છોળ/જાશો ક્યાં?
Jump to navigation
Jump to search
જાશો ક્યાં?
ચાહો ને લાખ તોય
જાશો ક્યાં જાદવજી! અમથી તે કહો તમીં આઘા?!
ગોઠતું ના સ્હેજ ભલા તમનેયે એકલા
ને નત્ય નવી સરજીને સૃષ્ટિ
ખાંતે શી આદરો લીલા પરે લીલા
કે દેખે ચકિત થઈ દૃષ્ટિ
(પણ) કૌતુક એથીય વધી પરમાણ્યું એવું
કે દેખો તમીંય થઈ બાધા!
ચાહો ને લાખ તોય
જાશો ક્યાં જાદવજી! અમથી તે કહો તમીં આઘા?!
જ્યહીં જ્યહીં જાશો હે પૂરણ પુરષોત્તમ
આ ગોપિયુંયે હાર્યોહાર્ય જાશે,
નિરાકાર, નિર્ગુણ, નિરંજન પણ નિજી રચી
માયા થકી જ ઓળખાશે!
ઓચ્છવ ઓચ્છવ હાંર્યે ઓચ્છવ આ નેણમાં
મધરી શી ઘેન ભરી જાગા!
ચાહો ને લાખ તોય
જાશો ક્યાં જાદવજી! અમથી તે કહો તમીં આઘા?!
૧૯૯૫