જનાન્તિકે/સુડતાલીસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુડતાલીસ

સુરેશ જોષી

તાવ આવતાંની સાથે જ આપણે ચારે બાજુની સાધારણ દુનિયાથી સહેજ જુદા પડી જઈએ છીએ. છૂપા સંદેશાના અક્ષરો જેમ ઊની આંચ આગળ ધરતાં પ્રકટ થાય છે તેમ તાવની ઊની આંચથી કેટલાક છૂપા સંકેતોને શરીર પ્રકટ કરીને ચિત્ત આગળ ધરી દે છે. કેટલીક લાગણીઓ તથા વિચારોને ઘેરીને રહેલું ભેજનું ધૂંધળું આવેષ્ટન આ તાપથી અળગું થાય છે. આ તાપની માત્રા વધતાં ચારેબાજુનો સંસાર મૃગજળની દશાને પામે છે. મનનું મૃગલું એ મૃગજળ પાછળ દોડયા કરે છે. સમયની ક્ષણેક્ષણ આ તાપમાં તવાઈને તરલ બને છે ને એની આનુપૂર્વી ખોઈ બેસે છે. નહીં બોલવાનો અડગ નિશ્ચય કરીને ભંડાકિયામાં ભંડારી રાખેલી કેટલીય વાત તુવેરની કરાંઠીની જેમ સળગી જઈને એકાએક ભડકો થઈ ઊઠે છે. આવે વખતે મારા દાદાની છબિ નજર આગળ ખડી થઈ જાય છે. દિવસોના દિવસો સુધી બ્ર અક્ષર ન ઉચ્ચારનાર, પોતાના કરતાં ચારે ગણા વિસ્તારવાળા મૌનના પરિવેશ વચ્ચે જ સદા ઘેરાઈને રહેનાર, પોતાની આજુબાજુ એકાકીપણાનું અસ્તર મઢી દઈને જ જીવનાર એ પ્રૌઢ પુરુષ તાવ આવતાં વેંત પોતાના જ ઊંડાણમાંથી બહાર નીકળી આવતા ને મલેરિયાની ટાઢને ઉરાડવા તાપણું કરી બેસતા. અમને બાળકોને પાસે બોલાવીને બેસાડતા તાવને કારણે એમની તરી આવેલી આંખોની ઝાંયમાં નાચતા તાપણાનું પ્રતિબિંબ અમે જોઈ રહેતા. અગ્નિની ઝાળના દીવાલ પર કુદતા પડછાયા પરીકથામાં આવતા રાક્ષસની લપકારા મારતી જીભની યાદ આપતા ને અમે કશાક અજાણ્યા ભયથી વધુ સંકોચાઈને અડોઅડ બેસતા. દાદાનો તાવથી બળતો હાથ કોઈક વાર ગાલને અડી જતો ત્યારે બીજા એક શરીરની આબોહવાના અણધાર્યા આક્રમણથી મારું શરીર મૂંઝાઈ જતું. પછી દાદા વાતો શરૂ કરતા. પણ એ પેલી બાળવાર્તાઓમાં આવે છે તેવી દાદાજીની વાતો નો’તા કરતા. અમે તો નિમિત્તમાત્ર હતા. એ વાતો કરતા’તા મરણ જોડે – જે મરણ ધાડપાડુની જેમ ઓચિંતાનું અમારા ઘર પર ત્રાટકી પડીને અરધું ઘર ઉજ્જડ કરી ગયું હતું. છેલ્લે વાત આવીને અટકતી મારા કાકાના મરણ આગળ, ઘરમાંથી જે ચાલ્યાં ગયાં તેમાંનાં મોટા ભાગના યુવાન વયનાં, પણ દાદા બોલતા; ‘મણિશંકર ગયો ત્યારથી ભગવાન જોડે લડું છું, એવું શા માટે કર્યું?’ એ પ્રશ્નની વેધકતા સમજવા જેટલા અમે ત્યારે મોટા નો’તા. તેમ છતાં તાપણાની ઝાળની તરલ દીપ્તિથી પળેપળે રેખાઓ બદલતો લાગતો એમનો ચહેરો, એમને હોઠેથી ઉચ્ચારાયેલો નહીં પણ આંખમાં અંગારાની જેમ વરસેલો એ પ્રશ્ન જેને ઉદ્દેશવામાં આવ્યો છે તે ઓરડામાં જ, કોઈ અંધારો ખૂણો શોધીને લપાઈને, ખંધાઈથી સાંભળતું બેઠું હશે એવું અમને લાગતું ને અમારી નજર એને શોધવા મથતી.

તાવ આવે છે ત્યારે ભૂતકાળના બધા તાવનું ધણ જાણે શરીરમાં ભેગું થઈ જાય છે. વનમાં દવ લાગે ત્યારે ભડકેલા ચિત્તમાં ધોળે દિવસે ત્રાડ નાખતાંકને બોડમાંથી છલાંગ મારીને બહાર નીકળે તેમ આ તાવની ઝાળથી શરીરની બધી બોડમાંથી કાંઈ કેટલા ય ચિત્તાઓ ત્રાડ નાખતાંકને છલાંગ ભરે છે. દસ બાય બારની મારી ઓરડીમાં એકાએક વનમાં વન સમાઈ જાય છે. ત્રાડના અવાજથી લમણાં ફાટે છે. આગમાંથી પોતાની ઘરવખરીને બચાવી લેવા મથતા કોઈ ગરીબ કુટુંબના વડાની જેમ કોઈક વાર કહેવાને રાખી મૂકેલી, મનમાં અર્ધી ઉકેલી જોયેલી ને પછી ગડી વાળીને મૂકી રાખેલી એવી, વાતો ગભરાટનો માર્યો હું જલદી જલદી બહાર ખેંચી કાઢું છું. કેટલીક તો બહાર ખેંચી કાઢું તે પહેલાં જ રાખ થઈ ગઈ હોય છે. તાવે રચેલું ઉષ્ણ એકાન્ત સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યા પછી પણ થોડા દિવસ વળગી રહે છે.