જગદીશ જોષી
જોશી જગદીશ રામકૃષ્ણ, ‘સંજય ઠક્કર’ (૯-૧૦-૧૯૩૨, ૨૧-૯-૧૯૭૮) : કવિ. જન્મ મુંબઈમાં. ૧૯૪૯માં એસ.એસ.સી. ૧૯૫૩માં સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈથી ગુજરાતી, સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૫૫માં અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાંથી શિક્ષણશાસ્ત્રમાં એમ.ડી. ૧૯૫૭થી ૧૯૭૮ સુધી બઝારગેટ હાઈસ્કૂલમાં આચાર્ય. ૧૯૭૯નું સાહિત્ય અકાદેમી, દિલ્હીનું મરણોત્તર પારિતોષિક. ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. મુંબઈમાં અવસાન. ‘આકાશ’ (૧૯૭૨) કાવ્યસંગ્રહમાં પરંપરામાં રહીને અદ્યતન બનવાનો કવિનો પુરુષાર્થ મુખ્યત્વે લયપૂર્ણ ગીતોની હથોટીમાં દેખાય છે. છાંદસ અને અછાંદસ રચનાઓ ઊંચા સત્ત્વવાળી નથી. ‘વમળનાં વન’ (૧૯૭૬) કાવ્યસંગ્રહની કુલ ૧૧૪ રચનાઓમાં વધુ સંખ્યા ગીતોની છે. અહીં અછાંદસ, છાંદસ કે ગઝલરચનાઓ વધુ નોંધપાત્ર નથી, પરંતુ ગીતોમાં રહેલ પ્રણય અને વેદનાનો પોતીકો સ્પર્શ કેટલીક રચનાઓને સફળ પુરવાર કરે છે. ‘મોન્ટાકૉલાજ’ (મરણોત્તર પ્રકાશન, ૧૯૭૯) ચૌદ દીર્ઘકૃતિઓનો સંગ્રહ છે. મોન્ટાજ અને કૉલાજના સંકરમાંથી સિદ્ધ કરેલું શીર્ષક કાવ્યોનાં અસંગત દૃશ્યસંયોજનો અને એની વિચ્છિન્નતાને સૂચવે છે. દૃશ્યોની પ્રતીકાત્મકતા અને આંતરિક ભાવછબી ક્યારેક રોચક હોવા છતાં ભાષાનું સ્તર એકંદરે વિષમ રહ્યું છે. ‘વાર્તાની પાંખે’ (૧૯૭૨), ‘વાર્તાની મોજ’ – ભા. ૧-૨-૩ (૧૯૭૨), ‘હું તો નિત્ય પ્રવાસી’ (૧૯૭૩), ‘વાર્તા રે વાર્તા’ – ભા. ૧-૨-૩ (૧૯૭૩), ‘સુલભ સમૂહજીવન' ભા. ૧-૨-૩ (૧૯૭૪) વગેરે એમનાં સહસંપાદનો છે. ‘મરાઠી કવિતા – ગ્રેસ’ (૧૯૭૮) અને ‘સૂર્યઘટિકાયંત્ર’ (મરણોત્તર પ્રકાશન, ૧૯૮૧) એમના અનુવાદો છે.