજ સુધી તો એ બધાં હું વીણી લઈ શક્યો નથી. તારા કેશરાશિમાં જન્મોજન્મ સુધી ખોવાઈ જવાની સગવડ છે. એમાંનો સુવાસભર્યો ઉત્તાપ કોઈ પણ આસવથી વધારે માદક છે. બહારની એક કાયા પાછળ બીજી મર્મકાયા રહી હોય છે; એ બધાને દેખાતી નથી પણ હું તારી મર્મકાયાને બરાબર પામી ગયો છું. આથી જ મને લાગે છે કે અમલ, અરુણ, રમેશ સાથે મારે કશો ઝઘડો નથી. મારો ઝઘડો તારી સાથે છે. શું તારી મર્મકાયા પર તને કશી મમતા નથી? મમતાનો સ્ફટિક બંધાય એવી કદાચ તારા મનની આબોહવા જ નથી. આથી જ તો જે તું સહેજમાં લુપ્ત થઈ જવા દે તેને જાળવી રાખવા હું મથી રહ્યો છું – એના પર મારો અધિકાર છે એવા ભાનથી નહીં, કોઈ દિવસ તારા મર્મ માટે તને પણ મમત્વ જાગશે એવી આશાથી. પણ માલા, ઘણી વાર બે વ્યક્તિના મર્મ એકબીજામાં ઓતપ્રોત થઈ ગયા હોય છે. આથી જ તો જે તારા મર્મને સ્પર્શે છે ને જેનાથી થતું સંવેદન તું કદી કોઈને કળવા દેતી નથી તેને તો હું અપરોક્ષભાવે જાણતો જ હોઉં છું ને કદાચ આથી જ તું મારાથી અકળાય છે. દરેક સ્ત્રી ગુહ્ય બનવા ઇચ્છે છે, લોપ પામવા ઇચ્છે છે, ને એથી જ તો કહું છું ને કે તું ગુહ્ય બનીને રહી શકે એટલો અન્ધકાર તો મેં સંચિત કરી રાખ્યો જ છે. પણ લુપ્ત થવાની વાત મને ભયભીત કરી મૂકે છે. આથી જ તારી આંસુને ટીપેટીપે લુપ્ત થવાની રીત મને ગભરાવી મૂકે છે. બધાં દ્વાર બંધ થઈ શકે છે, આંખનાં દ્વાર બંધ થતાં નથી – ઘણી વાર મૃત્યુ પણ એને બંધ કરી શકતું નથી. આથી આંખ સૂની સૂની હોય તે મૃત્યુથી પણ વધારે ભયાનક લાગે છે. આથી તો દૂર દૂર સુધી ભમી ભમીને તારી એ આંખોને ભરી દેવાને હું કેટકેટલી છબિઓ લઈ આવું છું! આ ગાડીમાંથી જોઉં છું: ધ્વજ ફરકાવતાં મન્દિરનાં શિખરો, ગામને પાદરે બેઠેલું છાયાનું ધણ, તળાવડીની નિષ્પલક આંખો, શાળામાંથી આનન્દના એક હિલ્લોલરૂપે બહાર ઠલવાતાં બાળકો. દૂરના ડંુગરો પરની વનરાજિની ઘેરીભૂરી સ્તબ્ધતા, નદીઓની આકાશને પોતાના ગર્ભમાં સમાવી દેવાની વેદના, કોઈ મોટા શહેરના માથા પર તર્યા કરતા માનવીના સંસારના અવાજ, મકાનોની ભીડ વચ્ચેથી માથું ઊંચું કરીને કહીને પોતાની જાહેરાત કરતો ટાવરના ઘડિયાળના કાંટા પર કાયા ટેકવીને ઊભો રહેલો સમય, પાસેના ઘરની બારીમાંથી નાનો હાથ બહાર કાઢીને ‘આવજો આવજો’ કરતી કોઈ અજાણી બાળા, રાતને વખતે અન્ધકારની ગુફા જેવાં લાગતાં સ્ટેશનો, ચારે બાજુ નિદ્રાનો સમથળ વહેતો પ્રવાહ, ક્યાંક નદીના કાંઠા પર બળતી ચિતાની જળક્રીડા – આ બધું મેં તારી આંખો આગળ ધર્યું. કદાચ મેં એટલા માટે જ જન્મ લીધો છે. કોઈ રાજકુંવરી અન્યમનસ્ક થઈને બેઠી છે. દેશદેશથી કળાકારો આવ્યા છે, વિદૂષકો આવ્યા છે, એમાં હું પણ છું. તારી અન્યમનસ્કતાનો ભંગ કરવાને જ જાણે જન્મ લીધો છે. ને આ જન્મ પછી?