છોળ/ચમક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચમક


વાયરામાં વરતાય રે ચમક
ચટકીલી કંઈ ટાઢ્યની રે સઈ!
થથરી રે’તાં રોમ રહી રહી
માંહ્ય આ ઓઢણ આડ્યની રે સઈ!

માસ પ્હેલાં નહીં જીરવ્યો જાતો જલદ જિંનો તાપ,
આજ હવે ઈ તડકે તડકે જાવા કરે ઉર આપ!
છાંયડી છોડી ગલી કૂંચીની
                હાલીએ બીચ બજાર્યની રે સઈ!
                વાયરામાં વરતાય રે ચમક
                ચટકીલી કંઈ ટાઢ્યની રે સઈ!

અવર જવર કેટલી આંહીં, કેટલું ઊભર્યું લોક
સાંકડો લાગે આજ તો ચોડો નિતનો ચાચર-ચોક!
                પાધરાં પડે ડગ શેણે આ
                ભીડ્ય મહીં હદબાર્યની રે સઈ!
                વાયરામાં વરતાય રે ચમક
                ચટકીલી કંઈ ટાઢ્યની રે સઈ!

ઈ જ રૂડાં ચરમલિયાં પરે લોબરી ઓઢી કાળી
તોય વિમાસું ક્યારની એવું આજ શું મુજમાં ભાળી
                વાટ્ય મળ્યું ઈ નાખતું બળ્યું
                નજર્યું નર્યાં લાડની રે સઈ?!
                વાયરામાં વરતાય રે ચમક
                ચટકીલી કંઈ ટાઢ્યની રે સઈ!

૧૯૬૨