છોળ/પ્રાગડ પ્હોરે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રાગડ પ્હોરે


                પણે તીરે કોઈ મોરલી છેડે
પ્રાગડ પ્હોરે પાણી ભરું હું એકલડી આણી કેડે!

                ઊઘડતું હજી આભ ને સામો
                                આરોય ઘણો દૂર
                તોય તે જાણે લાગતું અહીં —
                                ક્યહીંથી ઊઠતો સૂર!
હળવી હળવી લે’રખીની સંગ મુજને રમવા તેડે!
                પણે તીરે કોઈ મોરલી છેડે…

                સુણતી બેઠી કાખમાં રાખી
                                બેડલાં નીર ભરેલ,
                અમલનું કીધ પાન — રે એવી
                                સુખદ સરતી વેળ!
ત્યહીં અચિંતું ભાંભરી ઊઠે ગોધણ સીમને શેઢે!
                પણે તીરે કોઈ મોરલી છેડે…

                થયું અસૂરું, ફફડાટે ઈ
                                પટ્ટ ઉપાડું પાય,
                પગલાં પડતાં ગામ ભણી તોય
                                ઉર વાંહે વંકાય!
(ને) ‘ચલ ચલ’ કે’તું જલ છલોછલ છલકે હેમને બેડે!
                પણે તીરે કોઈ મોરલી છેડે…

૧૯૬૦