જનાન્તિકે/ત્રેવીસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ત્રેવીસ

સુરેશ જોષી

કલકત્તાનો Smog હજી ફેફસાંમાં છે; એકઠી થયેલી ઊંઘ બંને આંખો નીચે નાની નાની કોથળીઓમાં ભરી રાખી છે. ને Ephidrineના પ્રાચુર્યનું વિષ હજી લોહીમાં સંતાઈ રહ્યું છે. અવાજમાં પેઠેલી પરુષતા નીચે ઊતરીને છેક હૃદય સુધી પારાની જેમ ઊતરવા માંડી છે. અનિદ્રાની તેજાબી તીક્ષ્ણતા આંખમાં ઝમે છે ને હૃદય સુધી ટપકીને અંદરના અંધકારમાં દવ લગાડી બેઠી છે. ઘણાં પશુઓએ નાસભાગ કરી મૂકી છે.

અહીં જોઉં છું તો શીમળો દિગંબર થઈ બેઠો છે ને એને ઉન્મત્ત અનુરાગની ટશરો ફૂટવા માંડી છે. કેસૂડામાં વસન્તની પગલીઓ ખોવાઈ ગઈ છે. અવકાશનું પાત્ર પંચમ સૂરથી છલોછલ ભરાઈ ચૂક્યું છે. લીમડા પર મંજરી બેઠી છે – ઝીણા ઝીણા અક્ષરે કોઈ નિશાળિયો પાટી ભરી દે એવી ખીચોખીચ. ચન્દ્ર દેખાય છે ને મૌનના સાગરમાં ભરતી આવે છે, કશીક અક્રમ જલ્પના હવાને મુખે છે. માલવિકા-બકુલિકાના અંચલ હવામાં ફરક્યા કરે છે, ને એમના કપાળ પરથી ઊડી આવેલા કુંકુમની રજ મિથ્યાવાદનું ઘૂર્ણીચક્ર ઊભું કરી દે એવી વાતાવરણમાં ભીતિ છે. સવાર વેળાની સુરખીમાં ચાર હોઠના દાબ વચ્ચેની ભીની ઊષ્મા છે, ને ક્ષિતિજના અર્ધ નિમીલિત ચક્ષુમાં કામવિહ્વળ કપોતીની આંખની રતાશ છે.

કોઈનો દૃઢ બલિષ્ઠ વન્ય અસંયત પેશલ અનુરાગ જો પોતાના તરફ મને ખેંચે નહીં તો શીમળાના રૂની જેમ અહીં તો મારું બધું ઊડી જવા બેઠું છે. કશાનો હિસાબ રાખી શકાતો નથી. ડાબું જમણું થાય છે ને જમણું ડાબું. જમાઉધારની ઉલટાસુલટી એવી તો અટપટી થઈ ગઈ છે કે શ્રીપુરાંત કાઢતાં મુશ્કેલી ઊભી થવાની છે.

સમુદ્રોત્થિતા ઉર્વશીના જેવી બધી ક્ષણો અવતરતી જાય છે ને ઉર્વશી ભેગું જન્મેલું એક રત્નવિષ પણ આટલામાં ક્યાંક હશે એવો અણસાર વરતાય છે. વિષનો દાહ નિત નવાં મર્મસ્થાનોને શોધી કાઢે છે ને એને સંરક્ષવાના ઉધામા વધી પડે છે. ઉર્વશી અને વિષ –બંને સહોદર તો ખરાં જ ને!

સરોવરના નિષ્પંદ નીરમાં પોતાની પવિત્રતાને અશેષ ઓગાળી નાખતા તુષારબિન્દુના જેવી મગ્નતા પોપચે ઝમે છે ને એ આંખને અણિયાળેથી હમણાં ટપકી પડશે એમ લાગે છે. બાળપણની એક સ્મૃતિ જાગે છે. આખા ઘરથી નિર્લિપ્ત થઈને, પોતાના એકાન્તથી જ લપેટાઈને રહેતા દાદા ઉનાળાની સવારે અમને પાસે બોલાવીને કેળનાં પાંદડાં પર ઝીલાયેલા તુષારબિંદુને પોતાનાં ટેરવાં પર લઈને અમારી આંખોમાં આંજી દેતા. એ ભંગુર મૃદુતાનું સ્નિગ્ધ અંજન હજી આંખમાં છે.

