છોળ/કાગળિયા
Jump to navigation
Jump to search
કાગળિયા
શ્રાવણી અંકાશના રાજ આ તો કટકા
કે કાગળિયાં નથી સાવ કોરા!
હો શામળોજી! કાગળિયા નથી સાવ કોરા!
અખ્ખર ભલે ને અમીં માંડ્યો ન એક
તોય અનગીન લીખી રે માંહી બાતી
આવડાં આ કાજળિયા ઓધળાંની ઝૂકી ઘટા
લાખ લાખ ઝરે કાંઈ છાંટી!
ઓ રે વરણી ના જાય એવી ઝીણી ઝીણી ઝંખાનાં
લાધે જો કે’ણ થોરાં થોરાં!
હો શામળોજી! કાગળિયાં નથી સાવ કોરાં!
ઉરના ઉલાળ છતા થાય કિયે બોલ કહો
મૂંગી થઈ બેસે જ્યહીં વાણી!
આળેખ્યું આવડું ઈ ઝાઝેરું માનીને
અણસારે લીજો પરમાણી!
એ જી અળગાં તે હાય શીદ મેલ્યાં આમ અમને તે
હૈયા શું કરી ઓરા ઓરા?!
હો શામળોજી! કાગળિયાં નથી સાવ કોરાં!
૧૯૭૦