જનાન્તિકે/ત્રીસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ત્રીસ

સુરેશ જોષી

હવે પરિષદોનો ને સંવિવાદોનો જમાનો આવ્યો છે. આપણામાંના કેટલાક બડભાગી સાહિત્યકારો દુનિયાનું મોઢું સુધ્ધાં જોઈ આવ્યા છે. પણ આ બધાને અંતે જે ઉષ્માભર્યો જીવંત માનુષી સંપર્ક સર્જક સર્જક વચ્ચે સિદ્ધ થવો જોઈએ તે ક્યાં છે? આત્મીયતાનું આરોપણ કરી શકાય નહીં, એ તો સહજ જ સિદ્ધ થઈ રહેવી જોઈએ. આપણા સંપર્કો થોડા શિષ્ટાચારમાં જ ખરચાઈ પૂરા થાય છે. પરિષદો ને સંમેલનો, આવી પરિસ્થિતિને પરિણામે, આપણે એકબીજાથી કેટલા તો વિખુટા છીએ તેનું દુ:ખદ ભાન કરાવે છે; એથી અભિમાનીઓના અભિમાનને તોછડાઈ ભર્યા અતડાપણાની ધાર ચઢે છે. બે શબ્દ હોઠે લાવતાં પહેલાં જ સામી વ્યક્તિની ઉદાસીનતાની ઝાપટ વાગતાં બેસુધ થઈ જવાય છે. આત્મીયતાની આ ઝંખના જ રોગિષ્ઠ મનોદશાનું લક્ષણ ગણાય છે. એકબીજાને ટાળતા રહેવાની દક્ષતા જેટલી વધુ માત્રામાં તેટલા તમે વધુ સંસ્કારી!