જનપદ/કા કહે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કા કહે



મેઘરાજા, વાત કહો ને.
મેઘ કહે,
ત્યારે હું અષાઢી હતો.
તો આજે અષાઢી થાઓ.
આપણે વરસીને તળેટીમાં ઊતર્યા
અંધાર ઉજેહમાં ઓગળી
જઈ પહોંચ્યાં તળના તળમાં
થયાં ઊસ.
મેઘાજી, આ તો બધું એકંદર.
કેટલીય વાર આ વાત પાઠફેરે સાંભળી છે.
ક્યારે ક્યારે, કહું ?
જ્યારે પટ પર ઉલ્કાઓ ખાબકી.
ખીણોમાં ઊતરી પવન જંપી ગયો.
મોંઢુંય ન સૂઝે એવા વનમાં ટપક્યું
ચમક્યું ભમરાળ મધ.
બધી વાત–પહેલાં–પછી–ની રીતમાં નહિં.
તળ પર ભાંગ્યા ઢેકે મરડાય રંટાય
અડવડ અખશર મંક.
માપે જોજન ઊંડા પહોળાં
ખારઊસ ને પાણીનાં છેટાં,
વરાળના ફેર એની જણનારીથી
વરાળથી વરાળનાં છેટાં
એટલા જુગનાં
જેટલાં મલક આખામાં ઝાડપાન.
દવડાયેલાં કાળજાં
પાણીમાં ન માય એટલાં ખાર ઊસ
પાંજરાંમાં દવ, બળતરા
ફાટે ટાલકાં, કંપે હાથ
ખારાં કપાળ ને આંખો તીખી
પાણીથી છેટાં તે કાંઈ ઓછાં ?
માયાવી અસ્તર પર મંકોડા.
મંક બધા રંક.
મેઘજી,
આતો વાત અમે જ અમારી માંડી.

મેઘજી ચળ્યા
મુશળે ઊતર્યા
અમારા છેડા મુશળ તળે એક
ખાર ઊસના ઘમસાણ વચ્ચે
અમે એક આંખ.
આંખ કહે
કહે
કા કહે ?