છોળ/અમીં નહીં! અમીં નહીં!
રમતું’તું રાત્ય દંન જીભે જિનું નામ
ઈ જીવતો ને જાગતો જો આવી મળ્યો આમ
તો ઝબ્બ લીધો ઝાલી, હવે છોડે ઈ બીજાં
સઈ! અમીં નહીં! અમીં નહીં!
જેટલું સુગાળવી નજરે નિહાળી રિયાં
આવતાં ને જાતાં સહુ લોક
એટલું હસીને અમીં જૂઠી મરજાદનાં
ઓઢણ ઉતાર્યાં છડેચોક!
એ જી ઊભી બજાર બીચ વીંટ્યો કાળો કામળો
કે ઓર કો’ મલીર હેવ ઓઢે ઈ બીજાં
સઈ! અમીં નહીં! અમીં નહીં!
ઘેર ઘેર થાય ભલે વાત્યું વગોવણીની
જીવને ના છોભ જરી થાતો,
જગના વે’વારથી વેગળો તે વ્હાલપનો
જોઈ બૂઝી બાંધ્યો છે નાતો!
એ જી ભવભવના ભાગ લીધાં આંકી લેલાડ
કે ચાંદલો ગમે તે હવે ચોડે ઈ બીજાં
સઈ! અમીં નહીં! અમીં નહીં!
૧૯૮૭
૧૯૬૫ના સપ્ટેમ્બર દરમિયાન હું અને રોઝાલ્બા નેપલ્સમાં પરણ્યાં. ઝાઝા અંતર અને ખર્ચની સમજી શકાય એવી બાધાને લઈ એકેય કુટુંબી એ ટાણે હાજર રહી શક્યું નહોતું. પત્ની સંગ ભારત પાછા ફરતાં સંજોગોવશાત્, ત્રણેક વર્ષ નીકળી ગયાં. પહેલી જ વાર ઘેર આવતી પરદેશી વહુને જોવા કુટુંબ આખુંય ભેળું મળ્યું. રોઝાલ્બાને ત્યારે અંગ્રેજી આવડતું નહોતું. આમ થતી રહેતી પૂછા હું એને ઇટાલીયનમાં કહી સંભળાવતો અને એણે દીધો ઉત્તર ગુજરાતીમાં. બાપુએ રમૂજમાં સવાલ કર્યો, ‘દીકરી! તારે ગામ કોઈ ન જડ્યો તે મારા દીકરાનો હાથ ઝાલ્યો?!’ સવાલને સમજતાની સાથે જ બાપુ સંગ આંખ પરોવતી એ બોલી, ‘બાપુજી! ભાગ જાતું’તું મારે રસ્તે થઈ, ઓળખ્યું ને ઝબ્બ લીધું ઝાલી, હવે છોડે ઇ બીજા!’
સ્થળ-કાળ, દેશ-વિદેશ, રહેણી-કરણી, ધર્મ અને ભાષાની ભિન્નતાને સાંકળતા પ્રેમોદ્ગાર થકી નીપજ્યું છે આ વ્રજ ગીત.