જયદેવ શુક્લની કવિતા/એક પીળું ફૂલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
એક પીળું ફૂલ

લોક બધું રંગ-સુગંધથી છલકાય.
ભૂખરી-ભૂરી સાંજ ફેલાતી જાય.
આકાશ રંગરંગી ને પછી
ધુમાડાથી છવાય.
લચકાતી ચાલે ચાલતી
શિયાળુ હવાનો રુઆબ
શેરીઓમાં છંટાય.
ફટાકડાના ધડાકાથી
દીવા ઓલવાય.
ધુમાડિયું અંધારું દોડતુંક ઘરમાં ઠલવાય.

દૂર પૂર્વમાંથી
ભીની ફુગાયેલી, સડેલી હવા વીંઝાય.
કપરકાબીના ખણકાર
ને
કાળીચૌદસે તળાતાં વડાંની સોડમ વિનાની
સાંજ ઓલવાતી જાય.

ગણગણતું, હસતું
હૉર્નની કિકિયારીમાં ઊછળતું લોક
ઠલવાતું જાય અહીંતહીં.

તારામંડળ
મધરાતે બારીમાંથી
વાતો કરતું કરતું ઢળી જાય.
સવારે :
કારેલીના વેલા પરનું
એક પીળું ફૂલ
દાઝી ગયું હતું.