જયંતીલાલ મંગળજી ઓઝા

ઓઝા જયંતીલાલ મંગળજી (૧૧-૧૨-૧૮૯૨, ૧૯૬૯): જીવનચરિત્રલેખક તથા બાળનાટ્યકાર. જન્મ જામનગરમાં. વતન વાંકાનેર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાંથી બી.એ. ૧૯૧૬માં મુંબઈમાં એલએલ.બી. થઈ મધ્યપ્રાન્તમાં વકીલાત. ૧૯૧૭થી રાજકોટની રાજકુમાર કૉલેજમાં અધ્યાપન. ૧૯૪૦થી ૧૯૪૮ વિવેકાનંદ ગુરુકુળમાં અને ૧૯૪૯થી ૧૯૫૩ અમદાવાદની મૉડેલ હાઈસ્કૂલમાં આચાર્ય. એમણે નથુરામ શર્માના ધર્મવિકાસનું ભક્તિભાવપૂર્વક નિરૂપણ કરતું ‘નાથચરિતામૃત' (૧૯૪૦) અને ‘મા શારદા' (૧૯૪૦) જેવાં ચરિત્રો; ‘ભક્તિતત્ત્વ' (અન્ય સાથે, ૧૯૩૮), ‘કેળવણી' (૧૯૪૩), ‘યુવાનો ને વિવેકાનંદ’ (૧૯૪૭), ‘વીરવાણી' (૧૯૪૭), ‘વિવેકાનંદની કલ્યાણયોજના' (૧૯૫૩) જેવાં બેધક પુસ્તકો; ‘મોટા થઈશું ત્યારે' (૧૯૩૫) અને ‘તારકમંદિર' (૧૯૪૬) જેવા બાળનાટકોના સંગ્રહો અને ‘ગીતગુચ્છ' જેવાં બાળસાહિત્યનાં પુસ્તકો આપ્યાં છે. આ ઉપરાંત એમણે ‘ગોવિંદદામોદર સ્તોત્ર' (૧૯૪૫) તથા ‘સ્તોત્રસંગ્રહ' (૧૯૪૫) નામના સ્તોત્રસંચયોનું સંકલન પણ કર્યું છે. ઓઝા તનસુખરાય ઇચ્છાશંકર, ‘શિવેન્દુ’ (૨૦-૧૨-૧૯ર૭): કવિ. જન્મ વતન ભાવનગર જિલ્લાના શિહોરમાં. ૧૯૪૭માં મૅટ્રિક, ૧૯પરમાં ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૫૪માં એમ.એ. શાળા અને કૉલેજોમાં શિક્ષણકાર્ય. ‘ભૂકંપ' (૧૯૫૮) એમનો પ્રલય ને ક્રાંતિના ભાવોને આલેખતો કાવ્યસંગ્રહ છે. ‘પાયલ’ (૧૯૫૮) ગીતસંગ્રહ છે. ‘તાંડવ’ (૧૯૫૯), ‘ચંદ્ર’ (૧૯૫૯) તથા ખંડકાવ્યોનો સંગ્રહ ‘પુદ્ગલ’ (૧૯૭૦) એ એમના કાવ્યરચનાના અન્ય ગ્રંથો છે. સામયિકોમાં પ્રસિદ્ધ થયેલા એમના વિવેચનલેખો અગ્રંથસ્થ છે.