જીવનાનન્દ દાસની કાવ્યસૃષ્ટિના ફાગણનો નિબિડ રોમશ અંધકાર નજીકમાં જ હાંફતો બેઠો છે. એની સન્નિધિમાં જે મુખ દેખવાનું છે તેની રેખાઓનો અણસાર ફૂટતો જાય છે. એ રેખાઓને ભૂંસી નાખવાને કેટલો ગુલાલ જોઈશે?

અક્ષાંશરેખાંશની જાળમાંથી છટકીને શુદ્ધ ભોંય ક્યાંક પોતાનું કૌમાર્ય રક્ષવા મથી રહી છે. કોઈ ધીવર કાંઠે ઊભો એ જાળ ખેંચ્યા જ કરે છે. કાંઈ કેટલીય શકુન્તલા હાથમાંથી સરી પડેલી મુદ્રાઓનો ભાર એમાં લદાયો છે. સાથેસાથે ભાવીમાં થનારા પ્રત્યાખ્યાનનો ને કઠોર ગર્ભનો પણ ભાર ખરો સ્તો!

પરિચયનાં પડ જેમ જેમ ખૂલતાં જાય છે તેમ તેમ પારદર્શી અપરિચિતતા ઊઘડતી આવે છે. અભિજ્ઞાનનો તો ક્યાંય અણસાર સુધ્ધાં દેખાતો નથી. પણ પારદર્શકતાનો અવગુણ એ છે કે એ અવકાશના આભાસને વિસ્તારે છે. સત્ય જ્યારે આભાસની છીપમાં મોતીની જેમ બંધાય છે ત્યારે જ કાન્તિ ધારણ કરે છે એવું શંકરાચાર્યે કહ્યું હતું કે નહીં તે યાદ આવતું નથી.

કોઈ દાનવીર રાજાના જૂના તામ્રપત્ર જેવો આંબે આંબે મોર છે. એમાં જ ક્યાંક મરકત મણિઓનો ઢગલો છૂપાયો છે. થોડા દિવસ જવા દો. કોઈ ખોબે ખોબે એને વેરી દેશે. એના સ્વાદની અમ્લપર્યવસાયી કષાયતા કોઈ અજ્ઞાતાનો અજાણતાં હાથ અડી જતાં જે રોમાંચ થાય છે તેમાં રહેલી કષાયતાની સગોત્ર છે.

નામને ઊંડે ઊંડે દાટી દેવાના આ દિવસો છે. અલબત્ત, એનો પાછો ફણગો તો ફૂટવાનો જ. પણ ત્યારે હવા બદલાઈ ગઈ હશે. અપકીર્તિનો લૂણો લાગવાથી નામના પોપડા ખરે એવું જ કાંઈ નથી. જો ઝાઝા ઊંડે ઊતરી જાઓ તો સૂર્યની પ્રસિદ્ધિના પરિઘની બહાર અણમાનીતી ઈતરાનો એકદંડિયો મહેલ મળી આવે ખરો. બાળપણમાં સીતાફળને પાકવા માટે સંતાડતા તેમ નામને હવે પાકવા માટે ક્યાંક સંતાડી દેવાના દિવસો આવ્યા છે. ઉચ્ચે:શ્રવા કીર્તિના જ્યાં પગલાં પડતાં ન હોય ત્યાં જવું જોઈએ.

સ્પર્શનાં ચક્ષુ ખોલવાના આ દિવસો છે. ઉપસી આવેલી પુષ્ટતાની ધૃષ્ટતા એ દૃષ્ટિનો વિષય છે? દૃષ્ટિ જોઈને શું જોવાની હતી? સ્પર્શ અને દૃષ્ટિ વચ્ચેના અબોલા આ ઋતુમાં જ શરૂ થતા હશે.

અર્થનો ધાગો શબ્દમાંથી ખેંચી કાઢીએ તો શબ્દતંતુઓ વચ્ચે જે અવકાશ ઊભો થાય છે તે કવિતાનું લીલાક્ષેત્ર છે. હું તો કાન માંડીને બેઠો છું : કોઈ નિરર્થક પ્રલાપ કરવાની હામ ભીડે છે ખરું? ચન્દ્રના નાળચામાં કોઈ સૂર્યનો પોટાશ ફોડે, શિરાઓના મધપૂડાને લૂંટાવી દેવા સોનેરી ડંખવાળી મધુમક્ષિકાઓને કોઈ ઉડાડી મૂકે, કઠપૂતળીનાં રાજારાણીનો ઢંઢેરો કોઈ વાંચી સંભળાવે –