જયદેવ શુક્લની કવિતા/પ્રતીક્ષા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પ્રતીક્ષા

ઘડિયાળનો કાચ ચોખ્ખો કર્યો.
ઊંધ લૂછી લૂછીને સાફ કરી.
પુસ્તકો ‘વ્યવસ્થિત’ ગોઠવ્યાં.
પંખા પર જામેલી ધૂળ ઉડાડી.
બહાર ‘ચરતી’ પેનોને પેન-સ્ટેણ્ડમાં સજાવી.
ખીંટીની છાપવાળાં કપડાં હૅન્ગર પર ઝુલાવ્યાં.
દાઢી માંજી.
સ્ટવની દીવેટ ખેંચી.
ઘડિયાળમાં જોયું.
સામેની બારીના સળિયા ગણ્યા :
એક...બે...ત્રણ...
ફરી જોયું.
શેરીના પગરવને સૂંઘ્યા કર્યો.
ઘડિયાળનો કાચ ઘસી ઘસીને લૂછ્યો.
ચાવી આપી.
ટક્...ટક્...ટક્...
ટક્...