છોળ/વ્રજ વ્હાલું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વ્રજ વ્હાલું


                પાણીડાંની મશ્યે તોય અવળી તે દૃશ્યે
                                હાંર્યે રાત્યના ઉજાસે ઝાંખોડા,
                છાનાંમાનાં તે સરે ગોકુળને ઘરઘરથી
                                રાતી રંગ ચૂંદડીના ઓળા!

જ્યાં લગ ના સાંકડી શેરીયું વટાવીને ગામનો છેવાડ વાંહે મેલે
ત્યાં લગ તે ઝાંઝરના ઝીણા ઝણકાર વિણ રવ તે એકેય નહીં રેલે
                જેવાં પણ ફાટફાટ મ્હેંકે કદંબ ને
                                કેવડાનાં વંન ઢૂંકે થોડાં,
                ઓળે ઓળેથી એવા કોળે શા કંઠ
                                જાણે ટહુકે કુવેલનાં ટોળાં! — પાણીડાંની…

ઓચિંતી ભળે માંહ્ય વેણુ અતિ મીઠી ને થંભે સહુ કંઠ તે રસીલા,
કુંજ કુંજ મચ પછી ઝાલ્યા-સરક્યાની લોલ અકદેરી હાંર્યે એક લીલા!
                પણે વહે નાગણી શા લેતાં વળાંક ભૂર
                                કાલિંદી નીર ડોળાં ડોળાં,
                ને આંહીં રતૂંમડા ઓળા તમામ કરે
                                શ્યામ એક ઓળાની ખોળા! — પાણીડાંની…

અનગળ ઝબુકિયે ઝળહળ મઢેલ કાંઈ ઝૂકે ઝૂકે તે જ્યહીં વ્યોમ,
ત્રિભુવનના નાથનેય વા’લી વા’લી રે એવી વ્રજની સોહામણી તે ભોમ
                ગાતાં ધરાઈ નહીં મીરાં, નહીં નરસી
                                નહીં ગાતાં ધરાય લોક ભોળાં
                વ્હાલાં ઈ વ્રજને આળેખતાં જી મારાંયે
                                પ્રાણ વિશે હરખે હિલોળા! — પાણીડાંની…

૧૯૮૭