જયદેવ શુક્લની કવિતા/આપણી જ એક આંખમાં આંસુ જોઈને...

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આપણી જ એક આંખમાં આંસુ જોઈને...

ન ગમતી વાણી
તાણી તાણીને પહેરી
હાથમાંનું મણ-મણનું ગુલાબ ઊંચકી
ઊંધે માથે ચાલવાનું,
ટાઢાટાપ્પ સૂરજના
બોદાઈ ગયેલા ચળકાટ જેવું
હસવાનું;
ન ગમે છતાંય.
‘સત્યના પ્રયોગો’ ભણાવતી વખતે જ
જંગલ ભડકે...
‘પ્લે બૉય’ના ધસમસતા
ઘુમ્મટોના ફુવારા
પૃષ્ઠે પૃષ્ઠે ઉછળે
મઘમઘે
ને ફીણ-ફીણ થઈ છટકી જઈએ;
ન ગમે છતાંય.
સાલ્લું, તાણી-તૂસીને હસવાનું, ખસવાનું.
ઘડિયાળથી જ બધું માપવાનું;
ન ગમે છતાંય.
તંગ નદીઓ માત્ર જોવાની જ,
ગમે છતાંય.
ધુમ્મસમાં
રણકતું ચીંચીં
શેાધવાનું,
ઓટ ઓઢીને ચાલવાનું;
ગમે કે ન ગમે છતાંય.
ક્ષણ વ્હેરીને ચાલવાનું ગમે તોય
વ્હેરી કે ચાલી ન શકાય.
ન હસી શકાય
આપણો ચહેરો ઓટના અરીસામાં જોઈને.
ન રડી શકાય કે ન હસી શકાય
આપણી જ એક આંખમાં આંસુ જોઈને,
સાલ્લી, આ તે કંઈ...