જનપદ/ખરતાં, મોટાં થતાં માંહ્યથી
Jump to navigation
Jump to search
ખરતાં, મોટાં થતાં માંહ્યથી
ટાઢું જળ પરોઢિયું.
ઘડો ખળામાં
ઢાંક્યું મુખ.
ઘડીમાં અંધારગાભ નીલ પીળાસોનેરી તાંબારંગી ભડકે બળે
અરુણ અરુણ ઉગમણું
થડમૂળ ઝગારા મારે.
જોયું જળપડદે અંતરવાસમાં
જળપડદામાં કચરકચર ઢેફાથી ફણગો
કદી આભથાંભલો, વળી ફૂદું ઝીણું
ધડાક ઊડે માથું અને ઘેન પામીએ
પાતળશણગ જળફેણ નસેનસ
અડોઅડી વહી ચાલે
ફૂલ ગંધનું મચ્છ થઈને છટકે
લાવા ગાંગરે લહલહ
ઊંડે ગાઉથી છાંટા.
ઊભા આભલે ઊલળી આવે સૂરજ.
વળગે જીભડા એટએટલા
અડાબીડ નસકોરાં
ટશર ઊંચીના ગાજે ડાબલા
અશ્વલગામઅસવાર એકંદર
વાયરો તાતી તેગ
ડિલના ફૂરચા.
દશે દિશાઓ ભરીભરી હેષાથી
લથડે આંખની બાથ
ઝળઝળિયું ધરતીઆભનો સાંધો
ધજા ચીંથરું ભોંય ઠરે
ટાઢી પડતી ચેહ.
થળ ને જળની પેલી ગમ
ખરતાં
મોટા થતાં માંહ્યથી ભંભોલાં પાતાળ.