જનાન્તિકે/ઓગણપચાસ
સુરેશ જોષી
દિવેલના કોડિયાએ કોતરી કાઢેલા તેજવર્તુળમાં બેસીને બાળપણમાં જોયેલો ચારે તરફનો ત્રાડના બખિયા ભરેલો, વન્ય અંધકાર કોઈક વાર અતિથિની જેમ આંગણે આવી ચઢે છે. મારા સિવાયના મારા ઘરમાંનાં બીજા કોઈ જોડે એને પરિચય નથી. આથી એ ઉંબર પર સહેજ ખંચકાઈને ઊભો રહે છે. એને ખભે ઝૂલતી થેલીમાં ઘુવડનો ઘૂક્ ઘૂક્ અવાજ છે, પિલાજીરાવ ગાયકવાડના મહેલના ખંડિયેરમાં અમે બાળપણમાં પાડેલા થોડા પડઘા છે. દાદાનું મૌન છે. બાળપણમાં ઘૂંટેલી બારાખડીનો, વ્યાકરણથી અસ્પૃષ્ટ, અકબંધ ઢગલો છે, એની થેલીમાં મૂકવા જેવું મારી પાસે કશું નથી. દાદાના મૌન કરતાં ભારે મૌન મારી પાસે છે; પણ એની જીર્ણ થેલીમાં એ લાદવાનું મન થતું નથી. બાળપણની પેલી વ્યાકરણથી અસ્પૃષ્ટ બારાખડી પર પછી તો મેં કેટલો અત્યાચાર ગુજાર્યો છે. એની જટાજાળ પણ એ જીર્ણ થેલીમાં સમાય એવી નથી. સમય પોતે જ ખંડિયેર જેવો બની ગયો છે, પણ એના પોલાણમાંથી પડઘા ઊઠતા નથી. ઘુવડના અવાજથી વધારે બિહામણા અવાજો મનુષ્યની સૃષ્ટિ વચ્ચે અહીં રોજ સાંભળતો રહું છું. એનો ભાર હું વહું તે જ ઠીક. બાળપણનું મારું હુલામણું નામ દઈને બોલાવનાર હવે થોડા જ રહ્યા છે. એ કોટ ખાઈ જતા નામ સિવાય આ અન્ધકારને આપવા જેવું મારી પાસે કશું નથી. એ આપીને જ હું એને વિદાય કરું છું. દૂર સાતકાશીના જંગલમાંના વાંસના ઝૂંડમાં, પીળા પટેદાર વાઘની ત્રાડ ભળી જઈને, તાપીના જળમાં ધોવાઈને એ નામ ક્યાંક તળિયે બેસી જશે ને ત્યારે એનો મોક્ષ થશે.