જનાન્તિકે/દસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દસ

સુરેશ જોષી

ઊડતાં પંખીની પાંખમાંથી ખરતું પીંછું જોયું ને એણે હવામાં, ખરતાં ખરતાં, જે અદૃશ્ય રેખાઓ આંકી તે વડે જાણે નિરાકાર ઇશ્વરનું જ ચિત્ર અંકાઈ ગયું, બોલતાં બોલતાં, બોલવાના આવેગમાં જ બોલવાનું ભૂલી જઈને આંખોને વિસ્મયથી વિસ્ફારિત કરીને જોઈ રહેલા શિશુને જોઈને ઇશ્વરના રૂપની ઝાંખી થઈ; ગુલાબની પાંખડીઓની ગોઠવણીમાં ઇશ્વરના અંગુલિસ્પર્શનો અનુભવ થયો. ના, આ સૃષ્ટિ મને નાસ્તિક થવા દે તેમ નથી.