છોળ/ઝરૂખડેથી
ઝરૂખડેથી નેણ ઝળૂંબે લોભે
આવતાં જતાં આગણ મારે રખે જરી તું થોભે!
તું તો હાયે નિજી તાનમાં મગન
છેડતો બાવર-બાંસી,
નીસરી જતો નિત નાખ્યા વિણ
નજર્યું તે આંહીં આછી,
સાંજને સોનલ તડકે તારી કાચ શી સાંવર શોભે!
ઝરૂખડેથી નેણ ઝળૂંબે લોભે…
ઊડું ઊડું થાય અણકથ્યો એક
અજંપ સૂરને તેડે,
કામનાનું અરે કામણ કેવું
જડમાં ચેતન હેરે!
પંખ પસારે ઉર ભેળાં શું કીર કંડાર્યાં મોભે?!
ઝરૂખડેથી નેણ ઝળૂંબે લોભે…
લાખ ચહું કે ઉર ઘોળાતું
વળતું નાખું વેણ,
ને પલક દેખે આંહીં પરે તો
નેણ સું પ્રોઉં નેણ,
ચૂપ રહે તોય અધખૂલ્યાં આ ઓઠ અજાણ્યા છોભે!
ઝરૂખડેથી નેણ ઝળૂંબે લોભે…
૧૯૯૮